Gujarati Video : સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતમાં છવાયો વરસાદી માહોલ, સુરત શહેર, કામરેજ, ઓલપાડ, બારડોલીમાં વહેલી સવારથી વરસાદ, વલસાડમાં પણ માવઠું
Surat: સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ છવાયો છે. સુરત શહેર, કામરેજ, ઓલપાડ અને બારડોલીમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. જ્યારે વલસાડમાં પણ માવઠાની સ્થિતિ જોવા મળી છે.
રાજ્યના અનેક શહેરોમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છવાયો છે. ગઈકાલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત બાદ આજે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો છે. સુરતના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. સુરતના મજુરા, અઠવા, અડાજણ, રાંદેર અને પાલ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે પણ બે દિવસની વરસાદની આગાહી કરી છે.
ઓલપાડ, કામરેજ અને બારડોલીમાં સવારથી વરસાદી માહોલ
સુરત શહેર સહિત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ઓલપાડ, બારડોલી અને કામરેજ તાલુકામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી છે, અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડતા ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે.
વલસાડમાં માવઠાથી કેરીના પાકને નુકસાનની ભીતિ
આ તરફ વલસાડ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાની સ્થિતિ જોવા મળી છે. પવન સાથે વરસાદ પડતા અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ છે. કમોસમી વરસાદના કારણે કેરીના પાકને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…