Surat : સુરતની દિવ્યાંગ દીકરીએ ઇન્ટરનેશનલ પેરા ટેબલટેનિસમાં વગાડ્યો ડંકો, સિલ્વર મેડલ મેળવી હજી ઊંચી ઉડાન ભરવાનો હોંસલો
જન્મથી તેણીની કરોડરજ્જુ વાંકી છે અને તેના કારણે તેના માટે શરીરની હલનચલન મુશ્કેલ બને છે. ભાવીકા પાંચ વર્ષની થઈ પછી જ ચાલવાનું શરૂ કરી શકી હતી. તે હવે ચાલી શકે છે પરંતુ મુશ્કેલીઓ સાથે.
મંઝિલ ઉનહી કો મિલતી હૈ જિનકે સપનો મેં જાન હોતી હૈ, પંખો સે કુછ નહીં હોતા હોંસલો સે ઉડાન હોતી હૈ. આ કહેવત સુરતની ભાવિકા કુકડીયાએ સાચી કરી બતાવી છે. 26 વર્ષીય ભાવિકા કુકડિયા જન્મથી દિવ્યાંગ છે. ડોકટરોએ પણ પરિવારને કહ્યું હતું કે તેનું જીવન પડકારજનક છે. પરંતુ આ પડકાર અને ચેલેન્જ સામે લડીને ભાવિકાએ તાજેતરમાં જ શનિવારે જોર્ડનના અમ્માનમાં આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં મહિલા ડબલ્સમાં સિલ્વર મેડલ જીત્યો છે.
જન્મથી તેણીની કરોડરજ્જુ વાંકી છે અને તેના કારણે તેના માટે શરીરની હલનચલન મુશ્કેલ બને છે. ભાવીકા પાંચ વર્ષની થઈ પછી જ ચાલવાનું શરૂ કરી શકી હતી. તે હવે ચાલી શકે છે પરંતુ મુશ્કેલીઓ સાથે. તેણીએ અભ્યાસ પૂર્ણ કર્યા પછી, નોકરી કરવાની શરૂ કરી અને તે જ સમયે તેને રમતગમત માટે પ્રેમ કેળવ્યો. ભાવિકાને લોકોએ તેની શારીરિક અક્ષમતાને કારણે ઘરે બેસવાની નહિ તો રમતમાં ચેસ રમવાની સલાહ આપી, પણ તેણીએ ટેબલ ટેનિસ રમવાનું પસંદ કર્યું. તાજેતરમાં અમ્માનમાં ઈન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશનની એફએ20 અલ-વતાની પેરા ચેમ્પિયનશીપમાં 2022માં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પાંચ મહિલા ટીમમાં ટેનિસ ફેડરેશન ઑફ ઈન્ડિયા દ્વારા ભાવિકાની પસંદગી થઈ હતી.
ભાવિકાએ કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું છે. માત્ર તેણીની વિકલાંગતા જ નહીં પરંતુ આર્થિક તંગી પણ સામે લડવી પડી હતી. તેના પિતા અને મોટા ભાઈ શહેરના પાલનપુર જકાત નાકા વિસ્તારમાં ટેલરિંગની દુકાન ચલાવતા હોવાથી પરિવાર પાસે નાણાકીય સંસાધનો મર્યાદિત છે. પરિવારને ટેકો આપવા માટે, ભાવિકાએ ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ રમતગમતમાં કારકિર્દી બનાવવાની યોજના સાથે તેણીએ નોકરી છોડી દીધી.
ભાવિકા જ્યારે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ રમવા જવાની હતી એ જ સમયે તેનો ભાઈ ગંભીર રીતે બીમાર પડ્યો, તેને પેરાલિસિસનો એટેક આવ્યો અને તે હજુ પણ ગંભીર છે, હાલ ભાવિકા સામે એવી ઘણી આર્થિક અને શારીરિક મુશ્કેલીઓ છે પણ છતાં તેને ટેબલ ટેનિસમાં ભારતનું પ્રતિનિધિત્વનું કરવાનું ઝુનૂન માથે છે. ત્યારે ભાવિકા એવા લોકો માટે પણ પ્રેરણા છે જે હિંમત હારીને બેસી જાય છે. ભાવિકાના કોચનું કહેવું છે કે આ તો હજી શરૂઆત છે, ભાવિકાને હજી ઘણું આગળ વધવાનું છે. ભાવિકા સિંગલ પેરા ટેબલ ટેનિસમાં રમીને સુરત અને ભારતનું પ્રતિનિધિત્વ કરે તે દિશામાં હવે તેમણે પ્રયત્નો હાથ ધર્યા છે.