Corona Free Surat: 766 દિવસ પછી સુરતની હોસ્પિટલો એકદમ ખાલીખમ, એક્ટિવ કેસોની સંખ્યા શૂન્ય
એક જ દિવસમાં સૌથી વધારે 2862 એક્ટિવ (Active )કેસો તારીખ 20મી જાન્યુઆરી-2022 ના રોજ નોંધાયા હતાં. સુરત શહેરમાં કોરોનાનાં એક્ટિવ કેસોની સંખ્યા પણ ઉત્તરોત્તર વધતી ગઇ હતી પરંતુ હવે કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા પણ શૂન્ય થતા તંત્રને રાહત થઇ છે.
બે વર્ષ બાદ સુરત (Surat ) શહેર આખરે કોરોનામુક્ત (Corona Free) થયું છે. બે વર્ષ પહેલાં માર્ચ-2020ની 17મી તારીખે બચકાનીવાલા પરિવારની યુવતીનો કોરોના વાયરસનો રીપોર્ટ (Report) પોઝિટિવ આવતાં સુરત શહેરમાં કોરોનાની એન્ટ્રી થઈ હતી. ત્યારપછી તો કોરોના વાયરસે હાહાકાર મચાવતાં સમગ્ર શહેર જીવલેણ કોરોનાની ઝપેટમાં આવી ગયું હતું. શહેરની ખાનગી તેમજ સરકારી હોસ્પિટલો પણ કોરોનાના પોઝિટિવ કેસોનાં દર્દીઓથી ઉભરાઈ ગઈ હતી. સરકારે લોકડાઉનનો કડકાઈથી અમલ કરતાં સમગ્ર શહેર જાણે કરફ્યુગ્રસ્ત બની ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
જોકે હાલ સુરત શહેરમાં કોરોનાનાં એક્ટિવ કેસોની સંખ્યા શૂન્ય થઇ જતાં જીવલેણ કોરોનાએ આખરે સુરત શહેરમાંથી વિદાય લીધી હોય તેવું જણાઇ રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી કરોનાનાં પોઝિટિવ કેસો સાવ ઘટી ગયાં છે અને કેટલાક દિવસોમાં તો એક પણ પોઝિટિવ કેસ ડિટેકટ થયા નથી પરંતુ બે વર્ષ અને એક મહિના પછી સુરત શહેરમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા પણ ઝીરો થતાં શહેર કોરોના મુક્ત થઈ ગયું હોવાની અનુભુતિ મહાનગર પાલિકાનાં સત્તાધીશો પણ કરી રહ્યાં છે.
સુરત શહેરમાં બે વર્ષ દરમિયાન કુલ પોઝિટિવ કેસો 1,62,193 અને કુલ મૃત્યુ 1681 થયા છે. એક જ દિવસમાં સૌથી વધારે 2862 એક્ટિવ કેસો તારીખ 20મી જાન્યુઆરી-2022 ના રોજ નોંધાયા હતાં. સુરત શહેરમાં કોરોનાનાં એક્ટિવ કેસોની સંખ્યા પણ ઉત્તરોત્તર વધતી ગઇ હતી પરંતુ હવે કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા પણ શૂન્ય થતા તંત્રને રાહત થઇ છે. આમ 766 દિવસો પછી હોસ્પિટલો ખાલીખમ થઇ છે.
તકેદારી રાખીને વિકાસ તરફ આગળ વધીએઃ મ્યુ.કમિશનર
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ હાથ ધરેલી સફળ વેક્સિનેશન ઝુંબેશ બાદ કોરોનાનાં એક્ટિવ કેસોની સંખ્યામાં ખાસ્સો ઘટાડો થયો હતો. અને છેલ્લા કેટલાક સમયથી તો કોરોના પોઝિટિવ કેસો સાવ ઘટી ગયાં હતાં અને કેટલાક દિવસોમાં તો પોઝિટિવ કેસની સંખ્યાં ઝીરો થઈ હતી. અત્યારસુધી શહેરમાં એક્ટિવ કેસો નોંધણી થતી રહી હતી. શુક્રવારે સૌ પ્રથમવાર સુરત શહેરમાં કોરોનાનાં એક્ટિવ કેસો પણ શૂન્ય નોંધાતા જાણે સુરત શહેર કોરોના મુક્ત બની ગયું હોય તેવી અનુભૂતિ મહાનગર પાલિકાનાં સત્તાધીશો તેમજ શહેરીજનોને થઇ હતી.
સુરત શહેરમાં કોરોનાનાં પોઝિટિવ અને એક્ટિવ કેસો શૂન્ય છે તે ઘણી સારી બાબત છે પરંતુ કોરોના અંગે લોકોએ હજુ તકેદારી રાખવાની જરૂર છે. જીવનમાં સતત આગળ વધવાનું હોય છે એટલે તકેદારી રાખીને વિકાસ તરફ આગળ વધીએ તેમ મ્યુ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
કોરોના બાબતે સંભાળ રાખવાની હજુ જરૂર છેઃ ડો.આશિષ નાયક
કોરોનાનાં પોઝિટિવ કેસો અને એક્ટિવ કેસો ભલે શૂન્ય થઇ ગયા હોય પરંતુ હજુપણ કોરોના વાયરસ બાબતે શહેરીજનોએ સંભાળ રાખવાની જરૂર છે. સરકારે જે ગાઇડલાઇન જણાવી છે તેનું તમામ શહેરીજનોએ પાલન કરવું જોઇએ તેમ સુરત મહાનગર પાલિકાનાં આરોગ્ય વિભાગનાં ડેપ્યુટી કમિશનર ડો.આશિષ નાયકે જણાવ્યું હતું.
આ પણ વાંચો :
Surat: યુપી પોલીસની જેમ સુરત પોલીસ દ્વારા પણ ચલાવવામાં આવ્યું બુલડોઝર, જાણો કોના પર પોલીસે ગાળિયો કસ્યો
Surat: દિલ્હીના જહાંગીરપુરાની જેમ સુરતમાં પણ અસામાજિક તત્વોના દબાણો પર ફેરવાયુ બુલડોઝર, જુઓ વીડિયો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો