SURAT : CM ભુપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલની અધ્યક્ષતામાં BJPનું મોટું સ્નેહમિલન, 30 થી 50 હજાર લોકો સામેલ થવાની શક્યતા
ભાજપના સ્થાનિક નેતાઓનો દાવો છે કે સ્નેહમિલનમાં આજે 30 થી 50 હજાર લોકો ઉમટશે.સ્નેહમિલન સમારોહ માટે સ્ટેજ અને મંડપ બાંધવામાં આવ્યા છે.ખુરશીઓ પણ ગોઠવી દેવાઈ છે.
SURAT : આજે સુરતમાં ભાજપનું સૌથી મોટું સ્નેહમિલન યોજાશે. વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં યોજાનારા આ સ્નેહમિલનની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.સ્નેહમિલનમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ હાજરી આપશે.ભાજપના સ્થાનિક નેતાઓનો દાવો છે કે સ્નેહમિલનમાં આજે 30 થી 50 હજાર લોકો ઉમટશે.સ્નેહમિલન સમારોહ માટે સ્ટેજ અને મંડપ બાંધવામાં આવ્યા છે.ખુરશીઓ પણ ગોઠવી દેવાઈ છે. આજે ઉપસ્થિત રહેનારા લોકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
કાર્યક્રમમાં પહોચેલા ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા, લાખોની સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખો,પેજ કમિટીના સભ્યો, આ એક એક કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીનો આવનારો નેતા છે. તેમણે કહ્યું આ તમામ કાર્યકર્તાઓએ મળીને જે પ્રકારે ભૂતકાળમાં અનેક ઈતિહાસ લખેલા છે, એ જ પ્રકારે આજે ફરી એક વાર સુરત શહેરના કાર્યકર્તાઓ અને સુરત શહેરના નાગરિકો દ્વારા ભારતીય જનતા પાર્ટી પ્રત્યે જે પ્રેમ, શ્રદ્ધા અને લાગણી દર્શાવવા માટે આજે ઈતિહાસ રચાવા જઈ રહ્યો છે.
સુરતનો આજનો કાર્યક્રમ શક્તિપ્રદર્શન છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે બધાની જોવાની રીત અલગ અલગ હોય છે. તેમણે કહ્યું, “હું એવું માનું છું કે આ સુરત શહેર અને ગુજરાત પ્રદેશના લોકોનો ભારતીય જનતા પાર્ટી માટે શ્રદ્ધા અને વિશ્વાસ છે, જે અતૂટ છે. એનો સંદેશો આપવાનો કાર્યક્રમ છે.
આ પણ વાંચો : સાબરમતી નદીને ચોખ્ખી કરવામાં AMC સદંતર નિષ્ફળ, સી-પ્લેનના ટ્રેકમાં પણ જંગલી વનસ્પતિ ફરી વળી
આ પણ વાંચો : 700 TRB જવાન ઘરભેગા : અમદાવાદ ટ્રાફિક પોલીસે ગેરવર્તણૂક કે ભ્રષ્ટાચારમાં સંકળાયેલા TRB જવાનોને છુટ્ટા કર્યા