Surat : શહેરમાં પ્લાસ્ટિકનો કચરો વીણતાં રેગ પીકર્સને તાલીમ આપવામાં આવશે
સુરતમાં હવે પ્લાસ્ટિકના કચરા વીણતાં શ્રમજીવીઓ માટે ખાસ યોજના થકી તેમને અલગ આઈકાર્ડ અને વિવિધ લાભો મળે તેવી યોજનાને મંજૂરી મળી ગઈ છે.
સુરત (Surat) શહેરમાં છૂટક કચરો વીણતાં અને મહાનગરપાલિકાની સૂકો તેમજ ભીના કચરાના સેગ્રીગેશન પર કામ કરતા રેગ પિકર્સને (Reg Pickers) સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા સરકારની યોજનાના ભાગરૂપે માનવતાવાદી અભિગમ દર્શાવવામાં આવ્યો છે.
પ્લાસ્ટિક મુક્ત ગુજરાત ઝુંબેશ અંતર્ગત શહેરી વિસ્તારમાંથી પ્લાસ્ટિકનો કચરો વીણીને એકત્ર કરનાર લોકોના આર્થિક વિકાસ હેતુ માટે રેગ પીકર્સ શ્રમજીવી આર્થિક વિકાસ યોજના તૈયાર કરવામાં આવી છે. જેને હવે સ્થાયી સમિતિએ મંજૂરી આપી દીધી છે.
છૂટક કચરો વીણીને ગુજરાન ચલાવતા લોકો સ્વનિર્ભર બની શકે તે માટે સરકાર દ્વારા આ યોજના હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ 911 રેક પિકર્સ રજીસ્ટર કરવામાં આવ્યા છે. અત્યાર સુધી આરોગ્ય વિભાગમાં વર્ગ 4ના કર્મચારીઓને જ લાભો મળવાપાત્ર થતા હતા પણ હવે છૂટક કચરો વીણતાં અને પરિવારનું ગુજરાન ચલાવતા આવા રેક પિકર્સને પણ આઈકાર્ડ થકી ઓળખ મળશે અને અન્ય સરકારી લાભો મળતા તેઓને પણ ફાયદો થશે.
સ્થાયી સમિતિ ચેરમેને જણાવ્યું છે કે સુરતમાં આવા 911 રેગ પીકર્સની ઓળખ કરી દેવામાં આવી છે. હવે તેઓના આધારકાર્ડ, બેન્ક એકાઉન્ટ સહિતની વિગતો રેગ પીકર્સ શ્રમજીવી રહીક યોજનાના ભાગરૂપે રાજ્ય સરકારને મોકલવામાં આવી હતી. જેને આધીન સરકાર દ્વારા કુલ 949 રેગ પીકર્સ માટે સુરત મહાનગરપાલિકાને જુદી જુદી કામગીરી માટે રૂ. 40.79 લાખની ફાળવણી કરવામાં આવી છે.
રેગ પીકર્સ શ્રમજીવીઓ પ્લાસ્ટિક કચરાના વર્ગીકરણની કામગીરી સારી અને ઝડપી રીતે કરી શકે તે માટે મહાનગરપાલિકા દ્વારા પ્રથમ બે મહિનામાં ત્રણ વખત અને ત્યારબાદ દરેક એક એક મહિને તાલીમ આપવાની રહેશે. પાંચ તાલીમ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તાલીમ પેટે મળેલ ગ્રાન્ટના 2.50 લાખ રૂપિયાની ચુકવણી તાલીમ આયોજન પેટે કરવાની રહેશે. છ મહિના માટે 35.04 લાખની સબસીડી સરકારે ફાળવી છે.
આમ હવે મનપા હદ વિસ્તારમાં સૂકા તેમજ ભીના કચરાને અલગ કરવાનું કામ કરતા રેગ પીકર્સને પણ હવે વિવિધ યોજનાઓના લાભ અને સહાયનો ફાયદો મળી શકે તે દિશામાં કોર્પોરેશન આગળ વધી રહી છે.
આ પણ વાંચો :