
દિલ્હીમાં ગત 10 નવેમ્બરના રોજ સાંજના સમયે લાલ કિલ્લા પાસે આતંકવાદીઓએ કારમાં કરેલા આત્મઘાતી વિસ્ફોટમા 13 લોકોના મોત થયા હતા. દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ, ગુજરાત પોલીસ મહાનિર્દેશકે, રાજ્યભરની પોલીસને સંવેદનશીલ ગુનામાં પકડાયેલા આરોપીઓના ડોઝિયર તૈયાર કરવાનો આદેશ કર્યો હતો. જેના ભાગરુપે, સુરત પોલીસે, વિવિધ ગુનામાં સંડોવાયેલા 2400 આરોપીના ડોઝિયર તૈયાર કરવાનુ નક્કી કર્યું છે. જેમાં અત્યાર સુધીમાં 700 આરોપીઓના ડોઝિયર તૈયાર કરી લેવાયા છે.
સુરત પોલીસ કમિશનરે, સંવેદનશીલ ગુનામાં સંડોવાયેલા ગુનેગારોની એક યાદી તૈયાર કરી છે. જેમાં 2400 આરોપીઓનો સમાવેશ થાય છે. આ આરોપીઓમાં પાછલા 30 વર્ષમાં હથિયાર ધારા હેઠળ પકડાયેલા, બનાવટી ચલણી નોટના કેસમાં, એક્સપ્લોઝીવ એકટ, ઉપરાંત અન્ય ટેરર એકટ, NDPS એકટ અને ઓઇલ ચોરી હેઠળ નોંધાયેલા ગુનાના આરોપીની માહિતી તૈયાર કરાઈ છે. આ તમામ આરોપીના ડોઝિયર બનાવવામાં આવ્યું છે.
હાલમાં આરોપી કેવો દેખાય છે, તેની પાસે કેટલી પ્રોપટી છે, આરોપી ક્યાં રહે છે આ તમામ બાબતો ડોઝિયરમાં એકઠી કરવામાં આવશે. જેમના પણ ડોઝિયર બનાવવાના છે તેવા આરોપીના અલગ અલગ 3 એંગલથી લેવાયેલા ફોટો સહિતની તમામ વિગતો પોલીસ મેળવશે. જે આરોપી અન્ય રાજ્યોમાં ગયા છે તેમની માહિતી મેળવવા જે તે રાજ્યની પોલીસની પણ મદદ લેવાઈ રહી છે. 2400 કરતા વધુ આરોપીનો ડોઝિયર તૈયાર કરવામાં આવશે. હાલ 700 લોકોની વિગત લેવાઈ ગઈ છે અને અન્ય કામગીરી 2 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. ભૂતકાળમાં સુરતમાં અને અમદાવાદમાં બોમ્બ મૂકવામાં સંડોવાયેલા પર નજર રાખવામાં આવશે.
આ ઈસમો કોને મળે છે અને શું-શુ પ્રવૃત્તિ કરે છે તે તમામ ગતિવિધિ પર પોલીસ નજર રાખી રહી છે. તમામ DCP, ACP સહિતનાં અધિકારીઓ આ કામગીરી કરી રહ્યા છે. જે આરોપી વોન્ટેડ છે તેમનાં ફોટો AI ડેટાબેઝમાં અપલોડ કરાયા છે. જેથી કેમેરા પણ આ આરોપીને ડિટેકટ કરી શકે અને આરોપી પકડાઈ શકે.