સુરતના હરિયાલ GIDCમાં નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

સુરતના હરિયાલ GIDCમાં નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

| Updated on: Jan 11, 2026 | 5:26 PM

સુરત જિલ્લાના અરેઠ તાલુકાના હરિયાલ GIDCમાં આવેલી એક ફેક્ટરીમાં જાણીતી કંપનીઓના લેબલ લગાવી નકલી રબર ટ્યુબ બનાવવાનું મોટું નેટવર્ક પકડાયું છે. પોલીસે ફેક્ટરીમાંથી બ્રાન્ડેડ કંપનીના લોગો વાળી ડાય અને મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત જિલ્લામાં ફરી એકવાર ‘અસલીના નામે નકલી’ વેચવાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. અરેઠ તાલુકાના હરિયાલ GIDC વિસ્તારમાં આવેલી ‘મેક્સોન રબર ઇન્ડસ્ટ્રીઝ’ (Maxon Rubber Industries) માં પોલીસ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

કઈ રીતે ચાલતું હતું કૌભાંડ?

આ ફેક્ટરીમાં વાહનોના ટાયરની રબર ટ્યુબ બનાવવામાં આવતી હતી. પરંતુ, આ ટ્યુબને માર્કેટમાં વેચવા માટે ફેક્ટરી માલિક અનોખી અને ગુનાહિત પદ્ધતિ અપનાવતો હતો. ફેક્ટરીમાં સામાન્ય ક્વોલિટીની ટ્યુબ બનાવી તેના પર દેશી-વિદેશી જાણીતી બ્રાન્ડના લેબલ લગાવી દેવામાં આવતા હતા. ગ્રાહકોને વિશ્વાસ બેસે તે માટે પ્રોડક્ટ પર પ્રખ્યાત કંપનીઓના માર્કિંગ કરવામાં આવતા હતા.

લોખંડની ડાય મળી આવી પોલીસ તપાસ દરમિયાન ફેક્ટરીમાંથી માત્ર નકલી ટ્યુબ જ નહીં, પણ જાણીતી કંપનીઓના નામ અને લોગો વાળી લોખંડની પ્રિન્ટિંગ ડાય પણ મળી આવી છે. આ ડાયની મદદથી રબર પર કંપનીના નામ છાપવામાં આવતા હતા, જેથી ગ્રાહકોને અસલી અને નકલી વચ્ચેનો તફાવત ખબર ન પડે.

પોલીસ કાર્યવાહી પોલીસે આ મામલે કડક વલણ અપનાવતા ફેક્ટરી માલિક વિરુદ્ધ છેતરપિંડી અને કોપીરાઈટ ભંગનો ગુનો દાખલ કર્યો છે. દરોડા દરમિયાન પોલીસે અંદાજે 4 લાખ 70 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં કાચો માલ, મશીનરી અને તૈયાર નકલી ટ્યુબનો સમાવેશ થાય છે. આ ઘટનાને પગલે સમગ્ર GIDC વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નકલી ટ્યુબ અત્યાર સુધી કયા કયા શહેરોમાં અને કયા વેપારીઓને સપ્લાય કરવામાં આવી છે.

દેશ અને દુનિયાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો