Surat Corporation: રક્ષાબંધનના દિવસે સુરત મહાનગરપાલિકાની બહેનોને ભેટ, બસમાં કરી શકશે વિનામુલ્યે મુસાફરી
રક્ષાબંધન નિમિત્તે સુરત મનપાએ બહેનોને સીટી બસ અને બીઆરટીએસ બસ સેવામાં મફત મુસાફરીની ભેંટ આપી છે.
Surat Corporation: રક્ષાબંધન એ ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. દરેક બહેનો પોતાના ભાઈને રાખડી બાંધીને તેમના લાંબા આયુષ્ય, સ્વાસ્થય અને પ્રગતિ માટે કામનાઓ કરતી હોય છે. ત્યારે ભાઈઓ પણ પોતાની બહેનોને જુદી જુદી ભેંટો આપતા હોય છે. દરમ્યાન રક્ષાબંધનના પર્વને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા પણ બહેનોને અનોખી ભેંટ આપવામાં આવી છે.
રક્ષાબંધનના દિવસે શહેરમાં દોડતી સીટી અને બીઆરટીએસ બસમાં બહેનો વિનામૂલ્યે મુસાફરી કરી શકશે. સુરત મહાનગરપાલિકા દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે શહેરમાં દોડતી તમામ રૂટની સીટી બસ અને બીઆરટીએસ બસમાં બહેનોને વિનામૂલ્યે મુસાફરી કરાવવામાં આવશે. અને તેમની પાસેથી કોઈ પણ પ્રકારનું ભાડું લેવામાં નહીં આવે. આ નિર્ણય ખાસ કરીને રક્ષાબંધનને લઈને કરવામાં આવ્યો છે. અને બહેનોને ભેંટ સ્વરૂપે આપવામાં આવ્યો છે.
એટલું જ નહીં પાલિકા દ્વારા દર વર્ષે બહેનો માટે રક્ષાબંધનના દિવસે સીટી બસ અને બીઆરટીએસ બસમાં મફતમાં મુસાફરી કરાવવામાં આવે છે. એક બાજુ કોરોનાના કેસો વધ્યા હતા ત્યારે સીટી બસ સેવા અને બીઆરટીએસ બસસેવા બંધ કરવામાં આવી હતી. શહેરમાં આ સેવાનો લાભ અસંખ્ય મુસાફરો લેતા હોય છે.
જોકે હવે સ્થિતિ થોડી કાબુમા આવી છે. અને હવે મોટાભાગના રૂટોમાં બસ સેવા શરૂ કરવામાં આવી છે. હવે બીઆરટીએસના કુલ 13 રૂટ પર રોજના 1,10,000 મુસાફરો અને સિટીબસના કુલ 41 રૂટ પર રોજના 70 હજાર જેટલા મુસાફરો આ બસસેવાનો લાભ લે છે. ત્યારે રક્ષાબંધનના દિવસે મનપા દ્વારા ખાસ બહેનોને અને 15 વર્ષથી નાની ઉંમર ધરાવતા બાળકોને આ સેવા મફતમાં આપવાનો નિર્ણય મહાનગપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે. જેથી શહેરની બહેનો મોટી સંખ્યામાં પાલિકા દ્વારા ચાલતી આ બસસેવાનો લાભ લઇ શકે.
જોકે તે દરમ્યાન પણ બહેનોને સોશિયલ ડિસ્ટનસિંગ નું પાલન કરવા અને કોરોનાની બીજી ગાઇડલાઇનનો પાલન કરવા પણ જણાવવામાં આવ્યું છે. મેયર દ્વારા જણાવવામાં આવ્યું છે કે બહેનો પર આર્થિક બોજો ઓછો આવે અને બહેનો મુક્તમને ફરી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો :