
સુરત શહેર અને જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, જેના કારણે છેલ્લા 12 કલાકમાં શહેરમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ શહેરમાં સિઝનનો કુલ વરસાદ 39 ઈંચ અને જિલ્લામાં કુલ 33 ઈંચ પર પહોંચી ગયો છે.
સમગ્ર જિલ્લામાં સૌથી વધુ વરસાદ પલસાણામાં 5.23 ઈંચ નોંધાયો છે. ભારે વરસાદના પગલે સુરત જિલ્લામાં પંચાયત હસ્તકના 11 રસ્તાઓ બંધ થઈ ગયા છે, જ્યારે વરાછાની ખાડી અને કોઝવે ભયજનક સપાટીની ઉપર વહી રહ્યા હોવાથી તંત્ર દ્વારા જળસ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે.
જિલ્લામાં અવિરત વરસાદના કારણે અરેઠના મુજલાવ-બોધનથી પસાર થતી ખાડીમાં ઘોડાપૂર આવ્યું છે અને કોઝ-વે પર પાણી ફરી વળતાં રસ્તો બંધ થઈ ગયો છે, જેથી માંડવી, અરેઠ અને બારડોલીના લોકોને 20 કિલોમીટરનો લાંબો ફેરો કરવા મજબૂર બનવું પડ્યું છે.
બીજી તરફ, ઉપરવાસમાં ભારે વરસાદને કારણે શહેરમાંથી પસાર થતી ખાડીઓના લેવલમાં પણ વધારો થયો છે. ભેદવાડ (ભેળવાળ) ખાડી ઓવરફ્લો થતાં તેના પાણી ખેતરો, ઘરો અને કોમ્પ્લેક્ષમાં ઘૂસી ગયા છે, જેથી લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
સુરતમાં આકાશી આફતના ડ્રોન દ્રશ્યો પણ સામે આવ્યા છે. સચિન વિસ્તારમાં ગરનાળામાં કેડસમા પાણી ભરાતાં અને આસપાસની સોસાયટીઓમાં પાણી ઘૂસતાં લોકોની ચિંતા વધી છે. આ ઉપરાંત પાંડેસરામાં સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ફરી વળતાં રોડ બંધ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે, જેથી પાલિકાની કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બમરોલી ગામ તરફ જવાનો રોડ પણ પાણીમાં ડૂબી ગયો છે છતાં રોડ ખુલ્લો રખાતાં પાલિકાની બેદરકારી સામે આવી છે. ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર થતાં સુરત મહાનગરપાલિકાના પ્રિ-મોન્સૂનના દાવાઓ ફરી એકવાર પાણીમાં ગયા છે.