નવરાત્રીના(Navratri ) નવ દિવસની ઉજવણી બાદ હવે વિજ્યા દશમીનો(Vijaya Dashmi ) પર્વ મનાવવામાં આવશે.. અસત્ય પર સત્યનો અને અધર્મ પર ધર્મના વિજયને મનાવવા રાવણ દહન દશેરાના દિવસે કરવામાં આવે છે. જોકે કોરોનાના સમયમાં સુરતમાં છેલ્લા બે વર્ષથી જે મોટા રાવણ દહનના કાર્યક્રમો થતા હતા તે આ વર્ષે નથી થવાના. પરંતુ નાના પાયે શેરી મહોલ્લા અને ગલીઓમાં લોકો દ્વારા રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આવી જ એક તૈયારી સુરતના ભટાર વિસ્તારમાં આવેલા ઉમરાવનગરમાં રહેતા યુવકો કરી રહ્યા છે.આ સોસાયટીના યુવકો દ્વારા રાવણ દહનની તૈયારી ઓ કરવામાં આવી રહી છે. અહીં રહેતા યુવકો દ્વારા 15 ફૂટનો રાવણ બનાવવામાં આવ્યો છે. છેલ્લા 15 દિવસથી યુવકો દ્વારા આ રાવણ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
સ્થાનિકનું કહેવું છે કે સોસાયટીના છોકરાઓને પહેલાથી જ દરેક ધાર્મિક તહેવારોને ઉત્સાહથી મનાવવાનો શોખ છે. તેઓ જયારે ગણપતિ લેવા જતા ત્યારે ગણપતિની પ્રતિમા કેવી રીતે બનાવતી તે ધ્યાનથી જોતા હતા. અને તે પછી 7 વર્ષ પહેલા તેઓએ સૌથી પહેલા કપડાના ઉપયોગથી નાના રાવણને બનાવવાની શરૂઆત કરી હતી. અને આજે તેઓ લાકડાના ઢાંચાથી 15 ફૂટ સુધીનો રાવણ જાતે જ બનાવી લે છે.
દશેરાના દિવસે રાવણને દહન કરતા પહેલા તેઓ નાનો વરઘોડો કાઢે છે. જેમાં સોસાયટીના નાના મોટા સૌ કોઈ ઉત્સાહથી જોડાય છે. પછી સોસાયટીના મેદાનમાં રાવણનું દહન કરવામાં આવે છે. નોંધનીય છે કે આ વર્ષે સુરતના રામલીલા મેદાન અને ડુમસ ગામમાં થતા રાવણ દહનના બે મોટા કાર્યક્રમો પર બ્રેક લાગી છે.
રામલીલા સમિતિના આગેવાનના જણાવ્યા પ્રમાણે ગયા વર્ષે કોરોનાના કારણે કાર્યક્રમ રાખ્યો ન હતો. જયારે આ વર્ષે પણ ભીડને કાબુમાં કરવી મુશ્કેલ છે. કોરોના ભલે કાબુમાં આવ્યો હોય પણ તેઓ તકેદારી રાખવા માંગે છે જેથી તેમના દ્વારા રામલીલા મેદાન પર સતત બીજા વર્ષે પણ રાવણ દહનનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. જોકે તેમ છતાં નાના પાયે સુરતમાં ઘણા સ્થળે આ પ્રકારે રાવણ દહનના કાર્યક્રમો યોજાશે તે નક્કી છે.
આ પણ વાંચો : સુરતમાં તહેવારો પૂર્વે માવા- મીઠાઈમાં ભેળસેળ તપાસવા આરોગ્ય વિભાગની ટીમ એકશનમાં
આ પણ વાંચો : Surat: ઓફિસમાં 10 થી 15 કર્મીઓ કરતા હતા કામ, ચોર ફિલ્મી ઢબે પાછલા દરવાજાથી 90 લાખ ઠામી ગયા