
દક્ષિણ ગુજરાત સહિત સુરતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ વહેંચી છે, જેના કારણે ચોમાસા પૂર્વેની વહીવટી કામગીરીની પોલ ખુલી ગઈ છે. સુરતના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આવી ગંભીર અને સંકટની સ્થિતિ વચ્ચે સુરત ભાજપના કાઉન્સિલરો (કોર્પોરેટરો) જનતાની વહારે આવવાને બદલે ઓફિસમાં બેસીને નાસ્તા પાર્ટીનો આનંદ માણી રહ્યા હોવાનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મળતી વિગતો મુજબ, સુરત મહાનગરપાલિકામાં અલગ-અલગ સમિતિઓના ચેરમેન પદગ્રહણનો પ્રસંગ હતો. આ નિમિત્તે ભાજપના કાઉન્સિલરો નવી નિયુક્ત સમિતિઓના ચેરમેનોને શુભેચ્છા આપવા માટે એકઠા થયા હતા. જોકે, શુભેચ્છા આપવાની સાથે-સાથે આ કાઉન્સિલરો કચેરીની અંદર નાસ્તાની જ્યાફત ઉડાવતા કેમેરામાં કેદ થયા છે. એક તરફ વરસાદે સુરત પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની વાસ્તવિકતા ઉજાગર કરી દીધી છે અને જનતા પાણી ભરાવાને કારણે ત્રસ્ત છે, ત્યારે બીજી તરફ જનપ્રતિનિધિઓ સંવેદનશીલતા ભૂલીને નાસ્તાનો આનંદ માણવામાં વ્યસ્ત દેખાયા હતા.
આ વીડિયો સામે આવ્યા બાદ સુરતના નાગરિકો તંત્ર અને નેતાઓ સામે સવાલો ઉઠાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે પ્રજા પાણી, રસ્તા અને મિલકત કર (ઘરો, દુકાનો અને ફ્લેટ્સ પર) સહિતના તમામ વેરા સમયસર ચૂકવે છે, પરંતુ બદલામાં આવી આફતમાં તેમને માત્ર હાલાકી જ મળે છે. ચોમાસા પહેલાં કરોડોના ખર્ચે બનેલા નવા રસ્તાઓ સામાન્ય વરસાદમાં જ ધોવાઈ જાય છે. આ રસ્તાઓનું સમારકામ પણ ત્યાં સુધી નથી થતું જ્યાં સુધી મુખ્યમંત્રી કે વડાપ્રધાનની સુરત મુલાકાત નક્કી ન થાય. શું આ પરિણામ જોવા માટે જનતાએ મતદાન કર્યું હતું? સોશિયલ મીડિયા પર લોકો પૂછી રહ્યા છે કે શું નેતાઓનું કામ માત્ર ચૂંટણી પૂરતું જ મર્યાદિત છે, અધિકારીઓ અને કોર્પોરેટરો ક્યારે પોતાની ફરજ પ્રામાણિકપણે સમજશે?
આ ઘટનાએ ફરી એકવાર ચોમાસા પહેલાની તૈયારીઓ અને શહેરી માળખાકીય સુવિધાઓ અંગે ચર્ચા છેડી છે. સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે વરસાદ પડે ત્યારે જ પાણી ભરાવાની અને રસ્તા તૂટવાની સમસ્યા સામે આવે છે, પરંતુ કાયમી ઉકેલ માટે કોઈ નક્કર પગલાં લેવાતા નથી.
Published On - 9:45 pm, Tue, 7 July 26