Surat : ગેસ કપંનીના કર્મચારીની ઓળખ આપીને ઠગાઈ કરનાર પિતા પુત્ર ઝડપાયા
શહેરના અલથાણ વિસ્તારમાં આવેલ શ્રીનાથજી બંગ્લોઝમાં રહેતા આધેડને ગુજરાત ગેસ કંપનીના કર્મચારી તરીકે ઓળખ આપીને યુવક મળવા આવ્યો હતો. બાદમાં આ યુવકે ગેસ પાઇપલાઇન ફિટિંગના બહાને રૂપિયા 10 હજાર લીધા હતા.
Surat : ગેસ કપંનીના નામે લોકોના ઘરે જઈને ઠગાઈ (Cheating ) કરનાર એક શખ્સને પોલીસે પકડી પડ્યો છે. હવે જો તમારા ઘરે પણ ગેસ કંપનીને કે કોઈ અન્ય કંપનીના નામે કોઈ શખ્સ કામ કરવા આવે તો પહેલા તેનો આઈકાર્ડ માંગીને ખરાઈ કરવી જરૂરી છે. કારણ કે સુરતમાં એક એવો કિસ્સો આવ્યો છે જેમાં એક શખ્સ દ્વારા કંપનીના માણસ હોવાનું કહીને અસંખ્ય લોકો પાસેથી રૂપિયા પણ પડાવવામાં આવ્યા છે. ગુજરાત ગેસ કંપનીના નામે આવા ઘણા પ્રકારના બનાવો ભૂતકાળમાં અને વર્તમાનમાં નોંધાયા હોવાથી પોલીસને ગ્રાહકો સાથે છેતરપિંડી કરવાના મોટા કૌભાંડની પણ આશંકા છે.
શહેરના અલથાણ (Althan) વિસ્તારમાં આવેલ શ્રીનાથજી બંગ્લોઝમાં રહેતા ફરિયાદી ઓમપ્રકાશ અગ્રવાલને ગુજરાત ગેસ કંપનીના કર્મચારી તરીકે ઓળખ આપીને યુવક મળવા આવ્યો હતો. બાદમાં આ યુવકે ગેસ પાઇપલાઇન ફિટિંગના બહાને રૂપિયા 10 હજાર લીધા હતા. પરંતુ બાદમાં આધેડને જાણ થઇ હતી કે કંપનીનો કોઈ માણસ આવ્યો જ ન હતો. જેથી આખરે ભોગ બનનાર આધેડે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગાઇનો ગુનો નોંધીને આરોપીને પકડી પણ પાડ્યો છે.
અલથાણ પરસોત્તમ નગરની સામે શ્રીનાથજી બંગ્લોઝમાં રહેતા ખેતીવાડી ખાતામાંથી હેડ કલાર્કમાંથી નિવૃત થયેલા ગુણવંતરાય મગનલાલ લીમ્બાચીયા ગત તારીખ 4 ઓગસ્ટના રોજ ઘરે હતા. તે વખતે એક અજાણ્યો ઘરે આવી પોતાની ઓળખ ગુજરાત ગેસ કંપનીના વિપુલ તરીકે આપી હતી અને ગુણવતરાયને તેમના દીકરાએ ગેસ કનેક્શન લેવા માટે અરજી કરી છે અને તેના કામ માટે આવ્યો હોવાનું કહીને ગેસ કનેક્શન મેળવવા માટે 28 હજાર માંગ્યા હતા. જેથી ફરિયાદીએ તેમના દીકરા સાથે વાતચીત કરી હતી.
વાત કર્યા બાદ સાંજે પાઈપલાઈન ફિટ થઇ જશે તેવું કહીને તેને રૂપિયા પડાવી લીધા હતા. ફરિયાદીએ રસીદ માંગતા તેણે બાકીના પૈસા આપ્યા પછી રસીદ મળશે તેવું કહીને નાસી ગયો હતો. સાંજ થયા બાદ પણ ગેસ લાઈન ફિટિંગ કરવા કોઈ નહીં આવતા ગુણવંતરાયે તેના દીકરા નીલેશને ફરી વાત કરી હતી. તેઓએ કંપનીમાં ફોન કરતા ગુજરાત ગેસ દ્વારા તેમના દ્વારા આવા કોઈ વ્યક્તિને મોકલવામાં નહીં આવ્યું હોવાનું જણાવ્યું હતું.
આરોપી માથા પર હેલ્મેટ અને માસ્ક પહેરીને આવતો હોવાથી પોલીસ માટે આરોપીઓ સુધી પહોંચવું મુશ્કેલ હતું, છતાં પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ કરી હતી. માહિતી સામે આવી હતી કે ચીટિંગ કરનાર આરોપી આંગડિયાથી રૂપિયા મોકલાવ્યા છે. જેથી તેમાં વધુ તપાસ કરતા પોલીસે નાણાં મેળવનાર આરોપી રોહિત જરવાલિયાની અટક કરીને કાર્યવાહી કરવામાં આવી છે. તેની પુછપરછ કરતા અન્ય એક આરોપી તેના પિતા વિરેશ જરવાલિયાની પણ ધરપકડ કરવામાં આવી છે. જે પહેલા પણ ભાવનગરમાં ખૂનના આરોપમાં પકડાઈ ચુક્યો છે.
જેલમાં તેની મુલાકાત અન્ય વોન્ટેડ આરોપી કિશોર રાઠોડ સાથે થઇ હતી. જેની સાંઠગાંઠથી આ ગુના આચરવામાં આવતો હતો. વોન્ટેડ આરોપી કિશોર સામે ભૂતકાળમાં પણ આવા ગુનામાં ધરપકડ થઇ ચુકી છે અને તે ગુજરાત ગેસના કસ્ટમરના ડેટા મેળવીને સુરત અને અન્ય શહેરોમાં આવી રીતે ઠગાઈ કરી ચુક્યો છે. વધુ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી છે.