Surat : સુરત એપેરલ પાર્કની 36 હેકટર જેટલી વિશાળ જમીન ડીનોટીફાઈ થઈ, નવા ઉદ્યોગો સ્થપાવવાની સંભાવના
પીયુષ ગોયલે 10 દિવસની અંદર જ સમસ્યાનું નિરાકરણ લાવી દીધું હતું અને વાણિજ્ય મંત્રાલય દ્વારા સુરત એપેરલ પાર્ક SEZને ડીનોટીફિકેશનની મંજુરી જારી કરાઈ હતી. આથી હવે સુરતમાં 36 હેકટર જેટલી વિશાળ જમીનમાં નવા ઉદ્યોગો સ્થપાવવાની સંભાવના ઉભી થઈ છે.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના (The Southern Gujarat Chamber Of Commerce) પ્લેટફોર્મ પરથી ભારત સરકારના વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલ (Piyush Goyal) સમક્ષ મંત્રી દર્શના જરદોશ (Darshna Jardosh)ની હાજરીમાં જ સુરત એપેરલ પાર્ક SEZને ડીનોટીફાઈ કરવામાં આવેલી રજૂઆતને સફળતા મળી છે.
ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા 17 સપ્ટેમ્બર, 2021ના રોજ સરસાણા સ્થિત પ્લેટીનમ હોલમાં ભારત સરકારના કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, ટેકસટાઈલ્સ, કન્ઝયુમર અફેર્સ અને ફૂડ એન્ડ પબ્લીક ડિસ્ટ્રીબ્યુશન મંત્રી પીયુષ ગોયલ તથા દેશના ટેકસટાઈલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશ સાથે ઈન્ટરેકટીવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સુરત એપેરલ પાર્ક તરફથી ઉદ્યોગપતિ રવિન્દ્ર આર્યાએ ચેમ્બરના પ્લેટફોર્મ પરથી વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલ સમક્ષ એવી રજૂઆત કરી હતી કે સુરત એપેરલ પાર્ક SEZ માટે ફાળવવામાં આવેલી 56.64 હેકટર જેટલી જમીનમાં ઓછા ઔદ્યોગિક એકમો સ્થપાયેલા હોવાથી અન્ય જમીન ઉપયોગ વિના જ પડી રહેતી હતી.
આશરે 21 હેકટર જેટલી જમીનમાં ઔદ્યોગિક એકમો સ્થપાયેલા છે અને ત્યાં એકસપોર્ટ માટે પ્રોડકશનની કામગીરી થાય છે. પરંતુ એ સિવાયની આશરે 36 હેકટર જેટલી વિશાળ જમીન પડતર હતી અને તેને ડીનોટીફાઈ કરવાની રજૂઆત વાણિજ્ય મંત્રી સમક્ષ કરવામાં આવી હતી.
મંત્રી દર્શના જરદોશની હાજરીમાં જ ચેમ્બરના પ્લેટફોર્મ પરથી કરાયેલી રજૂઆતને પગલે મંત્રી પીયુષ ગોયલ દ્વારા ઉદ્યોગકારોની ઉપરોકત સમસ્યાનું 15 દિવસમાં નિરાકરણ લાવવાની બાંયધરી આપવામાં આવી હતી. આથી દર્શના જરદોશ દ્વારા સુરત એપેરલ પાર્ક SEZને ડીનોટીફિકેશનની મંજુરી જારી કરવા માટે સતત ફોલોઅપ લેવામાં આવ્યું હતું. જેને પગલે પીયુષ ગોયલે 10 દિવસની અંદર જ સમસ્યાનું નિરાકરણ લાવી દીધું હતું અને વાણિજ્ય મંત્રાલય દ્વારા સુરત એપેરલ પાર્ક SEZને ડીનોટીફિકેશનની મંજુરી જારી કરાઈ હતી.
આથી હવે સુરતમાં 36 હેકટર જેટલી વિશાળ જમીનમાં નવા ઉદ્યોગો સ્થપાવવાની સંભાવના ઉભી થઈ છે. જેનો લાભ દક્ષિણ ગુજરાતની ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીને ચોકકસપણે થશે. ઉદ્યોગોની સમસ્યાના ત્વરિત નિરાકરણ માટે ચેમ્બર દ્વારા ભારત સરકારના વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલ તથા ટેકસટાઈલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : Surat: બેલજીયમની અર્થવ્યવસ્થામાં ડાયમંડ ઉદ્યોગનો મોટો ફાળો: બેલજીયમ રાજદૂત
આ પણ વાંચો : Surat: દિવાળી પહેલા સુરત રંગબેરંગી લાઈટોથી ઝગમગ્યું, કોર્પોરેશન પણ રોશની પાછળ કરશે 20 લાખ સુધીનો ખર્ચ