
બનાસકાંઠા જિલ્લામાં મેઘાવી તાંડવ બાદ વિનશકારી પૂરે તબાહી મચાવી છે. ભારે વરસાદના કારણે સમગ્ર વિસ્તાર જળમગ્ન બન્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીએ છેલ્લા 3-4 દિવસમાં એવી તબાહી વેરી છે કે, અહીંના લોકોની હાલાત જોઈને આંખોમાં પાણી આવી જાય તેવી પરિસ્થિતિ છે. સૂઈગામના ગામડાં હોય કે વાવના ગામ ચારેબાજુ મેઘતાંડવ થયું હતુ. જેથી જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી પાણી જ જોવા મળે છે. આખો વિસ્તાર દરિયો બની ગયો હોવાથી તમામ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.
બનાસકાંઠાના સૂઈગામમાં આકાશી આફત ત્રાટક્યાને 72 કલાક બાદ પણ સ્થિતિ વિકટ છે. આકાશ ચોખ્ખા થઈ ગયા એક વાદળુંયે હવે નથી. પરંતુ 3 દિવસથી ભરાયેલા પાણીએ લોકોને સમસ્યા જરા પણ હળવી કરી નથી. સૂઈગામના અનેક ગામો જળમગ્ન છે. પાણી છાતી સમાણા ભરાયા છે. ત્યારે ભરડવા ગામ સંપર્ક વિહોણું બન્યું. જ્યાં મદદ માગવા માટે મોબાઈલ નેટવર્ક નથી. એટલું જ નહીં મદદ કરવા માટે જવું પણ મુશ્કેલ હોય તેવી સ્થિતિ છે.
બનાસકાંઠા જિલ્લાના અનેક પરિવારો હજુ પાણી વચ્ચે ઘેરાયેલા છે. લીંબોળી ગામમાં માથા ડૂબે એટલા પાણી ભરાયા છે. NDRF અને SDRF રેસ્ક્યૂ માટે પહોંચી રહ્યા છે. પરંતુ બચાવ કામગીરી પણ મોટો પડકાર છે. વાવમાં વીજળી માંડ શરૂ થઈ છે. પરંતુ મોબાઈલ નેટવર્ક ઠપ્પ થયા છે. લોકો જાતે જ પાણીમાંથી નીકળી આરોગ્ય કેન્દ્રોમાં પહોંચી રહ્યા છે, કારણ કે જીવવા માટે દવા અને ખોરાક પણ જરૂરી છે.
બીજી તરફ સણાલી ગામમાં પણ પાણી ફરી વળ્યા છે. ગ્રામજનોના ઘરો પાણીમાં ફરી વળતા ઘરવખરીને ભારે નુકસાન થયું છે. લોકો નાના બાળકો સાથે ત્રણ-ત્રણ દિવસથી રસ્તા પર રહી રહ્યા છે. વાવના ગામો પણ બેટમાં ફેરવાયા છે. થરાદમાં તો તળાવના પાણીએ સ્થિતિ વધુ કફોડી કરી નાખી છે. તો આ તરફ થરાદ-વાવ અને સુઈગામ તાલુકાને 16 ઇંચથી વધુ પડેલા વરસાદે ધમરોળી નાખ્યા છે. આકાશી દ્રશ્યો જોઈને ખ્યાલ આવી રહ્યો છે કે, મેઘરાજાએ કેવું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હતું. ખેતરોમાં જ નહીં ગામમાં પણ જળબંબાકારની સ્થિતિ છે. ગામની શેરીઓમાં નદીઓ વહેતી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ઘરોમાં ઘૂંટણથી કમર સુધી પાણી ભરાયેલા છે.