
સંસ્કારી નગરી અને સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા વડોદરા શહેરના અનેક માર્ગો પર ખુલ્લી ગટરો તેમજ તૂટેલા ડ્રેનેજના ઢાંકણો હવે નાગરિકો માટે મોતનું આમંત્રણ બની રહ્યાં છે. તાજેતરમાં જ શહેરના કલાલી વિસ્તારમાં એક ખુલ્લી ગટરમાં ઘોડી ખાબકવાની ઘટના સામે આવી હતી. આ ઘટના બાદ TV9ની ટીમ દ્વારા શહેરભરમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરાના અનેક વિસ્તારોમાં તૂટેલા અને ખુલ્લા મેનહોલ હોવાનું સપાટી પર આવ્યું છે.
શહેરમાં ખુલ્લા મેનહોલ અને તૂટેલા ડ્રેનેજના ઢાંકણો વાહનચાલકો તેમજ રાહદારીઓના જીવ માટે મોટો ખતરો બની રહ્યા છે. ખાસ કરીને શહેરના પૂર્વ અને દક્ષિણ ઝોનમાં આવી સ્થિતિ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે. મુખ્ય રાજમાર્ગોની વચ્ચે જ ખુલ્લી ગટરો હોવા છતાં પાલિકા તંત્રની આંખો હજુ ખુલી નથી.
કલાલી વિસ્તારની ઘટના અંગે સ્થાનિકોએ જણાવ્યું કે, ખુલ્લી ગટરમાં ખાબકેલા અબોલ જીવને આશરે ચાર કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢી રેસ્ક્યુ કરાયું હતું. આ અંગે પાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી અને રોજિંદા હજારો લોકો આ જ જોખમી રસ્તાઓ પરથી પસાર થવા મજબૂર બન્યા છે.
સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે ખુલ્લા મેનહોલ લોકોના જીવ સાથે ખેલ કરી રહ્યા છે. અગાઉ માંજલપુર વિસ્તારમાં પોર્ટ કોમ્પ્લેક્સ નજીક ઓપન મેનહોલમાં પડી જવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને હજુ લોકો ભૂલ્યા નથી, ત્યાં જ કલાલીમાં ફરી એકવાર તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે.
આ મુદ્દે વિપક્ષના કાઉન્સિલરોએ આક્ષેપ કર્યો છે કે, પાલિકાના અધિકારીઓ દ્વારા યોગ્ય દેખરેખ રાખવામાં આવતી નથી અને કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની ચલાવી રહ્યાં છે, જેના પરિણામે સામાન્ય જનતાની સુરક્ષા જોખમમાં મુકાઈ છે.
રિયાલિટી ચેક કર્યા બાદ TV9ની ટીમ વડોદરાના મેયર ગીતાબેન મકવાણા પાસે પહોંચી હતી અને શહેરના વિવિધ વિસ્તારોમાં ખુલ્લા તેમજ તૂટેલા ઢાંકણો અંગે સવાલો પૂછ્યા હતા. જવાબમાં મેયરે જણાવ્યું કે, તમામ સંબંધિત અધિકારીઓને આ અંગે સૂચનાઓ આપી દેવામાં આવી છે અને કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. જો કે, આ કામગીરી ક્યારે શરૂ થઈને ક્યારે પૂરી થશે તેની કોઈ સમયમર્યાદા (ડેડલાઈન) તેઓ આપી શક્યા ન હતા.
સામાન્ય રીતે દરેક મોટી દુર્ઘટના બાદ વહીવટી તંત્ર થોડા દિવસો માટે સક્રિય બને છે પરંતુ સમય પસાર થતાં જ ફરી એ જ જૂની બેદરકારીનું ચિત્ર સામે આવે છે. શહેરમાં ડ્રેનેજ લાઈન પર ઉપયોગમાં લેવાતા અનેક ઢાંકણો તકલાદી એટલે કે હલકી ગુણવત્તાના હોવાના કારણે વારંવાર તૂટી જાય છે. આ સ્થિતિ વચ્ચે વડોદરા સાચા અર્થમાં સ્માર્ટ સિટી ક્યારે બનશે અને લોકોને ભયમુક્ત રસ્તા ક્યારે મળશે? આવા બધા પ્રશ્ન ઊભો થયા છે.