Shreemad Bhagvad Geeta : શ્રીમદ ભગવત ગીતામાં परधर्मो भयावह કહેલું છે એ પરધર્મ શું છે ?

ગીતામાં ભલે લખ્યું છે કે ફળ પર તારો અધિકાર નથી. પરંતુ કર્મની પસંદગી કરવામાં સંપૂર્ણ સ્વતંત્રતા મળી છે

Shreemad Bhagvad Geeta : શ્રીમદ ભગવત ગીતામાં परधर्मो भयावह કહેલું છે એ પરધર્મ શું છે ?
| Edited By: | Updated on: Apr 27, 2021 | 4:52 PM

શ્રીમદ ભગવત ગીતાનો ત્રીજો અધ્યાય જે ” કર્મયોગ ” નો પાંત્રીસમો શ્લોક

श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात्।
स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावह।।

એ કોઈ પણ સમયે કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિ માટે લાગું પડે છે. સ્વધર્મ એટલે શું? હિન્દુ, મુસ્લિમ, જૈન, શીખ, પારસી કે ઈસાઈ કોઈ પણ ધર્મના વિષયમાં આ શ્લોક નથી. સ્વધર્મ એટલે પોતાનો ધર્મ અને આ સ્વધર્મની વ્યાખ્યા પ્રત્યેક ક્ષણે સતત પરિવર્તન પામે છે. જેમ કે એક વ્યક્તિ પુત્ર તરીકે છે તો એનો ધર્મ માતા પિતા સાથે છે. એ જ વ્યક્તિ ભાઈ બહેન તરીકે, પતિ પત્ની તરીકે, પાડોશી તરીકે, નાગરિક તરીકે, નોકર હોય શેઠ હોય કે રાજા હોય એનો ધર્મ ક્ષણેક્ષણે બદલાઈ જાય છે એટલે કયાં સમયે સ્વધર્મની રક્ષા કેવી રીતે કરવી તે માટે સતત જાગૃતિ રાખવી જોઈએ.

આ શ્લોકને ધ્યાનમાં રાખીએ તો નેવું ટકા સમસ્યાઓનો અંત આવી જાય છે. એકવાર સ્વધર્મ નક્કી થઇ જાય તો પછી કર્તવ્ય શું છે તે નક્કી થઇ શકે છે અને એને બાદ કરતાં તમામ કાર્યો પરધર્મ કહી શકાય. આજે આ સ્વધર્મની રક્ષા ન થતી હોવાથી દેશમાં ભ્રષ્ટાચાર, અત્યાચાર, ગુનાઓ અને શોષણ જેવાં અનિષ્ટ ફેલાઈ ગયાં છે અને જે વ્યક્તિ પોતાના કર્તવ્ય ભૂલી જાય છે એ બરબાદી નોતરે છે.

તમે જે કંઈ પણ કરતાં હો એને શ્રેષ્ઠ રીતે કરવું જોઈએ. પછી એ કામ લૌકિક રીતે હલકું ગણાતું હોય તો પણ એને સારી રીતે કરવામાં આવે તો એ શ્રેષ્ઠ જ છે. જેમ કે સફાઈ કામદારો સારી રીતે સાફ સફાઈ કરે તો તે કામ પણ હલકું નથી. પરંતુ કોઈ મોટો અધિકારી ભ્રષ્ટાચાર કરે તો તે એનાં સ્વધર્મની બહાર ગણવામાં આવે છે. આજે કર્તવ્ય નિષ્ઠ લોકોની સંખ્યા ઘટતી જાય છે એ ગંભીર બાબત છે. નૈતિકતા સાથે નિભાવવામાં આવેલી ફરજ સફળતા તરફ આગળ લઈ જાય છે જ્યારે શોર્ટ કટ દ્વારા મેળવવામાં આવેલી સફળતા હકિકતમાં ટકાઉં નથી હોતી.

પ્રત્યેક સમયની જાગૃતિ હોય તો ક્યારે શું કરવું જોઈએ એનો નિર્ણય આસાનીથી થઈ શકે છે. ગીતામાં ભલે લખ્યું છે કે ફળ પર તારો અધિકાર નથી. પરંતુ કર્મની પસંદગી કરવામાં સંપૂર્ણ સ્વતંત્રતા મળી છે એ સ્વતંત્રતાનો ઉપયોગ કરીને સારા ફળ અવશ્ય મળે છે. કહેવાય છે કે બાવળ વાવ્યાં હોય તો એનાં પર આંબા ન ઊગે. કાંટા જ ઊગે. આ હકીકત દરેક વ્યક્તિ જીવનમાં અનુભવે છે પરંતુ બેધ્યાન હોવાથી આ બાબતે વિચાર નથી કરતાં અને નસીબને દોષ આપે છે પરંતુ કર્મનું બી જ સારૂં ન હોય તો કરેલા કર્મો સમય આવ્યે એનું ફળ આપશે જ.