
ગુજરાતના ઉત્તર ભાગમાં, રાજસ્થાન સરહદ નજીક આવેલા બનાસકાંઠા જિલ્લામાં અરવલ્લી અને અરાસુરની પ્રાચીન પર્વતમાળાઓ વચ્ચે અંબાજી આવેલું છે. સમુદ્ર સપાટીથી આશરે 480 મીટરની ઊંચાઈ પર સ્થિત આ પવિત્ર ભૂમિ માત્ર એક ભૌગોલિક સ્થળ નથી, પરંતુ કરોડો શ્રદ્ધાળુઓના અતૂટ વિશ્વાસ અને આધ્યાત્મિક ચેતનાનું મહાકેન્દ્ર છે. આ ભૂમિ પર પ્રવેશતાં જ આરાસુર પહાડીઓની શાંતિ, ધૂપ-ઘીની દિવ્ય સુગંધ અને મંદિરના ઘંટારવ સાથે એક અલૌકિક ઊર્જાનો અનુભવ થાય છે.
અંબાજી મંદિરનો સંબંધ ભારતની પ્રાચીન શક્તિપીઠ પરંપરા સાથે ઊંડો જોડાયેલો છે. સરકારી પ્રવાસન વિભાગ અનુસાર, અહીં દેવી ઉપાસનાની પરંપરા અત્યંત પ્રાચીન એટલે કે વેદકાળ પૂર્વેની (Pre-Vedic) શક્તિ પરંપરાઓ સાથે જોડાયેલી હોવાનું માનવામાં આવે છે. સ્થાનિક રીતે આ દેવીને ‘અરાસુરી અંબા’ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ તીર્થ આરાસુર ટેકરીઓ પર સ્થિત છે.
પૌરાણિક કથા મુજબ, પ્રજાપતિ દક્ષે એક મહાહવન (યજ્ઞ)નું આયોજન કર્યું હતું, જેમાં તમામ દેવો અને ઋષિઓને આમંત્રિત કરાયા હતા પરંતુ ભગવાન શિવને આમંત્રણ આપવામાં ન આવ્યું. પિતાના ઘરે હવન હોવાથી માતા સતી શિવજીની અનિચ્છા હોવા છતાં ત્યાં પહોંચ્યા. પરંતુ યજ્ઞસ્થળ પર પોતાના પતિ શિવજી પ્રત્યે પિતાનું અપમાનજનક વલણ જોઈને દુઃખી થયેલા માતા સતીએ યજ્ઞકુંડની અગ્નિમાં પોતાના દેહનો ત્યાગ કર્યો.
આ સમાચાર મળતાં જ ક્રોધિત અને શોકાતુર થયેલા ભગવાન શિવ સતીના પાર્થિવ દેહને તેના ખભા પર ઉપાડીને બ્રહ્માંડમાં તાંડવ કરવા લાગ્યા. સૃષ્ટિના સંતુલનને બચાવવા માટે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી સતીના શરીરના વિવિધ ભાગો કર્યા. પૃથ્વી પર જ્યાં પણ સતીના અંગો કે આભૂષણો પડ્યા, તે સ્થળો ‘શક્તિપીઠ’ તરીકે પૂજાયા. અંબાજી મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક પરંપરા અનુસાર, આ સ્થાન પર માતા સતીનું ‘હૃદય’ (અથવા દેવીનો મૂળ અંશ) પડ્યો હતો. આ જ કારણ છે કે અંબાજીને ભારતની 51 શક્તિપીઠોમાં અત્યંત મહત્ત્વપૂર્ણ શક્તિતીર્થ ગણવામાં આવે છે.
ભારતના મોટાભાગના દેવી મંદિરોમાં દેવીની કોઈ ને કોઈ પથ્થર કે ધાતુની માનવ આકૃતિ ધરાવતી પ્રતિમા કે મૂર્તિ હોય છે. પરંતુ અંબાજી મંદિરની સૌથી મોટી અને અનોખી વિશેષતા એ છે કે અહીં ગર્ભગૃહમાં દેવીની કોઈ મૂર્તિ નથી. અહીં શ્રી વીસા યંત્રની પૂજા થાય છે. આ યંત્રને ખુલ્લી આંખોથી સીધુ જોવાની પણ મનાઈ છે. પૂજારીઓ પણ તેમની આંખો પર પાટા બાંધીને અથવા ચોક્કસ ધાર્મિક મર્યાદામાં રહીને આ યંત્રનો શણગાર અને પૂજા- અર્ચના કરે છે. ચાદીંથી જડેલા દ્વાર અને સુંદર વસ્ત્રાલંકારો વડે ગોખની એવી રીતે રચના કરવામાં આવે છે કે ભક્તો મા અંબાની આકૃતિનો સાક્ષાત્કાર થાય છે. પરંતુ મૂળ પૂજા માત્ર ‘વીસા યંત્ર’ ની જ થાય છે.
ભારતીય દેવી ઉપાસના અને સનાતન દર્શનમાં આકાર (મૂર્તિ) કરતાં ‘નિરાકાર’ શક્તિને વધુ સર્વોચ્ચ માનવામાં આવી છે. દેવી માત્ર કોઈ એક સીમિત આકૃતિમાં બદ્ધ નથી, પરંતુ તે સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત અદ્રશ્ય અને અનંત ઊર્જા (Energy) છે. યંત્ર એ માત્ર ધાતુ પર દોરેલી ભૂમિતિ નથી, પરંતુ મંત્રો અને દિવ્ય સ્પંદનોનું ભૌતિક સ્વરૂપ છે. અંબાજીમાં ભક્ત કોઈ માનવ ચહેરાને જોવાની મર્યાદાથી પર જઈને પરમ નિરાકાર શક્તિ સમક્ષ પોતાનું સમર્પણ કરે છે.
અંબાજીની યાત્રા ગબ્બર પર્વતના દર્શન વિના અધૂરી ગણાય છે. મુખ્ય મંદિરથી આશરે 4 કિલોમીટર પશ્ચિમે આવેલી આ પહાડી ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત પવિત્ર માનવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લા તંત્રના જણાવ્યા અનુસાર ગબ્બર પર્વતને દેવીનું ‘મૂળ આસન’ અને ‘મૂળ સ્થાન’ માનવામાં આવે છે. મહાસતી અંબા અને મહિષાસુરના સંગ્રામ તથા દેવીના પ્રાદુર્ભાવ સાથે પણ આ પર્વત જોડાયેલો છે. ગબ્બર પર સ્થિત પવિત્ર સ્થળ પર મા અંબાના દિવ્ય ચરણ ચિહ્નો (પગલાં) આવેલા છે, જેની ભક્તો ભાવપૂર્વક પૂજા કરે છે. પૌરાણિક માન્યતા અનુસાર, બાળ વયે ભગવાન શ્રીકૃષ્ણનો મુંડન સંસ્કાર (ચૌલ ક્રિયા) આ જ ગબ્બર પર્વત પર થયા હતા.
ગબ્બર પર્વતના શિખર પર આવેલા એક નાનકડા સ્થાનકમાં અખંડ જ્યોત જલતી રહે છે. જેને ‘અખંડ જ્યોત’ કહેવામાં આવે છે. ગમે તેવા તોફાની પવન પવન અને હવામાનની વિષમતા વચ્ચે પણ વર્ષોથી આ જ્યોત અખંડ રીતે પ્રજ્વલિત રહે છે. રાત્રિના અંધકારમાં ગબ્બરના શિખર પરથી પ્રજ્વલિત આ જ્યોત નીચે આવેલા મુખ્ય અંબાજી મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાંથી સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ અખંડ જ્યોત ભક્તો માટે અંધકારમાં આશા, વિશ્વાસ અને મા અંબાની સાક્ષાત્ ઉપસ્થિતિનો પ્રતીકાત્મક સંદેશ છે.
નાગર બ્રાહ્મણ પરંપરા
અંબાજીનું મંદિર શ્વેત આરસપહાણમાંથી કંડારાયેલું છે. તેના શિખર પર સુવર્ણ કળશ અને લહેરાતી લાલ ધ્વજ મંદિરની દિવ્યતામાં વધારો કરે છે. મંદિરના સ્થાપત્ય નિર્માણ અને તેની પ્રાચીન પૂજા વિધિમાં નાગર બ્રાહ્મણોની ઐતિહાસિક ભૂમિકા અને યોગદાનનો ઉલ્લેખ મળે છે.
ચાચર ચોક
મંદિર પરિસરમાં આવેલો ‘ચાચર ચોક’ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે. અહીં ભક્તો એકત્ર થઈને ભજન, કીર્તન, હવન, કુંડ પૂજન અને ધાર્મિક અનુષ્ઠાનો કરે છે. પ્રાચીન કાળથી જ ચાચર ચોક સામુદાયિક આરાધના અને ભક્તિનું ધબકતું સ્થળ રહ્યો છે.
વિશ્વપ્રસિદ્ધ ‘મોહનથાળ’ પ્રસાદ
અંબાજી તીર્થની વાત ‘મોહનથાળ’ ના પ્રસાદ વગર અધૂરી ગણાય છે. બનાસકાંઠા વહીવટીતંત્ર અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા શુદ્ધ ઘી, બેસન અને ખાંડમાંથી પરંપરાગત રીતે મોહનથાળ તૈયાર કરવામાં આવે છે. મોહનથાળને મા અંબાના ‘રાજભોગ’ તરીકે અર્પણ કરવામાં આવે છે. દર્શન કર્યા પછી દરેક શ્રદ્ધાળુ આ પ્રસાદ ઘરે લઈ જાય છે અને પોતાના પરિજનોમાં વહેંચે છે. આ પ્રસાદ મંદિરથી ઘર સુધી પહોંચતી એક પવિત્ર આધ્યાત્મિક સ્મૃતિ છે.
વર્ષભર અંબાજીમાં દર્શાનાર્થીઓનો પ્રવાહ ચાલુ રહે છે, પરંતુ વિક્રમ સંવતના ભાદરવા મહિનામાં આવતી ‘ભાદરવી પૂનમ’ નો મેળો અહીંનો સૌથી મોટો ઉત્સવ છે. આ પ્રસંગે ગુજરાત, રાજસ્થાન અને દેશવિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ સેંકડો કિલોમીટર ચાલીને પદયાત્રા કરીને અંબાજી પહોંચે છે. આ ભક્તોના હાથ મા અંબાનો લાલ ધ્વજ અને બોલ મારી અંબે..જય-જય અંબેના જયઘોષ સાથે પદયાત્રા કરીને અંબાજી પહોંચે છે. પદયાત્રીઓ માટે સેવાભાવી મંડળો દ્વારા ઠેર-ઠેર ભોજન, વિશ્રામ અને તબીબી સેવાના કેમ્પો લગાવવામાં આવે છે. આ પદયાત્રા શ્રદ્ધાળુઓની શારીરિક તપશ્ચર્યા અને મા અંબા પ્રત્યેના અવિચલ પ્રેમનું પ્રતીક છે.
અંબાજીમાં મા અંબા પ્રત્યેની આસ્થા જ અહીં ખેંચી લાવે છે. પહેલાનો સમય એવો હતો કે એકદમ દુર્ગમ પહાડોથી ઘેરાયેલો ઢોળાવવાળો કઠિન રસ્તો હતો છતા ભક્તો મા અંબાના ચરણોમાં શિશ નમાવવા આવતા હતા અને મનમાં એક અડગ શ્રદ્ધા હતી કે મા બધુ સંભાળી લેશે.
ઈતિહાસ દર્શાવે છે કે કઈ રીતે સદીઓનું આ પ્રાચીન તીર્થ વિકાસ પામીને આજના આધુનિક સ્વરૂપમાં નિર્માણ પામ્યુ છે. અંબાજી માત્ર પથ્થર કે ઈંટોથી બનેલું મંદિર નથી, તે સદીઓથી ચાલી આવતી જીવંત સંસ્કૃતિ, નિરાકાર શક્તિનો દિવ્ય અનુભવ અને કરોડો માનવ હૃદયોની આસ્થાનો અખંડ દીપક છે.
Published On - 9:25 pm, Thu, 24 September 26