
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વીંછિયા ગામેથી માનવતાને શરમાવે તેવી હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અંધશ્રદ્ધામાં એક પિતાએ પોતાના જ 10 વર્ષના માસૂમ પુત્રની નિર્મમ હત્યા કરી નાખી છે. પ્રાથમિક વિગતો મુજબ, આરોપી પિતા નરેશ પોતે ભૂવો હોવાનું કહેવાય છે અને તેનો પુત્ર પણ ભૂવો ન બને તે માટે તેણે પોતાના જ દીકરાને મોતને ઘાટ ઉતાર્યો હોવાનો આક્ષેપ છે. ધર્મ અને શ્રદ્ધાના નામે ચાલતી અંધશ્રદ્ધાએ એક નિર્દોષ બાળકનો ભોગ લીધો છે.
મળતી માહિતી મુજબ, આરોપી પિતા નરેશ પોતાના 10 વર્ષના પુત્રને ઘરમાં જ બનાવેલા મંદિર પાસે ઢસડીને લઈ ગયો હતો. ત્યારબાદ તેણે બાળકને પગથી ઊંચકીને તેનું માથું જમીન પર પછાડ્યું હતું. આટલેથી પણ તેની ક્રૂરતા અટકી નહોતી. તેણે પુત્રને ખાટલા પર સુવડાવીને લાકડી વડે માર માર્યો હતો. આ હુમલામાં ગંભીર ઈજાઓને કારણે બાળકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.
આરોપી પિતાએ પોતાના જ પુત્રની હત્યા કર્યા બાદ જાણે કંઈ બન્યું જ ન હોય તેમ ખાટલા પર મૃત પુત્રની બાજુમાં સૂઈ ગયો હતો. આ ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે. એક પિતા જ પોતાના સંતાનનો રક્ષક બનવાને બદલે તેનો હત્યારો બન્યો હોવાની ઘટના સામે આવતાં લોકોમાં ભારે આઘાત જોવા મળી રહ્યો છે.
મળતી વિગતો અનુસાર, મૃતક બાળકની માતા છેલ્લા એક અઠવાડિયાથી પોતાના પિયર ગઈ હતી. આ દરમિયાન ઘરમાં બાળકની દેખરેખ માટે માતા હાજર ન હોવાથી આરોપી પિતાએ ઘટનાને અંજામ આપ્યો હોવાનો આક્ષેપ છે. ઘટનાની જાણ થતાં જ માતા ઘરે દોડી આવી હતી. પોતાના જ પુત્રની હત્યા થઈ હોવાની જાણ થતાં માતા પર આભ તૂટી પડ્યું હતું.
આ સમગ્ર મામલે મૃતક બાળકની માતાએ આરોપી પિતા નરેશ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે. આ ઉપરાંત હત્યામાં ઉપયોગમાં લેવાયેલી લાકડી પણ પોલીસે જપ્ત કરી છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સમાજમાં ધર્મ અને શ્રદ્ધાના નામે અંધશ્રદ્ધા કેટલી હદે હાવી થઈ શકે છે તેનું આ ઘટના કરુણ ઉદાહરણ છે. જે પિતા પોતાના બાળકનું ભવિષ્ય સુરક્ષિત રાખવાનો હોય તે જ પિતા અંધશ્રદ્ધામાં આવીને પોતાના સંતાનનો જીવ લઈ લે તે અત્યંત ગંભીર બાબત છે. 10 વર્ષના માસૂમની હત્યાની આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને રોષની લાગણી ફેલાવી છે. હવે પોલીસ તપાસમાં હત્યા પાછળનાં ચોક્કસ કારણો અને ઘટનાક્રમની વધુ વિગતો સામે આવશે.
આ પણ વાંચો- Breaking News : ‘દારૂ પીવો એ દૂષણ’ કે ‘દારૂબંધી જ દૂષણ’? રાજકોટની પાર્ટી બાદ પાટીદાર અગ્રણીઓ આમને-સામને