ઠંડીની લહેરમાં ATM તોડનારી ગેંગ સક્રિય, ઈડરમાંથી 8.23 લાખ અને વડાલીમાં 11.89 લાખ રુપિયાની ચોરી
સાબરકાંઠા જિલ્લામાં પણ ઠંડીની લહેરની છેલ્લા બેચાર દિવસથી વધતા જ તસ્કર ગેંગ પણ સક્રિય બની ચુકી છે, ઈડર અને વડાલીમાં એક જ રાત્રીમાં ત્રણ ATM તોડી તસ્કરો 20.12 લાખ રુપિયાની ચોરી કરી હતી.
સાબરકાંઠા જિલ્લામાં એક જ રાતમાં ત્રણ એટીમમાં ચોરી થવાની ઘટના સામે આવી છે. જિલ્લાના ઈડર અને વડાલી એમ બે સ્થળો પર ATM મશીન તોડીને તસ્કરોએ ચોકી આચરી હતી. તસ્કરો એ 20 લાખ રુપિયા કરતા વધુની રકમ ATM મશીન તોડીને નિકાળી ગયા છે. ઘટનાને પગલે LCB અને SOG સહિત FSL ની ટીમોને તપાસ કાર્યવાહીમાં જોડી દેવામાં આવી છે. વડાલી અને ઈડર પોલીસે પણ ટીમો બનાવીને તસ્કરો સુધી પહોંચવા માટે કડીઓ એકઠી કરવાની શરુઆત કરી છે.
સાબરકાંઠા જિલ્લામાં ઘરફોડ અને બાઈક ચોરીના ત્રાસ બાદ હવે ATM ચોરોએ પણ નાકે દમ લાવી દીધો છે. ઈડરમાં એક અને વડાલીમાં 2 એટીએમમાં તસ્કરોએ ચોરી કરી હતી. ઈડરમાં અંબાજી હાઈવે રોડ પર રેલ્વે સ્ટેશન રોડ IDFC FIRST નું ATM અને વડાલીમાં SBI અને હીટાચી કંપનીનું ATM તોડી ચોરી કરાઈ હતી. કારમાં આવેલા શખ્શોએ સીસીટીવી પર સ્પ્રે લગાવી બંધ કરી દઈ તોડફોડ મશીનમાં આચરીને અંદરથી પૈસા બહાર નિકાળી લીધા હતા. ઘટના અંગે વહેલી સવારે પોલીસને જાણ થતા પોલીસે તસ્કરોની કડીઓ મેળવવા માટે તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત એટીએમમાં રાખેલ પૈસા અને તેમાંથી થયેલા વ્યવહારો બાદ ચોક્કસ કેટલી રકમની ચોરી થઈ છે એ અંગેની જાણકારી મેળવવા માટેની કાર્યવાહી પણ શરુ કરી છે.
બે એટીએમાંથી 20.12 લાખથી વધુની ચોરી
ઈડર અને વડાલીના બે એટીએમમાંથી 20 લાખ 12 હજાર 500 રુપિયાની ચોરી થઈ છે. જ્યારે વડાલીના ડોભાડા સ્ટેન્ડ પર આવેલ એટીએમાં નહીંવત રકમ જ લોડ કરેલી હોઈ ખાસ રકમ ચોરી થઈ નથી. પરંતુ ખાનગી કંપની દ્વારા હજુ પોલીસને આ ચોરીની રકમ અંગે વિગતો પુરી પડાઈ નથી. આ અંગે સ્થાનિક પોલીસે જણાવ્યુ હતુ કે, આ અંગેની માહિતી તેમના એટીએમ એજન્સી દ્વારા આગળથી મંગાવેલ છે, જે મળ્યા બાદ ખ્યાલ આવી શકે છે. પરંતુ આ એટીએમમાં છેલ્લે સપ્તાહ અગાઉ 23 હજાર થી વધારે રકમ જ લોડ કરાઈ હતી.
ઈડરમાંથી પસાર થતા અંબાજી હાઈવે પર આવેલ એટીએમમાંથી 8.23 લાખ રુપિયાની ચોરી થઈ હતી. જેમાં 500 ના દરની 1628 નોટો, 200 ના દરની 19 નોટો અને 100 રુપિયાના દરની 52 નોટોની ચોરી થઈ હતી. જ્યારે વડાલીમાં આવેલ સ્ટેટ બેંકના એટીએમાંથી 11 લાખ 89 હજાર 500 રુપિયાની ચોરી થઈ હતી. જેમાં 500 ના દરની નોટો ચોરી થવા પામી હતી. એટીએમને ગત 16 ડિસેમ્બરે રિલોડ કરવામાં આવ્યુ હતુ. જે વખતે 18 લાખ રુપિયા લોડ કરવામાં આવ્યા હતા. જેમાં અગાઉની જમા નોટો મળી રુપિયા 28 લાખ રુપિયાછી વધુની રકમ હતી. જેમાંથી ગ્રાહકોએ ઉપાડ્યા બાદ બાકી રહેલ રકમ તસ્કરો ચોરી કરી ગયા હતા.
તપાસ ટીમોએ શરુ કરી કાર્યવાહી
ઈડર DySP સ્મિત ગોહિલે Tv9 સાથે વાત કરતા કહ્યુ હતુ કે, ઘટનાને પગલે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા તપાસ માટે એલસીબી અને એસઓજી સહિતની ટીમોને સતર્ક કરી દીધી છે. એફએસએલની મદદ લઈ તપાસની શરુઆત કરી દેવામાં છે. આ માટે ઈડર અને વડાલી વિસ્તારના તમામ સીસીટીવી ફુટેજ એકત્ર કરાઈ રહ્યા છે. જેના દ્વારા પોલીસ એટીએમ પર પહોંચેલ અને સ્પ્રે લગાવતા આરોપીઓની કડીઓ મેળવી રહી છે. પોલીસ દ્વારા આરોપીઓ સુધી પહોંચવા માટે શંકાસ્પદ વાહનને નજરમાં રાખીને તપાસ શરુ કરી છે. આ માટે ખાસ ટીમો દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.