સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાને નવા વર્ષમાં મળેલી મોટી ભેટને હર્ષભેર આવકારી, ઉદયપુર ટ્રેન સેવાનો લાભ મળ્યો
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી પસાર થતી ઉદયપુર અમદાવાદ રેલ્વે લાઈનને મીટર ગેજમાંથી બ્રોડગેજ પરીવર્તન કરવામાં આવ્યા બાદ હવે ઉદયપુર થી અસારવા સુધીની રેલ્વે સેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરુ કરાવી છે.

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લોકો વર્ષોથી બ્રોડગેજ રેલ્વે લાઈનની માંગ કરી રહ્યા હતા. કેન્દ્ર સરકારે ઝડપભેર કાર્યહાથ ધરતા ગેજરુપાંતરનુ કાર્ય ઝડપથી પૂર્ણ કરવામાં આવ્યુ હતુ. જેને લઈ હવે અમદાવાદના અસારવાથી ઉદયપુર રેલ્વે સેવા શરુ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં રેલ સેવાનો પ્રારંભ કરાવતા પ્રથમ ટ્રેન અમદાવાદ થી ઉદયપુર જવા રવાના થઈ હતી. જે ટ્રેન સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં થઈને રાજસ્થાનના ઉદયપુર તરફ પ્રસ્થાન કર્યુ હતુ. જેને લઈ માર્ગમાં આવતા રેલ્વે સ્ટેશનો પર જિલ્લા વાસીઓએ ટ્રેનના વધામણા ઉત્સાહ ભેર કર્યા હતા.
અમદાવાદના અસારવાથી પ્રસ્થાન કરાવેલી ટ્રેન વાયા દહેગામ, તલોદ અને પ્રાંતિજ થઈને હિંમતનગર પહોંચી હતી. તલોદ અને પ્રાંતિજમાં સ્થાનિક આગેવાનો અને લોકો તેમજ વહેપારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ. પ્રાંતિજ-તલોદથી પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, બળવંતભાઈ પટેલ, કલ્પેશ પટેલ, નિત્યાનંદ બ્રહ્મભટ્ટ સહિતના અગ્રણીઓએ પ્રથમ ટ્રેનની મુસાફરી કરી હતી અને હિંમતનગર પહોંચ્યા હતા. તેઓની સાથે અનેક વહેપારીઓ અને આગેવાનો અને સ્થાનિકો પણ પ્રથમ ટ્રેન સેવાની યાદગીરી રુપ મુસાફરી કરી હતી.
પ્રાંતિજ, તલોદ અને હિંમતનગરમાં ઉત્સાહભેર સ્વાગત
પ્રાંતિજમાં ટ્રેન આવી પહોંચતા જ તેનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ઉત્સાહભેર સ્થાનિકોએ કેન્દ્ર સરકારે નવા વર્ષે જિલ્લાને આપેલી આ કિમતી ભેટનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. સાંસદ દિપસિંહ રાઠોડની આગેવાનીમાં જિલ્લામાંથી પસાર થતી ટ્રેનને આવકારવામાં આવી હતી. હિંમતનગર તરફ આગળ પ્રસ્થાન કરાવવા માટે પૂર્વ શિક્ષણ પ્રધાન જયસિંહ ચૌહાણ અને મહેન્દ્રસિંહ બારૈયાએ લીલી ઝંડી બતાવી હતી. ત્યારબાદ આગેવાનોએ ટ્રેનની યાદગીરી રુપ યાત્રા કરી હતી.
હિંમતનગરમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જોકે સ્થાનિક નેતા અને તેમના સમર્થકોની આવી મહત્વની પળે ગેરહાજરી આંખે ઉડીને વળગતા ચર્ચાનો વિષય બન્યો હતો. સાથે જ સ્વાગત કાર્યક્રમનુ સ્ટેજ પર ખાલી રહ્યુ હતુ. જોકે લોકો અને આગેવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપીને ટ્રેનને આવકારી હતી. લોકોએ અમદાવાદ થી ઉદયપુર એક્સ્પ્રેસ ટ્રેનની પ્રથમ સફરને આવકારી ટ્રેન સાથે સેલ્ફી પણ લીધી હતી.
વર્ષો જૂની માંગ પૂર્ણ થઈ
હિંમતનગર બાદ શામળાજી, ડુંગરપુર થઈને ઉદયપુર જનારી આ ટ્રેન દ્વારા સ્થાનિક લોકોને અનેક રાહત સર્જાશે અને વ્યાપાર ધંધામાં પણ ખૂબ જ લાભ થશે. આ પહેલા મીટરેજ રેલ્વે ચાલતી હતી. જેનાથી સમયનો ખૂબ જ વ્યય થવા સાથે અનેક હાલાકી ભોગવવી પડતી હતી. પરંતુ હવે બ્રોડગેજ રેલવે લાઈનની ભેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપતા વિકાસની ગતિ પણ તેજ બનવાની આશા નવાવર્ષે પૂર્ણ થઈ છે.
