Rain in Sabarkantha: ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જાણો સાબરકાંઠામાં ક્યાં અને કેટલો વરસાદ નોંધાયો
Rain in Sabarkantha: સાબરકાંઠા જિલ્લામાં મોડી સાંજે અને વહેલી સવારે વરસાદ નોંધાયો હતો. હજુ શુક્રવાર અને શનિવારે ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી હોઈ તંત્ર એલર્ટ મોડમાં
બિપરજોય વાવાઝોડાને લઈ વરસાદની આગાહી ઉત્તર ગુજરાતમાં કરવામાં આવી છે. શુક્રવાર અને શનિવારે વરસાદનુ જોર રહેવાની આગાહી છે. શુક્રવારે વહેલી સવારથી ઉત્તર ગુજરાતના અનેક હિસ્સાઓમાં વરસાદ નોંધાયો છે. ગઈકાલે દિવસ ભર વાદળોની આવન જાવન બાદ મોડી સાંજ બાદ વરસાદી ઝાપટા સાબકાંઠા જિલ્લામાં કેટલાક સ્થળે વરસ્યા હતા. જિલ્લામાં એક ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં અનેક વિસ્તારોમાં મોડી સાંજ બાદ વિજ પુરવઠો બંધ થઈ ગયો હતો. પરંતુ પવનથી રાહત રહેવાને લઈ વિજળી પૂર્વવત થઈ હતી.
સાબરકાંઠા જિલ્લામાં મોડી રાત્રે સામાન્ય કરતા વધારે પવન કેટલાક વિસ્તારોમાં મોડી સાંજે ફૂંકાયો હતો. પરંતુ થોડીવાર પવન ફૂંકાયા બાદ સ્થિતી સામાન્ય રહી હતી. જોકે હવામાન વિભાગે 16 અને 17 જૂને વરસાદ વરસવાની આગાહી કરી છે. જિલ્લામાં વરસાદ અને પવનને લઈ તંત્ર અગાઉથી જ સતર્ક રહ્યુ છે.
ઈડર અને વિજયનગરમાં વરસાદી માહોલ
જિલ્લામાં પ્રાંતિજ તાલુકાને બાદ કરતા લગભગ તમામ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જોકે પ્રાંતિજના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં મોડી સાંજ બાદ વરસાદ વરસ્યો હતો. જિલ્લાના ઘણા ખરા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ હોય એવા ઝાપટા વરસ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના 7 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો.
સૌથી વધારે વરસાદ સાબરકાંઠાના ઈડર વિસ્તારમાં નોંધાયો હતો. વહેલી પરોઢે પોણા ઈંચ કરતા વધારે વરસાદ ઈડરમાં ખાબક્યો હતો. ઈડરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ઈડરમાં ગુરુવારે રાત્રે પણ વરસાદ નોંધાયો હતો. વિજયનગરમાં અડધો ઈંડ જેટલો વરસાદ નોંધાયો હતો. ગુરુવારે સવારે 10 થી 12ના અરસા દરમિયાન વરસાદ ખાબક્યો હતો. પોશિના અને વડાલીમાં 9-9 મીમી જેટલો વરસાદ વરસ્યો હતો. ખેડબ્રહ્માં માં 7 મીમી, જ્યારે હિંમતનગર અને તલોદમાં 6-6 મીમી વરસાદ નોંધાયો હતો.
આગાહીને લઈ તંત્ર એલર્ટ
વિસ્તારમાં અનેક સ્થળોએ વીજળી મોડી સાંજે ગૂલ થઈ ગઈ હતી. કેટલાક વિસ્તારોમાં પવનની શરુઆત થવા સાથે જ વિજળી બંધ થઈ ગઈ હતી. જોકે થોડીક વાર બાદ પવન હળવો રહ્યા બાદ વીજ પૂરવઠો પૂર્વવત થયો હતો. જિલ્લામાં અનેક ઠેકાણે વિજ પૂરવઠો બંધ થયાના સમાચાર ગુરુવાર મોડી સાંજે સામે આવ્યા હતા.
બિપરજોય વાવાઝોડાને લઈ તંત્ર રાજ્ય સરકારની સૂચનાઓ મુજબ એલર્ટ મોડમાં રાખવામાં આવ્યુ છે. જિલ્લામાં તમામ તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં સતત નજર રાખવામાં આવી રહી છે. શુક્વારે જિલ્લામાં શિક્ષણ કાર્ય બંધ રાખવાનો જિલ્લા ક્લેકટરે આદેશ કર્યો હતો. વિદ્યાર્થીઓને શાળાએ આવવાથી રજા અપાઈ હતી. જ્યારે શિક્ષકોને શાળાએ હાજર રાખવામાં આવી હતી. હજુ બે દિવસ ભારે વરસાદની આગાહીને લઈ નજર રાખવામાં આવશે. વિસ્તારમાં વાવાઝોડાની અસર શુક્રવાર વહેલી સવાર સુધી ખાસ નહીં રહેતા રાહત સર્જાઈ હતી. તંત્રએ વાવાઝોડાની આગાહીને લઈ જિલ્લામાં હોર્ડિંગ્સ ઉતરાવી લીધા હતા. હવે વરસાદની સ્થિતી પર તંત્ર નજર રાખી રહ્યુ છે.