ઉત્તર ગુજરાતના મુખ્ય ડેમ-જળાશયોમાં જ ચાલુ સાલે હજુ સુધી પાણીની નવી આવક નોંધાઈ નથી. વિસ્તારની જીવાદોરી સમાન સાબરમતી નદી પરનો ધરોઈ ડેમમાં પણ નવી પાણીની આવક નોંધાઈ નથી. જ્યારે બનાસકાંઠાના સીપુ અને દાંતીવાડા ડેમમાં પણ નવી આવકનું ટીંપુ પણ નોંધાયું નથી. આમ સ્થાનિકો અને ખેડૂતો હવે ઉત્તર ગુજરાતના ડેમ-જળાશયમાં પાણીની નવી આવક વિના ચિંતા અનુભવી રહી છે.
જુલાઈ માસનું બીજુ સપ્તાહ પણ પસાર થવા લાગ્યું છે પરંતુ ડેમ-જળાશયોમાં નવા નીરની આવક નહીં થવાને લઈ ચિંતા સતાવી રહી છે. ખેડૂતોને સિંચાઈ અને સ્થાનિકોને પીવાના પાણી માટેનો મુખ્ય સ્ત્રોત ખાલી રહે તો સ્વાભાવિક જ ચિંતા થઈ આવે. ગત વર્ષે જૂન માસમાં જ ધરોઈ સહિતના જળાશયોમાં પાણીની આવક નોંધાઈ હતી. જ્યારે આ વર્ષે હજુ સુધી એક પણ ટીંપુ પાણીની આવક નોંધાઈ નથી.
ચાલુ વર્ષે હજુ સુધી નવા નીર સાબરમતી નદીમાં નોંધાયા નથી. ધરોઈ જળાશયમાં પાણીની આવક થવાની રાહ જોવાઈ રહી છે. પરંતુ ઉપરવાસના વિસ્તારોમાં વરસાદ ખાસ નહીં વરસવાને લઈ પાણીની આવક નોંધાઈ નથી. ઉપરવાસ રાજસ્થાનમાં વરસાદથી ધરોઈ ડેમમાં નવા પાણીની આવક થઈ શકે છે. ઉપરવાસના વિસ્તારમાં પોશીના અને વિજયનગર તાલુકામાં પણ પુરા 4 ઇંચ વરસાદ પણ અત્યાર સુધી નોંધાયો નથી. આમ આ વિસ્તારોમાં પણ વરસાદ વરસે તો, સાબરમતી અને તેને જોડતી નદીઓ પનારી, હરણાવ સહિતમાં પાણીની આવક થતા તે ધરોઈમાં પહોંચે.
ધરોઈ ડેમની હાલની સ્થિતિ જોવામાં આવે તો, મંગળવાર સવારે એટલે કે 9 જુલાઈએ સવારે 7 કલાકે જળજથ્થો 35.46 ટકા નોંધાયો છે. જ્યારે વર્તમાન જળસ્તર 183.01 મીટર નોંધાયેલું છે. એટલે કે જળસપાટી હાલમાં 600.28 ફૂટ જેટલી છે. આમ હજુ 64 ટકા કરતા વધારે ધરોઈ ડેમ ખાલી છે. આ માટે હવે ખેડૂતો ઉપરવાસ વિસ્તારમાં સારો વરસાદ થાય એવી પ્રાર્થના કરી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા ડેમની સ્થિતિ જોવામાં આવે તો અહીં પણ સિઝનમાં હજુ નવા પાણી નોંધાયા નથી. દાંતીવાડા ડેમની વર્તમાન સ્થિતિ પર નજર કરવામાં આવે તો ડેમમાં જળજથ્થો હાલમાં 21.08 ટકા નોંધાયેલો છે. જ્યારે જળસપાટી 172.24 મીટર નોંધાયેલી છે. આ ડેમ ગત વર્ષે અને 2022 ના વર્ષમાં સંપૂર્ણ છલોછલ થઈ ગયો હતો. એટલે કે 100 ટકા પાણી ભરાવાથી રાહત સર્જાઈ હતી.
આ ડેમની સ્થિતિ પણ ચિંતાજનક છે. દાંતીવાડા બાદ સીપુ ડેમમાં પણ પાણીનો જથ્થો ખૂબ જ ઓછો છે. અહીં માત્ર 10.66 ટકા જ પાણીનો જથ્થો હાલમાં છે. જ્યારે જળસપાટી176.60 મીટર નોંધાયેલી છે. સીપુ ડેમ વર્ષ 2022માં 11 ટકા અને 2023ના વર્ષમાં 32 ટકા ભરાયો હતો.