ખેડૂતો અને પશુપાલકોની બચતની છેતરપિંડી આચરનારો 4 વર્ષે ઝડપાયો, કંપનીનો સંચાલક દારુ વેચતો હતો
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતોની લાખો રુપિયાની થાપણો અને સોનુ મેળવી લઈ છેતરપિંડી આચરનારો આરોપી આખરે પોલીસને હાથ લાગ્યો છે. માત્ર 60 કિલોમીટર દૂર રહીને દારુ વેચતા ઝડપાતા આખરે હિંમતનગરની ગાંભોઈ પોલીસને ચાર વર્ષે હાથ લાગ્યો છે. એક સમયે કંપનીનો માલીક ગણાવતો અને હવે દારુ વેચતો મદન રાજપુરોહિત હવે સાબરમતી જેલમાં પુરાયો છે. પોલીસે હજુ તેની પત્નિને ઝડપવાની બાકી છે અને હવે તેની શોધ શરુ કરી છે.
હિંમતનગરના ગાંભોઈ વિસ્તારમાં ગ્લોબલ ગોથાજી નામની કંપનીની ઓફિસ ખોલીને તેનુ સંચાલન મદન રાજપુરોહિત કરતો હતો. તેણે ખેડૂતો અને પશુપાલક મહિલાઓ પાસેથી રોકાણ-બચત અને સોનુ ગીરવે લીધા બાદ ઓફિસના શટર પાડી દીધા હતા. મોટી રકમ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાંથી ઉઘરાવી હતી. જે રકમ એકઠી કર્યા બાદ તેના સંચાલકો રાતોરાત શટર પાડીને ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચોઃ હિંમતનગરને રાજ્ય સરકારે દિવાળીની મોટી ભેટ આપી, અદ્યતન શહેર બનાવવા હુડા લાગુ કરાશે
ઘટના બાદ એક રોકાણકારે 9 લાખની છેતરપિંડી અંગેની ફરિયાદ ગાંભોઈ પોલીસ મથકે નોંધાવી હતી. જેમાં શરુઆતના 10 આરોપીઓ પૈકી એક નામ મુખ્ય સૂત્રધાર તરીકે મદન રાજપુરોહિતનુ હતુ. જેને પોલીસ શોધી રહી છે એમ કહેવામાં આવતુ હતુ. અન્ય આરોપીને પોલીસે ઝડપી લીધા હતા, પરંતુ મદન રાજપુરોહિત 60-70 કિલોમીટર દુર દારુ વેચીને જીવન ગુજારતો હોવા છતાં હાથ લાગતો નહોતો.
વાડજ પોલીસે ગાંભોઈ પોલીસને આપી માહિતી
આ દરમિયાન અમદાવાદના વાડજમાં એક વેપારી ઝડપાયો હતો. જે કરિયાણું વેચવાની આડમાં એપ્લીકેશન દ્વારા દારુ વેચવાનુ નેટવર્ક ચલાવતો હતો. આ દારુને વેચાણ કરવાને લઈ પોલીસે તેને ઝડપી લીધો હતો. જે આરોપીએ પોતાનુ નામ મદન રાજપુરોહિત દર્શાવતા પોલીસને તેની વિગતો ચકાસતા જાણવા મળ્યુ કે, તે આનાથી પણ મોટો ગુનો આચરી ચુક્યો છે.
જેને ઝડપ્યો છે તે, ગાંભોઈ પોલીસ મથકે રોકાણકારોને સ્કીમો બતાવી છેતરપિંડી આચરી ચૂક્યો હોવાનુ ખૂલ્યુ હતુ. વાડજ પોલીસે તુરત જ ગાંભાઈ પોલીસને જાણ કરી હતી. જેને લઈ ગાંભોઈ પોલીસે ટ્રાન્સફર વોરંટ લેવાની તજવીજ શરુ કરી હતી. જે દરમિયાન આરોપી મદન રાજપુરોહિત કોર્ટમાંથી જામીન મેળવી ચૂક્યો હતો. આમ પોલીસને એક તરફ સત્તાવાર જાણકારી મળવા છતાં હાથમાંથી છટકી જવાનુ લાગી રહ્યુ હતુ.
ગાંભોઈ પીએસઆઈ જેએમ રબારીએ બતાવ્યુ કે, આરોપી જામીન લેવા છતાં વોચ રાખીને તેને અમદાવાદથી ઉઠાવી લીધો હતો અને તેને પોલીસ મથક લવાયો હતો. જોકે પોલીસને માત્ર એક જ દીવસના રિમાન્ડથી સંતોષ લેવો પડ્યો હતો અને હવે તેને સાબરમતી જેલમાં મોકલવાાં આવ્યો છે.
એફડી અને રિકરીંગ જેવી સ્કીમો વડે છેતરપિંડી
ગાંભોઈમાં ગ્લોબલ ગોથાજી નામની કંપનીની ઓફિસ ખોલીને ખેડૂતોના પૈસાને બચતના નામે રોકાણ કરવા માટે આકર્ષક યોજનાઓ બનાવી હતી. જેમાં શરુઆત ગાંભોઈ આસપાસના સંખ્યાબંધ ગામડાઓમાં કર્યા બાદ તેમણે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં તેનો વ્યાપ વધાર્યો હતો. આ માટે એજન્ટો મારફતે ખેડૂતોની પાસેથી ડેઈલી, સાપ્તાહિક, માસિક રોકાણ જેવી સ્કિમો વડે બચત યોજના શરુ કરી હતી.
ખેડૂતો અને પશુપાલક મહિલાઓએ પણ તેમની બચતને ગ્લોબલ ગોથાજી કંપનીમાં રોકાણ કરવા લાગ્યા હતા. તેમજ જરુર પડે એટલે સોનાના ઘરેણાં પર લોન આપવામાં આવતી જેમાં અડધી રકમ આખીને પુરુ સોનુ મેળવી લેવામાં આવતુ આમ બધુ જ એકત્ર કરીને તેણે આ સોનાનો મોટો હિસ્સો શહેરના કેટલાક વેપારીઓને વેચાણ આપી દીધુ હોવાની તપાસ શરુ કરાઈ હતી.
આ 10 આરોપીઓ સામે નોંધાઈ હતી ફરિયાદ
- મદન મુલતાનસિંહ રાજપુરોહિત રહે. રાજસ્થાન
- શૈલેષભાઈ કાંતિભાઈ પ્રજાપતિ રહે. બાખોર, તા. હિમતનગર,સાબરકાંઠા
- નરપતસિંહ હરિસિંહ રાજપુરોહિત, રાજસ્થાન
- કરણસિંહ પ્રભુસિંહ રાજપુરોહિત, રાજસ્થાન
- કમલસિંહ સરદારસિંહ રાજપુરોહિત, રાજસ્થાન
- કસ્તુરસિંહતિલોકસિંહ રાજપુરોહિત, રાજસ્થાન
- દિનેશસિંહ મુલતાનસિંહ રાજપુરોહિત, રાજસ્થાન
- રતનસિંહ મુલતાનસિંહ રાજપુરોહિત, રાજસ્થાન
- ઓમસિંહ ભવરસિંહ રાજપુરોહિત, રાજસ્થાન
- જસુભાઈ ત્રીકમભાઈ નાયક, અડપોદરા,તા. હિમતનગર,સાબરકાંઠા