
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ બાદ રાજ્ય સરકાર હવે બચાવ કામગીરી પૂર્ણ કરીને રાહત અને પુનઃસ્થાપનની કામગીરીને પ્રાથમિકતા આપી રહી છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને આગામી 3થી 4 દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રને હાઈ એલર્ટ પર રહેવા સૂચના આપી હતી.
હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, અમદાવાદ, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં વ્યાપક વરસાદ થવાની સંભાવના છે. જેના પગલે જિલ્લા તંત્રને બચાવ સાધનો અને માનવબળ સાથે સંપૂર્ણ તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે.
રાજ્યમાં વરસાદ અને પૂરની પરિસ્થિતિ દરમિયાન અત્યાર સુધીમાં 40,500થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, જ્યારે 6,367 લોકોનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં બચાવ અને રાહત કામગીરી માટે NDRFની 17 ટીમો, SDRFની 32 ટીમો અને આર્મીની 6 ટુકડીઓ સતત કાર્યરત છે.
રાજ્ય સરકારના આંકડા મુજબ વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં છેલ્લા 30 વર્ષના સરેરાશ વરસાદના 90.98 ટકા, જ્યારે નવસારી જિલ્લામાં 95.13 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
મુખ્ય પ્રધાને અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક સહાય પહોંચાડવા માટે કેશડોલ્સ અને ઘરવખરી સહાય માટે રૂ. 40 કરોડની ફાળવણી મંજૂર કરી છે. વલસાડ જિલ્લામાં સહાય વિતરણની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.
ભારે વરસાદ બાદ બંધ થયેલા માર્ગોમાંથી અત્યાર સુધીમાં 365 માર્ગો ફરી શરૂ કરવામાં આવ્યા છે. માર્ગોની મરામત અને કાટમાળ દૂર કરવા માટે 225 JCB, 1,500થી વધુ મશીનરી અને 1,500 કર્મચારીઓ સતત કાર્યરત છે.
તે ઉપરાંત વીજ પુરવઠો ઝડપથી પૂર્વવત થાય તે માટે 350 વીજ ટીમો અને 1,000થી વધુ કર્મચારીઓ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પૂરનું પાણી ઓસર્યા બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં વિશેષ સફાઈ અભિયાન ચલાવવા, પીવાના પાણીની ગુણવત્તા જાળવવા અને સંભવિત રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગને જરૂરી તમામ પગલાં ભરવા સૂચના આપી છે.
રાજ્ય સરકારના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી હોવાથી બચાવ, રાહત અને પુનઃસ્થાપનની કામગીરી સાથે જિલ્લા તંત્રને સતત સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે.