કેન્દ્રીય જળસંચય મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે રાજકોટની મુલાકાત લીધી હતી. રાજકોટના કાલાવડ રોડ પર આવેલી એક હોટેલમાં રાજકોટ બિલ્ડર એસોસિએશનમા યજમાન પદે ક્રેડાઇની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સી આર પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં પાટીલે જળસંચય પર વિશેષ ભાર મૂક્યો હતો અને બિલ્ડરોને પણ જળસંચયની આ પ્રવૃતિમાં આગળ આવવા અપીલ કરી હતી.
સી આર પાટીલે રાજ્યભરના બિલ્ડરોને સંબોધન કરતા કહ્યું હતું કે જળ એ જીવન છે.કેન્દ્ર સરકાર પાણીના સંગ્રહ અને સદ્દઉપયોગમાં વિશેષ કાળજી રાખી રહી છે ત્યારે જળ સંચયની પ્રવૃતિને એક મુહિમ તરીકે લેવી જોઇએ.દરેક બિલ્ડરને તેમના વિસ્તારમાં એક ગામ દત્તક લેવાનું આહ્વાન કર્યું હતું. જેમાં ગામમાં ચેકડેમનું નવનિર્માણ કરવું,વરસાદી પાણીનો વેડફાટ અટકાવવો એટલું જ નહિ વરસાદી પાણીનો જમીનમાં સંગ્રહ થાય તે માટે બોરનું પણ નિર્માણ કરવું. બિલ્ડરોએ ગ્રામ પંચાયત અને જળ સંચય કરતી સંસ્થાઓને મદદ કરીને સૌરાષ્ટ્રમાં જળસંચયની નમૂનેદાર કામગીરી કરવા અપીલ કરી હતી.
સી આર પાટીલની અપીલને બિલ્ડર લોબીએ પણ સહર્ષ આવકારી હતી અને જળ સંચયની પ્રવૃતિમાં સરકાર સાથે તાલ મિલાવીને સૌરાષ્ટ્રને હરિયાળું અને પાણીદાર બનાવવાની નેમ લીધી હતી.
ક્રેડાઇના કાર્યક્રમ પહેલા સી આર પાટીલે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. જેમાં પણ સી આર પાટીલે મહાનગરપાલિકાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને જળસંચયની કામગીરી કરવા સૂચન કર્યું હતું. શહેરમાં જે વિસ્તારોમાં વધારે પાણી ભરાતું હોય તે પાણીનો નિકાલ પણ થાય અને તે પાણીનો સંગ્રહ પણ થાય તે રીતે બોર સહિતની વ્યવસ્થાઓ ઉભી કરીને જળસંચય પણ ભાર મૂકીને જળ એ જીવન છે કે મંત્રને સાર્થક કરવા આહ્વાન કર્યુ હતુ .
સી આર પાટીલ સાથે ભાજપના પ્રદેશ ઉપાધ્યાક્ષ ભરત બોઘરા,કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા,સાંસદ પરષોત્તમ રૂપાલા અને રામ મોકરિયા,ધારાસભ્ય ઉદય કાનગડ,રમેશ ટીલાળા,દર્શિતાબેન શાહ,મેયર નયનાબેન પેઢડિયા,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર અને શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી તથા બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશ ગજેરા સહિત રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી બિલ્ડરો ઉપસ્થિત રહ્યા હતા.