રાજકોટમાં TRP ગેમઝોનમાં 25 મે એ શનિવારની સાંજે સર્જાયેલા ગોઝારા અગ્નિકાંડમાં મરણચીસો ઉઠી અને 28 જિંદગીઓ મોતને ભેટી. આ 28 જિંદગીઓના હત્યારા જો કોઈ હોય તો તે ગેમઝોનના સંચાલકો હતા. મનફાવે તેમ બે માળનો ડોમ બનાવી દેવામાં આવ્યો હતો. ટીઆપી ગેમ ઝોન અંગે મનપાની ટીપી શાખા અને ફાયર વિભાગની કામગીરી પણ હવે શંકાના દાયરકામાં આવી છે. 2021થી ગેમઝોનની સંખ્યા વધારતા હોવાના tv9ને પુરાવા મળ્યા છે.
ઓક્ટોબર 2021માં એક પાર્ટી પ્લોટમાં રેસિંગ ટ્રેકક અને ગેમિંગ ઝોનથી શરૂ થયેલો આ ગેમ ઝોનની આવક વધતા 2022માં શેડની સાઈઝ વધારવામાં આવી. સપ્ટેમ્બર 2022માં બાજુનો પ્લોટ ભાડે રાખી રેસિંગ ટ્રેક બનાવવામાં આવ્યો. ગેમ ઝોનની સંખ્યા સતત વધતી રહી છતા અધિકારીઓના ધ્યાને ન આવ્યુ અને કદાચ ધ્યાને આવ્યો તો પણ અધિકારીઓ સાથે સેટિંગ કરીને જ આટલો મોટો ગેમ ઝોન ઉભો કરી દેવામાં આવ્યો.
રાજકોટમાં નાના મવા રોડ ઉપર એક સમયે જ્યાં પાર્ટી પ્લોટની જગ્યા હતી એ જગ્યાએ ટીઆરપી ગેમઝોન ચાર વર્ષ પહેલા ઉભો કરી દેવામાં આવ્યો. આ સ્થળે બે માળનુ લોખંડના પતરાથી કરાયેલુ બાંધકામ 50 મીટર પહોળાઈ અને 60 મીટર લંબાઈમાં 3 હજાર ચોરસ મીટરમાં પથરાયેલુ હતુ. ચાર વર્ષથી તે મંજૂરી વગર ધમધમતુ હતુ છતા મનપાના તંત્રએ તેની સામે આંખ મીંચામણા કર્યા હોવાનુ પુરવાર થયુ છે.
મનપાના ટેક્સ બ્રાંચના સૂત્રો અનુસાર આ સ્થળ મનપાના ટેક્સબ્રાંચના ચોપડે પહેલા તો પાર્ટી પ્લોટ તરીકે જ નોંધાયુ હતુ. તેનો ગેમઝોન તરીકેનો પિલાન મુકાયો ન હતો. વર્ષ 2021માં ટેક્સ બ્રાંચના ધ્યાનમાં આવતા તેની રિવાઈઝ્ડ આકારણી કરીને ટેક્સ બિલ ફટકારી ટેક્સ વસુલ્યો હતો. આમ મનપા આ સ્ટ્રક્ચરથી પુરી રીતે વાકેફ પણ હતી અને ટેક્સ પણ ભરવામાં આવતો હતો. છતા મનપાની ટીપી શાખાએ કે ફાયર વિભાગે આ સ્થળે જઈને જાત તપાસ કરવાની નોટિસ આપવાની કોઈ કાર્યવાહી દુર્ઘટના ઘટી ત્યાં સુધી કરી ન હતી.
Published On - 4:23 pm, Thu, 30 May 24