રૂપાલા વિવાદ ભાજપ માટે બન્યો ગળાંની ફાંસ, ઉમેદવાર બદલે તો પાટીદારોની વહોરવી પડે નારાજગી, ના બદલે તો ક્ષત્રિયો રૂઠે

રૂપાલા વિવાદમાં ભાજપ ક્ષત્રિયો અને પાટીદારો વચ્ચે ફસાયું હોય તેવુ લાગે છે. જો ઉમેદવાર બદલે તો પાટીદારો નારાજ થાય અને જો ઉમેદવાર ના બદલે તો રાજપૂતો નારાજ થાય આ સ્થિતિમાં સવાલ એ કે ભાજપ શું કરશે ?

| Edited By: | Updated on: Apr 03, 2024 | 12:13 AM

ગુજરાતમાં 26 બેઠકો પર મતદાન થવાનું છે અને હવે આ મતદાનને 5 અઠવાડિયા જેટલો જ સમય બાકી છે…ત્રણેય પાર્ટીઓ તૈયારીઓમાં છે પરંતુ ભાજપ માટે રૂપાલાના વિવાદે સમસ્યાઓ સર્જી નાંખી છે. જે પ્રકારની સ્થિતિ હાલ ઉદ્ભવી રહી છે તેને જોતા કહી શકાય કે આવનારા દિવસોમાં જો વિવાદનો અંત ના આવ્યો તો પછી ભાજપની લોકસભા ચૂંટણી પહેલા સ્થિતિ ડામાડોળ થઈ શકે છે અને તેમાં કોઈ બેમત નથી.

બે સમાજ વચ્ચે અવઢવમાં મુકાઈ ભાજપ ?

રૂપાલા વિવાદમાં એવું લાગી રહ્યુ છે કે ભાજપમાં બરાબરની અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. આ અવઢવ એટલા માટે કારણ કે ચૂંટણી ટાણે વિરોધ મોટો થઈ રહ્યો છે. રાજકીય રીતે ભાજપ વિવાદને પતાવવાનો પ્રયત્ન કરી રહ્યુ છે પરંતુ વાસ્તવિકતા તો એ છે કે વિવાદ પૂરો થવાનું નામ નથી લઈ રહ્યો. ક્ષત્રિયોની એક જ માગ છે કે કોઈપણ ભોગે ઉમેદવાર બદલાય અને જો આમ થશે તો જ તેઓ સમાધાન માનશે અને જો ઉમેદવાર નહી બદલવામાં આવે તો વિરોધની આગ આવનારા દિવસોમાં પણ જોવા મળશે

રૂપાલા વિવાદનું સમાધાન શું ?

ભાજપ માટે રાજકોટ બેઠકમાં સમસ્યા સતત વધી રહી છે. ભાજપ એટલા માટે પણ ફસાઈ છે કારણ કે હવે પાર્ટી કરે તો કરે શું ? આ સવાલ એટલા માટે કારણ કે  ઉમેદવાર નહી બદલે તો રાજપૂતોની નારાજગી ભાજપે વહોરવી પડશે. રાજપૂતોનું કહેવું છે કે રાજ્યમાં 8 બેઠકો પર ભાજપને મોટું નુકસાન પહોંચાડવાની તાકાત રાજપૂતોની છે અને ભાજપ માગ નહી સ્વીકારે તો આગામી લોકસભા ચૂંટણીમાં પાર્ટી માટે ક્ષત્રિયો પડકાર સર્જશે.

ઉમેદવાર બદલે તો પાટીદારો નારાજ

આ તો વાત થઈ ક્ષત્રિયોની કે જેઓ પોતાની માગ પર અડગ છે તો બીજી તરફ સમસ્યા એ છે કે જો ભાજપ રૂપાલાને બદલી નાંખે તો પાટીદારોની નારાજગી વહોરવી પડે. એટલે એક તરફ રાજકીય રીતે રાજપૂતો તો બીજી તરફ પાટીદારો છે. ભાજપ જાણે છે કે પાટીદારોની નારાજગી તો બિલકુલ નહી પોષાય. આવું એટલા માટે પણ કારણ કે પાટીદારોને નારાજ કરીને એક વાર પાર્ટીએ પરિણામ જોઈ લીધું છે. વર્ષ 2017ની વિધાનસભામાં પાર્ટી 3 ડિઝિટની બેઠકો પણ પ્રાપ્ત નહોતી કરી શકી અને 99 સીટો સુધી વિધાનસભામાં પાર્ટી સીમીત રહી હતી. એટલે પાર્ટી ફરી એ અનુભવ કરવા નહી જ માગે

ઉમેદવાર ના બદલે તો ક્ષત્રિયો નારાજ

ખાસ કરીને સૌરાષ્ટ્રના ગણિતને જોઈએ તો સૌરાષ્ટ્રમાં પાટીદારો અને ક્ષત્રિયો બંન્ને રાજકીય તાકાત ધરાવે છે, એટલે કે બહોળી સંખ્યામાં બંન્ને સમાજના મતદારો છે. ત્યારે ભાજપ કઈ દિશામાં શું નિર્ણય લે છે તે જોવું જાણવુ અને સમજવું મહત્વનું છે. એક વાત ચોક્કસ છે કે આ વિવાદ માત્ર રાજકોટ પુરતો નથી રહ્યો પરંતુ આખા સૌરાષ્ટ્ર અને રાજ્યનો થઈ ગયો છે. અને તેમાં પણ જે બેઠકનો આ વિવાદ છે તે રાજકોટ બેઠકમાં તો જાતિગત સમીકરણમાં ભાજપ બરાબરની ફસાઈ છે.

આ પણ વાંચો: ભાજપની માફીની અપીલ બાદ પણ ક્ષત્રિયોમાં રોષ યથાવત, અનેક શહેરોમાં ઉગ્ર દેખાવો, રૂપાલાની ટિકિટ રદ નહીં તો મતદાન બહિષ્કારની ચીમકી

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:11 am, Wed, 3 April 24