રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત એક ઢોરડબ્બાની દયનીય સ્થિતિ સામે આવી છે. રેલનગર વિસ્તારમાં આવેલા આ ઢોરડબ્બામાં કાદવ-કિચડ અને ગંદકીની ભરમાર છે. ઢોરડબ્બાની જાળવણીના અભાવે આ સ્થિતિ સર્જાઈ છે. માલધારીઓ, જેઓ પોતાના ઢોર માટે ભાડું ચૂકવે છે, તેઓને યોગ્ય સુવિધાઓ મળી રહી નથી. આ બાબતને લઈને માલધારી સમાજમાં રોષ છે અને તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓએ સ્થાનિકો સાથે ઢોરડબ્બાની મુલાકાત લીધી અને તંત્ર પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. આ ઢોરડબ્બામાં ગાયોને ઉભા રહેવા માટે પણ જગ્યા નથી. આવી દયનીય પરિસ્થિતિમાં ઢોરોના સ્વાસ્થ્ય અને જીવન પર ખતરો મંડરાઈ રહ્યો છે.
કોંગ્રેસ નેતા જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યુ કે આ ઢોરડબ્બામાં રહેલા પશુઓની સંખ્યા ઘટીને માત્ર 15000 જેટલી થઈ ગઈ છે, જ્યારે 10-15 વર્ષ પહેલાં આ સંખ્યા 1 લાખથી પણ વધુ હતી. આ ઘટાડાનું મુખ્ય કારણ ઢોરડબ્બાની ગંદકી અને અયોગ્ય પરિસ્થિતિ છે. માલધારીઓ પોતાના ઢોર માટે ભાડું ચૂકવે છે, પરંતુ તેમને બદલામાં યોગ્ય સુવિધા મળતી નથી. ઘાસચારો નાખવાની પણ છૂટ નથી, જેના કારણે પશુઓ ભૂખે મરવાની સ્થિતિમાં છે. લમ્પી વાયરસ જેવા ચેપી રોગોનો પણ ખતરો છે. આ સમસ્યાને લઈને માલધારીઓમાં ભારે રોષ છે અને તેઓ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે.
કોંગ્રેસના નેતાઓ અને સ્થાનિકોએ ઢોરડબ્બાની મુલાકાત લઈને તંત્રની બેદરકારીનો આરોપ મૂક્યો છે. તેમણે ઢોરડબ્બામાં સુવિધાઓ પૂરી પાડવાની અને આ સ્થિતિમાં સુધારો કરવાની માંગ કરી છે. એનિમલ હોસ્ટેલનો કોન્સેપ્ટ પશુઓને યોગ્ય જગ્યા અને સુવિધાઓ આપવા માટેનો હતો, પરંતુ વર્તમાન સ્થિતિ એ બતાવે છે કે આ કોન્સેપ્ટ યોગ્ય રીતે લાગુ કરવામાં આવ્યો નથી. આ ઢોરડબ્બાની સ્થિતિ માત્ર પશુઓ માટે જ નહીં, પરંતુ જાહેર સ્વાસ્થ્ય માટે પણ ખતરો છે. આ ગંદકીથી ફેલાતા રોગો નાગરિકોને પણ અસર કરી શકે છે. તંત્ર આ બાબતને ગંભીરતાથી લઈ યોગ્ય પગલા લે તેવી માગ ઉઠી છે.