રાજકોટ:ખાતરની અછત અને રાત્રે મળતી વીજળીથી ખેડૂતો પરેશાન, કૃષિમંત્રીએ કહ્યુ ખાતરની ક્યાંય અછત નથી
Rajkot: રાજ્યના કેટલાક જિલ્લામાં ખાતરની અછત અને રાત્રે મળતી વીજળીથી ખેડૂતો પરેશાન છે. આ અંગે રાજકોટમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ છે કે કોઈપણ સ્થળે ખાતરની અછત નથી જ્યાં નથી જથ્થો પહોંચ્યો નથી ત્યાં ઝડપથી પહોંચાડવામાં આવશે.
હાલમાં જ રાજ્યના અનેક જીલ્લાઓમાંથી ખાતર ન હોવાની ફરિયાદ ઉઠી હતી. અને એ સાથે જ કેટલાક ગામોમાં વીજળી પણ રાત્રે મળતી હોવાથી ખેડૂતો પરેશાન હતા. જોકે તેમની સમસ્યાનું જલ્દી જ નિરાકરણ આવી જશે. પહેલાં પંચમહાલ અને ત્યાર બાદ અરવલ્લી જિલ્લામાં યુરિયા ખાતરની અછત સર્જાઈ હતી. મોડાસાના ખાતર કેન્દ્રો પર ખાતર નહી હોવાના બોર્ડ લાગતા ખેડૂતો પરેશાન થયા હતા.
રાજ્યમાં ક્યાંય ખાતરની અછત નથી, મંડળીઓ દ્વારા માગ મોડી કરાઈ- રાઘવજી પટેલ
જોકે આ તરફ રાજ્ય સરકારે આ વાતની નોંધ ગંભીરતાથી લીધી છે. રાજ્યમાં ખાતરની અછત હોવાની ચર્ચા અંગે કૃષિપ્રધાન રાઘવજી પટેલે સ્પષ્ટતા કરી છે. રાઘવજી પટેલે કહ્યું કે રાજ્યમાં કોઇ પણ સ્થળે ખાતરની કોઇ અછત નથી. રાજ્ય સરકાર પાસે રવી સિઝન માટે પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે. સાથે જ તેમણે કહ્યું કે જે મંડળીઓએ ખાતરની મોડી માગ કરી હતી ત્યાં ખાતરની અછત હોઇ શકે છે.જ્યાં પણ ખાતરની અછત છે ત્યાં ઝડપથી જથ્થો પહોંચાડવામાં આવશે.
રાત્રે વીજળી પૂરવઠો અપાતો હોવાથી ખેડૂતો પરેશાન
ખાતરની સાથે સાથે ખેડૂતોની બીજી કોઈ સમસ્યા હોય તો એ છે દિવસના બદલે રાત્રે અપાતી વીજળી. રાજ્યના કેટલાય એવા ગામો છે જ્યાં ખેડૂતોએ આ કડકડતી ઠંડીમાં રાત્રે પાણી વાળવા જવું પડે છે. આ સ્થિતિને લઈને કોંગ્રેસે સરકાર પર આક્ષેપો કર્યા છે. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાનું કહેવું છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 5 ઓગસ્ટ 2021ના દિવસે કહ્યું હતું કે 2022ના અંત સુધીમાં ગુજરાતના તમામ ગામોમાં દિવસે વીજળી મળતી થઈ જશે. પરંતુ હકીકત એ છે કે તમામ ગામો તો દૂર પ્રાયોગિક ધોરણે ચાલુ કરેલા 3 જિલ્લાના 1055 ગામોમાં પણ આજે ખેડૂતોને દિવસે વીજળી મળતી નથી..
આ તરફ કૃષિમંત્રી રાઘવજી પટેલનું કહેવું છે કે વીજળીની આ સમસ્યા અંગે ગુજરાત સરકારે કામગીરી ક્યારની શરૂ કરી દીધી છે પરંતુ કામ મોટું હોવાથી તેમાં સમય લાગી રહ્યો હોવાનો સ્વિકાર કર્યો છે. જો સરકાર જે કહે છે તેમ હોય તો ખેડૂતોની ખાતર અને વીજળીને લગતી સમસ્યા હવે થોડા સમયમાં જ દૂર થઈ જાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે.