અન્ય શાળાઓ મન મરજી મુજબ ફી વસુલી ન શકે તે માટે રાજ્ય સરકારે વર્ષ 2017માં ફી નિર્ધારણ કમિટીની રચના કરી હતી. ખાનગી શાળાઓએ આ ફી નિર્ધારણ કમિટી જે ફી નક્કી કરે તે જ વસુલી શકે તે પ્રકારનો નિયમ રાખવામાં આવ્યો હતો, પરંતુ છેલ્લા છ મહિનાથી રાજકોટની સૌરાષ્ટ્ર ઝોનની ફી નિર્ધારણ કમિટી ચેરમેનની જગ્યા ખાલી પડેલી છે, છ મહિના વિતવા છતા ચેરમેનની નિમણૂક કરાઈ નથી, જેના કારણે શાળાઓની ફી નક્કી કરવાની કામગીરી અટકી પડી છે. જેને લઈને કોંગ્રેસ દ્વારા આકરો વિરોધ કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસના કાર્યકર્તાઓએ ફી નિર્ધારણ કમિટીનું બેસણુ યોજી શ્રદ્ધાંજલિ કાર્યકમ દ્વારા અનોખો વિરોધ કર્યો હતો. કોંગ્રેસે સીધો આ સરકાર સામે કર્યો કે રાજ્ય સરકાર જાણી જોઈને આ પદ ખાલી રાખીને ખાનગી શાળાઓને ફી વધારવાની છૂટ આપી રહી છે. 2017માં ફી નિર્ધારણ કમિટીની રચના કરવામાં આવી હતી, જેથી ખાનગી શાળાઓ પોતાની મરજી મુજબ ફી ન વસૂલી શકે. પરંતુ, ચેરમેનની ગેરહાજરીમાં આ કમિટી કાર્ય કરી શકતી નથી, અને આનો સીધો ફાયદો ખાનગી શાળા સંચાલકોને મળી રહ્યો છે.
રાજકોટ શહેરમાં ફી રેગ્યુલેશન કમિટી (FRC) ના ચેરમેન પદની ખાલી જગ્યાને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. કોંગ્રેસ પક્ષે આ મુદ્દા પર શ્રદ્ધાંજલિ સ્વરૂપનો વિરોધ પ્રદર્શન કર્યું છે. છ મહિનાથી ખાલી પડેલા આ મહત્વના પદને કારણે સૌરાષ્ટ્રની હજારો ખાનગી શાળાઓની ફી નિર્ધારણ પ્રક્રિયા અટકી પડી છે.
કોંગ્રેસ નેતા રોહિત રાજપુતે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર ઝોનમાં લગભગ 5000 થી 6000 ખાનગી શાળાઓ છે જેમની ફી નક્કી કરવાની જવાબદારી FRC પર છે. ચેરમેનની ગેરહાજરીમાં આ શાળાઓ પોતાની મનમાની ફી વસૂલી રહી છે. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ કાર્યકરોએ પ્રતીકાત્મક રીતે ફૂલોને બદલે ચલણી નોટો મૂકીને FRC કચેરીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેઓએ રાજ્ય સરકારને ચેરમેનની તાત્કાલિક નિમણૂંક કરવાની માંગ કરી છે, અને જો આવું ન થાય તો આગામી દિવસોમાં કચેરી બંધ કરવા સુધીના પગલાં લેવાની ચીમકી ઉચ્ચારી છે.
Published On - 4:55 pm, Fri, 11 July 25