રાજકોટ(Rajkot)જિલ્લા વહિવટી તંત્ર દ્વારા “બેટી બચાવો- બેટી પઢાવો” યોજના અંતર્ગત એચ.આઇ.વી. જાગૃતિ(HIV Awarness) કાર્યક્રમમાં એચ.આઇ.વી.ગ્રસ્ત પરિવારોને સ્વચ્છતા કિટ તેમજ તેમના પરિવારના બાળકોને એજ્યુકેશન કીટનું વિતરણ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુના હસ્તે કલેક્ટર(Collector)કચેરીના પ્રાંગણમાં ઓપનએર થિયેટર ખાતે કરવામાં આવ્યું હતું.આ તકે કલેકટર અરુણ મહેશ બાબુએ કહ્યું હતું કે, એચ.આઇ.વી ગ્રસ્ત પરિવાર અને પરિવારના બાળકો સમાજના તમામ વર્ગો સાથે મળીને સંકોચ વગર આત્મવિશ્વાસથી જીવી શકે તે માટે વહીવટી તંત્ર કાર્યરત છે. જીવનમાં ક્યારેય ડરવાનું નહીં, માનવીના આત્મવિશ્ર્વાસથી મોટી તાકાત કોઈ જ નથી. સરકાર વિકાસના કાર્યોની સાથે પીડિતો અને વંચિતોને સાથે લઈને ચાલી રહી છે. સરકાર સૌ કોઈ વ્યક્તિની પોતાના અંગત વ્યક્તિની માફક સારવાર અને કાળજી લે છે.
આ કાર્યક્રમના પ્રારંભે જીલ્લા મહિલા અને બાળ અધિકારી ડો. જનકસિંહ ગોહિલે કાર્યક્રમની રૂપરેખા આપી હતી. બાળકોને એજ્યુકેશન કીટ તેમજ બહેનોને હાઈજીન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો માટે સ્કુલબેગ, વોટરબેગ, લંચબોક્સ, ફુલસ્કેપ ચોપડા અને બહેનો માટે સેનેટરી પેડ, હેન્ડવોશ, ટુથપેસ્ટ, માસ્ક, ગ્લુકોઝ, શેમ્પુ-સાબુ સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે.કલેકટર અરુણ મહેશ બાબુએ એચ.આઇ.વી.ગ્રસ્ત પરિવારના સભ્યોને મળીને તેમની સમસ્યાઓ સાંભળીને, સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે વિવિધ વિભાગોના અધિકારીઓને સ્થળ પર જ સુચના આપી હતી.
એચ.આઇ.વી. ગ્રસ્ત પરિવારના લોકોને હરહંમેશ મદદરૂપ બનતા સમાજના વિવિધ અગ્રણીઓ આર.ડી.એન.પી સંસ્થાના જગદિશભાઈ, પુજાબેન વાધમારે, તક્ષ મિશ્રા, ફૂલછાબના જનરલ મેનેજર નરેન્દ્રભાઈ ઝીબા, સકીના ભારમલ સહિતના લોકોનું કલેક્ટર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. કલેકટરના હસ્તે “બેટી બચાવો-બેટી પઢાવો” અભિયાન વિશે માહિતી આપતા જાગૃતિ રથને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવાયુ હતું. જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને લોકોને “બેટી બચાવો-બેટી પઢાવો” યોજના અંગે વિવિધ માહિતી પ્રદાન કરશે.જિલ્લા કેળવણી નિરીક્ષક મીનાબેન જોબનપુત્રા, શિક્ષણ વિભાગમાંથી ભીખુભાઈ દેસાણી, દહેજ પ્રતિબંધક અને સંરક્ષણ અધિકારી સોનલબેન રાઠોડ, સીમાબેન શીંગાળા સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : Dahod: પૌરાણિક કાળથી ચાલી આવતી સ્વયંવરની પ્રથા એટલે “ગોળ ગધેડા “નો મેળો
આ પણ વાંચો : Gandhinagar : જાહેર સ્થળ પરના ખાનગી CCTVનું એક્સેસ પોલીસને આપવામાં આવશે, વિધાનસભામાં બિલ લવાશે