Rajkot: ખોડલ ધામ ખાતે પાસ આગેવાન અને નરેશ પટેલ વચ્ચેની બેઠક પૂર્ણ, કેસ પાછા ખેંચવાને અને મૃત્યુ પામેલાના પરિજનોને નોકરી બાબતે ચર્ચા
ખોડલ ધામ ખાતે નરેશ પટેલ સાથે પાસ આગેવાન અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણીયા અને ધાર્મિક માલવીયાની બેઠક યોજાઈ હતી, બેઠક બાદ પાસ નેતાએ જણાવ્યું કે કેસ પાછા ખેચવા બાબતે થયેલ કામગીરી બબતે સરકાર સાથે નરેશ પટેલ ચર્ચા કરશે.
લેઉવા પાટીદારોના આસ્થાના સ્થળ ગણાતા કાગવડ (Kagvad) ખાતે આવેલાં ખોડલ ધામ (Khodal Dham) ખાતે નરેશ પટેલ (Naresh Patel) સાથે પાસ આગેવાન અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણિયા અને ધાર્મિક માલવિયાની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાટીદાર (Patidar) આંદોલન દરમિયાન કરાયેલા કેસ પાછા ખેંચવાને અને આંદોલનમાં મૃત્યુ પામેલાના પરિવારજનોને નોકરી આપવા બાબતે ચર્ચા થઈ હતી.
ખોડલ ધામ ખાતે એક કલાક સુધી ચાલેલી બેઠક બાદ પાસના અલ્પેશ કાથીરિયાએ જણાવ્યું હતું કે બેઠકમાં પાટીદાર આંદોલનને લઈને કરાયેલા તમામ કેસ પાછા ખેંચવા બાબતે સરકારને રજૂઆત કરવા મુદ્દે ચર્ચા થઈ હતી. આ ઉપરાંત શહિદના પરિવારજનોને નોકરી આપવા બાબતે પણ ચર્ચા થઈ હતી.
પાસના નેતાએ જણાવ્યું કે નરેશ પટેલ અને આગેવાનોની સરકાર સાથે ચર્ચા ચાલી રહી છે. અગાઉ કેસો પરત ખેંચવા મામલે સરકારે આપેલો 3 મહિનાનો સમય આગામી 6 માર્ચે પુર્ણ થાય છે. જેથી 3 મહિનામાં સરકાર દ્વારા આ બાબતે થયેલ કામગીરીની સરકાર સાથે નરેશ પટેલ ચર્ચા કરશે.
પાસના નેતાએ એમ પણ કહ્યું કે આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં પાસ અગેવાનોની મીટિંગ મળશે. ત્યાર બાદ આગામી કાર્યકર્મોની જાહેરાત કરવામાં આવશે. આ કાર્યક્રમો અંતર્ગત જિલ્લા અને તાલુકા કક્ષાએ આવેદનો આપવામાં આવશે. સત્તામાં બેઠેલા પક્ષના નેતાઓને ગુલાબ આપવામાં આવશે.
આમ આદમીના પ્રવીણ રામ પણ નરેશ પટેલને મળ્યા
ગઈકાલે આમ આદમી પાર્ટીના યુવાનેતા પ્રવીણ રામ અને નિખીલ સવાણી ખોડલધામના ચેરમેન નરેશ પટેલની શુભેચ્છા મુલાકાતે રાજકોટ આવ્યા હતા. મુલાકાત બાદ પ્રવીણ રામે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમારી વચ્ચે માત્ર શુભેચ્છા મુલાકાત થઈ હતી અને સમાજ સેવાની વાત થઈ હતી. પાર્ટીમાંથી જતા રહ્યા તેઓએ અત્યાર સુધી સમય આપ્યો એ પણ ખૂબ જ સારી વાત છે, નરેશ પટેલ અમારી પાર્ટીમાં જોડાઈ તો અમારા માટે ગર્વની વાત કહેવાય.
આ પણ વાંચોઃ અમદાવાદના ધબકતુ દિલ માણેકચોકનું નામ આ રીતે પડ્યુ, જાણો શું છે તેનો ઇતિહાસ