
રાજકોટ જિલ્લાના લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી રાજ્યના સહકારી રાજકારણમાં ચર્ચાનો વિષય બની છે. કુલ 16 બેઠકો ધરાવતા આ સંઘમાં 11 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, જ્યારે બાકીની પાંચ બેઠકો માટે 10 ઉમેદવારો વચ્ચે સીધો અને રસાકસીભર્યો જંગ ખેલાશે. આ ચૂંટણીમાં પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી સહિત અનેક દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે, જેના કારણે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
શરૂઆતમાં સંઘની 15 બેઠકો માટે કુલ 36 જેટલા ફોર્મ ભરાયા હતા. જેમાંથી ૨૬ ફોર્મ પરત ખેંચાતા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું હતું. પાંચ બેઠકો પર હવે દરેક જૂથમાંથી બે-બે ઉમેદવારો સામ-સામે ચૂંટણી લડી રહ્યા છે, જે સ્પર્ધાની તીવ્રતા દર્શાવે છે.
આ ચૂંટણીમાં કેટલાક મુકાબલા પર સૌની નજર છે
આ ચૂંટણીને સમરસ એટલે કે બિનહરીફ બનાવવાનો ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂરતો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભાજપના સૌરાષ્ટ્ર ઝોનના મહામંત્રી અનિરુદ્ધ દવે દ્વારા પક્ષના આગેવાનો સાથે બેઠકો યોજી ઉમેદવારોને સમજાવવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, સહકારી ક્ષેત્રના આગેવાનોએ પોતાની ઉમેદવારી પાછી ન ખેંચતા ભાજપના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. ફોર્મ પાછા ખેંચવાની અંતિમ ઘડી સુધી કોઈ સમાધાન ન થતાં હવે આ પાંચ બેઠકો પર ચૂંટણી અનિવાર્ય બની છે.
આ પરિસ્થિતિ સૂચવે છે કે ભાજપના જ કેટલાક કાર્યકર્તાઓ દ્વારા પક્ષના મેન્ડેટનો અનાદર કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લામાં સહકારી ક્ષેત્રમાં પ્રદેશ કક્ષા સુધીનું લોબિંગ થયું હોવાનું મનાય છે. ધારાસભ્ય જયેશ રાદડિયા અને પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ જેવા દિગ્ગજો વચ્ચે પણ ક્યાંક પ્રતિષ્ઠાનો દાવ રમાઈ રહ્યો હોય તેવી અટકળો ચાલી રહી છે.
લોધિકા ખરીદ વેચાણ સંઘની આ પાંચ બેઠકો માટે આગામી 8 સપ્ટેમ્બરના રોજ મતદાન યોજાશે. જ્યારે, તેના પરિણામો 9 સપ્ટેમ્બરના રોજ જાહેર થશે, જેનાથી કોના હાથમાં સહકારી સંઘની કમાન આવશે તે સ્પષ્ટ થશે. રાજકોટના કુવાડવા, માધાપર, ખોખરદળ, કસ્તુરબાધામ અને પાદાસણ ગ્રુપની બેઠકો પર આ ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણી સહકારી ક્ષેત્રમાં રાજકીય પકડ અને આગેવાનોની શાખની કસોટી સમાન સાબિત થશે.
અગ્નિ પંચકની છાયા શરૂ, 5 દિવસ સાચવીને કરજો કામ ! આ વસ્તુથી રહેજો દૂર