સતત ચોથા દિવસે સાંબેલાધાર વરસાદથી સમગ્ર સૌરાષ્ટ્ર પાણી-પાણી થઈ ગયુ છે. હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજા સમગ્ર સૌરાષ્ટ્ર પંથકને ઘમરોળી રહ્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં ફરી અનરાધાર વરસાદ વરસ્યો. ખાસ કરીને કલ્યાણપુર પંથક પર મેઘરાજા ઓળઘોળ થયા હોય તેમ છેલ્લા ઘણા દિવસોથી અહીં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગીર સોમનાથમાં પણ ગીર ગઢડા સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો.
રાજકોટના ધોરાજી-ઉપલેટા પંથકમાં પણ ધમધોકાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો જળતરબોળ થઇ ગયા. અવિરત વરસાદથી ઉપલેટાનું લાઠ ગામ જળમગ્ન બન્યું. જુનાગઢ અને પોરબંદર જિલ્લામાં પણ ફરી વરસાદ શરૂ થયો. અનરાધાર વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યું. જેના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા.
ઉપલેટા તાલુકાના લાઠ ગામમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ ઉભી થઇ ગઇ. એક સાથે 12 ઇંચ વરસાદ પડી જતા ગામ બેટમાં ફેરવાયું છે. લાઠ ગામથી ઉપલેટા તરફ આવવાનો રસ્તો બંધ કરાયો છે. કોઝવે ઉપર પાણી ફરી વળતા અવર-જવર બંધ થઇ ગઇ છે. ગામના તમામ રસ્તાઓ અને ખેતરો જળમગ્ન થયા છે. ભારે વરસાદ થતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ ઉભી થઇ છે.
ઉપલેટાના સમઢીયાળા ગામમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. માત્ર 2 કલાકમાં 8 ઇંચ વરસાદથી ચો તરફ પાણી જ પાણી થઇ ગયું છે ને સમગ્ર ગામ બેટમાં ફેરવાયું છે. મલતદાર અને SDRFની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. મઢીયાળાથી ઉપલેટા તરફ જવાનો રસ્તો હાલ બંધ કરાયો છે. અવિરત વરસાદથી કેવી તારાજી સર્જાય છે તે આના પરથી સમજી શકાય છે.
ઉપલેટા બાદ ધોરાજીમાં પણ મેઘરાજા ધોધમાર રીતે વરસ્યા છે. ધોરાજીના પીપળીયામાં ભારે વરસાદથી લોકોને ભારે હાલાકી થઇ રહી છે. પીપળીયામાં અનરાધાર 6 ઇંચ વરસાદથી ગામ પાણી પાણી થઇ ગયું છે. અષાઢમાં અનરાધાર વરસાદ પડતા ભારે વરસાદને કારણે ગામમાં નદી વહેતી થઇ છે. ઈન્દિરા નગર વિસ્તારના અનેક ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે. સમગ્ર સોસાયટી જળબંબાકાર થઇ છે. પળીયા ગામથી ઇન્દિરા નગર સોસાયટી તરફ જવાનો રસ્તો પણ બંધ કરાયો છે.
ધોરાજી તાલુકાના ટણવાવમાં ધોધમાર વરસાદ ખાબક્યો. એક કલાકમાં પાંચ ઇંચ વરસાદથી ગામ પાણી પાણી થયું છે. પાટણવાવમાં સીઝનનો કુલ 40 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે પાટણવાવ ગામ બેટમાં ફેરવાયું છે. ગામના રસ્તાઓ પર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. પાટણવાવથી ધોરાજી તરફ આવતા રસ્તા પર પાણી ભરાયાં છે.
દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં આભ ફાટ્યું. માત્ર ચાર કલાકમાં જ 11 ઈંચ વરસાદ ખાબકી જતા ચારે બાજુ પાણી જ પાણી જોવા મળ્યુ છે. કલ્યાણપુર બાદ યાત્રાધામ દ્વારકામાં પણ ભારે વરસાદ ખાબક્યો છે. દ્વારકા, ઓખા, નાગેશ્વરમાં ભારે વરસાદ પડ્યો. કલ્યાણપુરના ભાટિયા, લાંબા, ભોગાત, હડમતિયા, દેવરિયામાં મુશળધાર વરસાદ પડ્યો છે.
આ તરફ જુનાગઢના બાંટવામાં અનરાધાર વરસાદ વરસ્યો. બાંટવાની બજારોમાં વરસાદી પાણી ભરાતા ભારે હાલાકી સર્જાઈ. બાંટવાની અનેક દુકાનોમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા. ભારે વરસાદને કારણે જનજીવન ઠપ થઈ ગયું. બાંટવા નજીક ઘેડના મોટા ભાગના ગામમાં હજુ પાણી ઓસર્યા નથી. ડેમના 10 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા છે.
Input Credit Mohit Bhatt-Rajkot, Hitesh Thakrar- Porbandar, Harin matravadia- Dwarka, Hussain Kurishi- Dhoraji