રાજકોટ (Rajkot) ના પડધરીમાં પડેલા ગેરકાયદે માઇનિંગના દરોડામાં હિસાબોની એક ડાયરી (diary) પકડાઇ હતી. હિસાબોની આ ડાયરી રાજકોટ જિલ્લા તંત્રમાં ખળભળાટ મચાવી શકે છે. ડાયરીના હિસાબો અને સામે લખેલા નામ અનેક મોટામાથાઓના પગ નિચેથી જમીન સરકાવી શકે છે. આ ડાયરી સ્ટેટ મોનિટરિંગ સેલના હાથે લાગ્યા બાદ તેને એન્ટ કરપ્શન બ્યૂરોને સોંપાઈ છે અને ડાયરીમાં ગેરકાયદે પ્રવૃતિ ધમધમવા દેવા માટે કોને કેટલા રૂપિયા (ભરણ) ચુકવાતુ હતુ તેના હિસોબોની તપાસ થવી જોઇએ તેવો રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે. ઘટના ગત 5 જૂનની છે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના હરિપર ખારી ગામ નજીક આજી-3 ડેમની સાઇટ આવેલી છે. આ ડેમની નજીક સ્થાનિક વ્યક્તિઓ દ્વારા ગેરકાયદે માઇનિંગનું કામ ચાલી રહ્યું હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મળી હતી. ડેમ સાઇટ પાસે ગેરકાયદે માઇનિંગથી ના માત્ર સરકારને જ નુકશાન થતુ હતુ પરંતુ ભવિષ્યમાં ડેમની આસપાસ રહેનારા લોકો માટે પણ મુશ્કેલી સર્જી શકે તેવિ સ્થિતિ હતી.
બાતમીની ગંભીરતા જાણીને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થાનિક પોલીસની મદદ વગર જ જગ્યા પર દરોડો પાડ્યો હતો. જ્યાંથી હિટાચી મશીન, ડમ્પર ટ્રક, બોટ મળી કુલ 2 કરોડની આસપાસનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસને એક ડાયરી મળી આવી હતી. જે ડાયરીમાં લખેલા હિસાબો જોતા જ એસ.એમ.સી.ની ટીમના હોંશ ઉડી ગયા. જિલ્લાના કેટલાક સિનિયર પોલીસ અધિકારી, મહેસૂલ વિભાગના મહત્વના હોદ્દા પર બિરાજતા લોકો અને કેટલાક સ્થાનિક નેતાઓના નામ અને તેમને દર મહિને ચુકવાતા ભરણનો હિસાબ લખ્યો હતો.
પોલીસે આ ડાયરી પણ સત્તાવાર રીતે જપ્ત કરી અને તેને એન્ટી કરપ્શન બ્યૂરોમાં મોકલી આપી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આ ડાયરી સાથે એક રિપોર્ટ પણ એ.સી.બી. (એન્ટી કરપ્શન બ્યૂરો)ને કર્યો છે જેમાં લખેલા હિસાબોની તપાસ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે, એ.સી.બી.એ આ ડાયરીમાં જે વિગતો છે તેની સત્તાવાર રીતે તપાસ શરૂ કરી દિધી છે. તેમાં લખેલા નામ પ્રમાણે જે તે વ્યક્તિને બોલાવીને તેમના જવાબ નોંધી રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવશે.
સૂત્રોનું કહેવું છે કે, ડાયરીના કથિત હિસાબોની તપાસ થયા બાદ સત્ય સામે આવશે પણ એક વાત નક્કી છે કે, સ્થાનિક તંત્રની જાણ બહાર આટલું મોટુ કૌભાંડ ચાલી ન શકે. દરોડા દરમિયાનથી જ સ્થાનિક પોલીસ તંત્ર પણ શંકાના દાયરામાં હતુ અને હવે ડાયરીની તપાસ બાદ આ કૌભાંડ ચાલવા દેનારા અધિકારીઓ સામે પણ કાર્યવાહી થાય તો નવાઇ નહીં.
Published On - 4:26 pm, Tue, 19 July 22