રાજકોટના ઢોરવાડામાં પશુઓની દયનિય હાલતને જોતા ટ્રસ્ટના સંચાલકો સામે સવાલ ઉઠ્યા છે. આ ઘટનાના દૃશ્યો સામે આવ્યા છે. તે કોઈપણને વિચલીત કરી શકે છે. અહીં ઢોરવાડામાં જીવતી ગાયો ભૂખના મારી હાડપીંજર બની ગઈ છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે ગંદકી વચ્ચે કણસતી આ ગાયોની વહારે કોઈ આવશે અને તેમની હાલતમાં સુધાર આવશે!
હિન્દુ સંસ્કૃતિમાં જેના “જતન”ની વાતો થઈ છે, જેને આપણે “ગૌમાતા” તરીકે પૂજીએ છીએ એ જ “ગૌમાતા”ઓ રાજકોટના “ઢોરવાડા”માં એટલી દયનીય સ્થિતિમાં જોવા મળી રહી છે કે જોઈને કંપારી છૂટી જાય ! રાજકોટના કોઠારિયા રોડ પર RMCનો ઢોર ડબ્બો આવેલો છે. પરંતુ, તે ઢોર ડબ્બાનું સંચાલન કરનારા સંચાલકો હાલ સવાલોના ઘેરામાં છે. કારણ કે આ ઢોરવાડામાં માવજતના અભાવે રોજ પાંચથી સાત ગાયો મોતને ભેટી રહી છે ! એટલું જ નહીં. મૃત ગાયોને સમયસર ખસેડવામાં પણ નથી આવી રહી. અને બીજી તરફ. જીવતી ગાયો નરી ગંદકી વચ્ચે કણસી રહી છે.
કોર્પોરેશનના આ ઢોરવાડાનું સંચાલન “જીવદયા ઘર પાંજરાપોળ” ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. રાજેન્દ્ર શાહ. અને યશ શાહ નામના વ્યક્તિ. આ ટ્રસ્ટ ચલાવતા હોવાનું સામે આવ્યું છે. પરંતુ જ્યારે તમે આ પાંજરાપોળમાં પ્રવેશ કરો છો. ત્યારે “દયા” શોધવા જવી પડે તેવી સ્થિતિ છે ! તો સમગ્ર મામલે કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતનો આક્ષેપ છે કે ગાયોના નિભાવ માટે સરકાર દ્વારા મહિને 60 લાખ રૂપિયા નિભાવ ખર્ચ અપાય છે. પણ તેનાથી ગાયો માટે કામ કરવાને બદલે તે રકમ ઘરભેગી કરી દેવામાં આવે છે.
અહીં જુઓ વીડિયો
ગાયોની દયનીય હાલત; ઢોરવાડામાં અકલ્પનીય સ્થિતિ #Rajkot #Gujarat #TV9News #TV9Gujarati pic.twitter.com/draQzlxMqC
— Tv9 Gujarati (@tv9gujarati) April 12, 2024
ઢોર ડબ્બામાં 1500 જેટલાં પશુઓ છે. પરંતુ, માવજતના અભાવે રોજ નાના વાછરડા સહિત અનેક ગાયો મોતને ભેટી રહી છે. જો કે સમગ્ર મામલે હોબાળો થતાં. ટ્રસ્ટના સંચાલકો પણ સામે આવ્યા હતા અને પોતે નિર્દોષ હોવાનું ગાણું ગાયું હતું.
દાવો ગમે તે હોય, હકીકત શું છે તે જાણવા આ દૃશ્યો જ પૂરતાં છે. જીવદયા પ્રેમીઓ આ પાંજરાપોળને “કતલખાનું” ગણાવી રહ્યા છે. અને અહીંના દૃશ્યો પણ તે જ ચાડી ખાઈ રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે રાજકોટ કોર્પોરેશન આ અંગે પગલાં લે છે ક્યારે ?
આ પણ વાંચો: પરશોત્તમ રૂપાલાના શાયરાના અંદાજથી વધુ આક્રોષિત થયા ક્ષત્રિયો, રજપૂત સમાજે કહ્યુ ‘શરમ કરો રૂપાલા’- જુઓ Video
Published On - 10:51 pm, Fri, 12 April 24