ગુજરાતની વિવિધ દુર્ઘટનાઓના પીડિત પરિવારોને સાથે રાખીને કોંગ્રેસ દ્રારા આજથી ન્યાય યાત્રાની શરૂઆત થઇ છે. મોરબીથી આ યાત્રાનું આજે પ્રસ્થાન કરવામાં આવ્યું છે ત્યારે ભાજપના પ્રદેશ ઉપાધ્યાક્ષ ભરત બોઘરાએ આ મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. ભરત બોઘરાએ કહ્યું હતું કે કોંગ્રેસની ન્યાય યાત્રા રાજનીતિથી પ્રેરિત છે. કોંગ્રેસ પીડિત પરિવારોને ખભે બંદૂક રાખીને રાજકારણ કરી રહી છે. આ યાત્રા પીડિતોના ન્યાય માટે નહિ પરંતુ કોંગ્રેસ રાજકીય રોટલા શેકવા માટે આ યાત્રા કરી રહી છે. કોંગ્રેસના નેતાઓને પીડિત પરિવારો સાથે કોઇ સંવેદના નથી.
વધુમાં ભરત બોઘરાએ કહ્યું હતું કે કોંગ્રેસની ન્યાય યાત્રા માત્ર એક રાજકીય સ્ટંટ છે. કોંગ્રેસે રાજકારણ કરતા પહેલા તેના ભૂતકાળને જોવો જોઇએ. કોંગ્રેસના રાજમાં ખેડૂતો પર ગોળીબાર થયા છે. ધારાસભ્યોની હત્યા થઇ હતી. અનેક ગામો ગુંડાઓના નામથી ઓળખાતા હતા ત્યારે કોંગ્રેસ જે અરાજકતા ફેલાવી રહી છે તે અયોગ્ય છે. એક દુર્ધટનાના બદલે આખા શહેરને બાનમાં લેવુ અયોગ્ય છે.
અગ્નિકાંડના પીડિતો અંગે ભરત બોઘરાએ કહ્યું હતું કે અગ્નિકાંડના પીડિતો સાથે ભાજપ રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પીડિત પરિવારની મુલાકાત કરીને શક્ય મદદ આપવાની બાંહેધરી આપી છે. અમારા ધારાસભ્યો, કોર્પોરેટરો આજે પણ પીડિત પરિવારના સંપર્કમાં છે. અમે તેના દરેક દુ:ખમાં સાથે છીએ. આ દુ:ખદ ઘટના છે અને અમને પણ તેનું દુ:ખ છે પરંતુ તેના મુદ્દે કોંગ્રેસ રાજકારણ કરી રહી છે.
કોંગ્રેસ અગ્નિકાંડના મુદ્દે પીડિત પરિવારને આગળ કરીને રાજકોટને બદનામ કરી રહી છે. દેશમાં અને રાજ્યમાં રાજકોટનો સુવર્ણ ઇતિહાસ છે. રાજકીય શાખ છે પરંતુ કોંગ્રેસ તેને બદનામ કરી રહી છે. રાજકોટવાસીઓએ છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસને શાસન સોંપ્યું નથી અને કોંગ્રેસ સત્તા માટે હવાતિયા મારી રહી છે. કોઇ દુર્ઘટનામાં પરિવારને સાચા અર્થમાં મદદ કરવાને બદલે કોઇ શહેર અને રાજ્યને બાનમાં લેવું તે અયોગ્ય છે. કોંગ્રેસના ઇરાદાઓ પ્રજા સમજી ગઇ છે અને પ્રજા કોંગ્રેસને જાકારો આપશે.
Published On - 1:14 pm, Fri, 9 August 24