સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં આયોજિત થતા લોકમેળાને લઈને જિલ્લા કલેક્ટર અને રાઈડ્સના સંચાલકો વચ્ચે યોજાયેલી બેઠક નિષ્ફળ રહી છે. બેઠકમાં લોકમેળાની SOPને લઈને ચર્ચા થઈ હતી. રાજકોટમાં સર્જાયેલા ગોજારા અગ્નિકાંડ બાદ લોકમેળાને લગતી SOP વધુ કડક કરી દેવામાં આવી છે. જો કે આ કડક નિયમોને લઈને સંચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે અને તેઓ પણ ટસના મસ થવા તૈયાર નથી, જેને લઈને બેઠક નિષ્ફળ રહી હતી.
રાઈડ્સના સંચાલકોએ મેળાના નિયમો હળવા કરવાની કલેક્ટર સમક્ષ માગ કરી હતી. જો કે આ વખતે અગ્નિકાંડની ઘટનાને જોતા તંત્ર કોઈપણ પ્રકારની બાંધછોડ કરવાના મતમાં નથી. હાલ મેળાની યાંત્રિક રાઈડ્સને લઈને મામલો ગૂંચવાયેલો છે. આજે આ યાત્રિક રાઈડ્સના સંચાલકો અને જિલ્લા કલેક્ટર વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમા રાઈડ્સ ધારકોએ જણાવ્યુ કે મેળાને લઈને જે નિયમો બનાવાયા છે તેમા કેટલાક નિયમો એવા છે જે કાયમી રાઈડ્સ રાખવાની હોય તો તેના માટે જરૂરી હોય છે પરંતુ હંગામી રાઈડ્સ માટે આ નિયમો વધુ પડતા છે.
આ SOPમાં કેટલાક એવા નિયમો છે જેમા જમીનનું સ્ટ્રક્ચર ક્યા પ્રકારનું તેનો રિપોર્ટ રજૂ કરવો.આ ઉપરાંત રાઈડ્સનો એક પ્રકારનો એક્સરે એટલે કે રાઈડ્સની ફિઝિબિલિટીની ચકાસણી કરતો એક રિપોર્ટ રજૂ કરવો. જેની સામે સંચાલકોની રજૂઆત છે કે જે રિપોર્ટ માગવામાં આવ્યા છે, તે ઘણા ખર્ચાળ છે અને માત્ર ચાર દિવસના મેળા માટે પોસાય તેવા નથી, આથી નિયમોમાં બાંધછોડ કરવાનું રાઈડ્સ સંચાલકોએ સ્પષ્ટ રીતે કલેક્ટરને જણાવ્યુ હતુ. જો કે આ તરફ કલેક્ટરે પણ યાત્રિક રાઈડ્સ ધારકોને સ્પષ્ટપણે જણાવ્યુ કે નિયમોમાં કોઈપણ પ્રકારની બાંધછોડ નહીં થાય. જો આ જ સ્થિતિ રહી તો આ વર્ષના મેળામાં યાંત્રિક રાઈડ્સ જોવા મળશે કે કેમ તેને લઈને કોકડુ ગૂંચવાયુ છે. હાલ કલેક્ટરે રાઈડ્સ ધારકોને બે દિવસનો સમય આપ્યો છે અને 8 ઓગષ્ટે મેળાના પ્લોટની હરાજી છે, ત્યારે રાઈડ્સ ધારકો શું નિર્ણય લે છે તે જોવાનું સૌથી મહત્વપૂર્ણ રહેશે.
મેળામાં આવનારા અને રાઈડ્સમાં બેસનારા લોકોની સુરક્ષાને લઈને રાઈડ્સ ધારકો દ્વારા સોગંદનામુ રજૂ કરવામાં આવ્યુ હોવાનો દાવો કરાઈ રહ્યો છે, ત્યારે જોવાનું રહેશે કે નિયમોની આંટીઘૂંટીમાં ક્યા પ્રકારનો નિર્ણય આવે છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો