Rajkot: RMCની પ્રિમોન્સુન કામગીરી હજુ પૂર્ણ નથી થઈ, સિઝનના પ્રથમ વરસાદે જ કામ બાકી હોવાની ખુલી પોલ
Rajkot: રાજકોટ શહેરમાં અનેક સ્થળો પર વરસાદી પાણી ભરાઈ જવાને લઈ લોકો પરેશાન થઈ રહ્યા છે, તો બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકાના (RMC) કમિશ્નરે બચાવની વાત કરી હતી.
રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થઇ ગયો છે પરંતુ મનપા (Rajkot RMC) ની પ્રિમોન્સુન કામગીરી હજુ પૂર્ણ નથી થઈ.ચોમાસાના પ્રથમ વરસાદમાં જ શહેરમાં કેટલીક જગ્યાએ મનપાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલી ગઈ.કેટલીક જગ્યાએ ગટરના ખુલ્લા ઢાંકણામાં વાહનો ફસાયા તો કેટલીક જગ્યાઓ પર કામ ચાલુ હોવાથી વાહન ચાલકોને વરસાદમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
રાજકોટમાં વરસાદ વરસવાને લઈ સોમવારે અનેક સ્થળો પર પાણી રસ્તાઓ પર ભરાઈ જવા પામ્યા હતા. પ્રિમોન્સુન કામગીરી કરવા છતાં પણ રસ્તાઓ નદીઓ સ્વરુપ પ્રથમ વરસાદમાં જ નજર આવવા લાગ્યા હતા. એક તરફ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવતી હોય છે અને તે સિઝન દરમિયાન ચાલુ જ રહેતી હોવાનો બચાવ કમિશ્નરે કર્યો છે.
ઢેબર રોડ પર 3 મહિનાથી ડ્રેનેજ વિભાગનું કામ ચાલુ
ઢેબર રોડ પર અટીકા ફાટક નજીક 3 મહિના કરતાં વધુ સમયથી ડ્રેનેજ વિભાગનું કામ ચાલી રહ્યું છે.જેનાથી અડધો રસ્તો પણ રોકાયેલો છે.આ રસ્તા પરથી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોવાથી મોટી સંખ્યામાં વાહનો પસાર થતા હોય છે જેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આ ઉપરાંત આ વિસ્તારમાં વર્ષોથી પાણી ભરાવવાની સમસ્યા છે તેનો હજુ આ વર્ષે પણ મનપા દ્વારા ઉકેલ લાવવામાં નથી આવ્યો અને ગઈકાલે પ્રથમ વરસાદમાં જ ફરી એક વાર લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.રોડ આવેલા નાના કારખાના વાળા લોકોએ જણાવ્યું હતું કે 2 ઇંચ જેટલો વરસાદ પણ આવે તો તેઓના કારખાનામાં પાણી ઘુસી જાય છે.ત્યારે સવાલ એ થાય છે કે જૂન મહિનામાં ચોમાસુ બેસવાનું છે એ ખ્યાલ હોવા છતાં કેમ કામગીરી સમયસર નથી કરાતી અને અધુરી રહી જાય છે.
“બિપરજોયના કારણે કામગીરી પર અસર પહોંચી”:મનપા કમિશ્નર
આ અંગે RMC કમિશનર આનંદ પટેલને tv9 દ્વારા સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે બચાવ કરતા જણાવ્યું કે બિપરજોય વાવાઝોડા અને વરસાદને કારણે કામગીરી પર અસર પહોંચી છે.આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે અમુક વિસ્તારોમાં પાણી ભરાતું રોકી શકાતું નથી પરંતુ મનપાની પ્રાથમિકતા આ ભરાયેલા પાણીના તાત્કાલિક નિકાલ કરવાની છે અને તેના માટે કામગીરી પણ કરવામાં આવી છે અને વધુ પાણી ભરાય છે તે વિસ્તારમાં પમ્પિંગ મશીન પણ મૂકવાની કામગીરી કરાશે.