રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. નેહલ શુક્લ તેની કાર્યપદ્ધિતીથી હંમેશા ચર્ચામાં હોય છે. તાજેતરમાં મનપાના દરેક મોટા કામોમાં તે કામગીરીની વિગતો જાહેર કરવામાં આવશે તેવો મેયરે દાવો કર્યો હતો.પારદર્શક વહિવટ માટે કોન્ટ્રાકટની વિગતો ,થયેલો ખર્ચ,ગેરંટી પીરયડ અને કોન્ટ્રાક્ટરનું નામ અને તેના નંબર પણ જાહેર કરવામાં આવશે તેવું કહ્યું હતું પરંતુ પ્રથમ પ્રોજેક્ટમાં જ આ નિયમનો ઉલાળિયો જોવા મળ્યો.પહેલા અમે આપને બતાવીએ કે શું કહ્યું હતું મેયરે .
મેયરે સ્પષ્ટ કર્યું હતું કે હવે પછીના કામોમાં કોન્ટ્રાક્ટરના નંબર લખવામાં આવશે. જો કે મનપા દ્રારા તાજેતરમાં હરિહર ચોકમાં એક બ્રિજ તૈયાર કરાયો જેમાં મેયરે કરેલા સૂચનનો અધિકારીઓ દ્રારા ઉલાળિયો કરવામાં આવ્યો. જુઓ આ બોર્ડ કે જેમાં કોન્ટ્રાક્ટરના નંબર લખવાને બદલે મનપાના ફરિયાદ કોલ સેન્ટરના નંબર લખવામાં આવ્યા છે.
લોકો પણ કહી રહ્યા છે કે રાજકોટ મહાનગરપાલિકાના કોલ સેન્ટરમાં કોઇ જવાબ આપતું નથી અને જો નંબર લખવામાં આવે તો કોન્ટ્રાક્ટર પણ દબાણ રહે અને લોકો સીધો સવાલ કરી શકે. આ બોર્ડમાં જવાબદાર એન્જિનીયરના નંબર પણ લખવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે.
બીજી તરફ વિપક્ષે પણ રાજકોટ મહાનગરપાલિકાના શાસકો કોન્ટ્રાક્ટરને છાવરતાં હોવાનો આક્ષેપ લગાવ્યો છે. કોંગ્રેસના શહેર પ્રમુખ રાજદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે મનપાના શાસકો મોટી મોટી વાતો કરે છે અને કોન્ટ્રાક્ટરને બચાવી રહ્યા છે.કોન્ટ્રાક્ટરની વિગતો જાહેર કરવામાં આવે તો તેની પોલ ખુલી જાય માટે જાહેર કરતા નથી.
આ તરફ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કોઇપણ સાઇન બોર્ડમાં કોન્ટ્રાક્ટરના નંબર લખવા અંગેના નિર્ણયનો ફેરવિચાર કર્યો હોવાનો દાવો કર્યો હતો. ચેરમેને કહ્યું હતું કે જે તે કોન્ટ્રાક્ટરની ત્રણ વર્ષમાં જવાબદારી પૂરી થતી જતી હોય છે ત્યારે લોકોને કોઇ સમસ્યા હોય તો તેઓ સીધા જ મહાનગરપાલિકાને પોતાની ફરિયાદ કરી શકે તે હેતુથી નિર્ણયમાં ફેરબદલ કરીને કોન્ટ્રાક્ટરના નંબરના બદલે મનપાના નંબર લખવાનો નિર્ણય લીધો હોવાનું કહ્યું હતું.
જો કે અહીં સવાલ એ છે કે મહાનગરપાલિકાના જે નંબર સાઇન બોર્ડમા દર્શાવવામાં આવ્યા છે તે નંબર પહેલાથી જ લોકો પાસે ઉપલબ્ધ છે અને અગાઉ પણ લોકો આ જ નંબર પર પોતાની ફરિયાદ કરતા હતા. એક તરફ મેયર પારદર્શક વહિવટની વાતો સાથે આ નંબર લખવામાં આવશે તેવા દાવા કર્યા હતા તો અચાનક કોન્ટ્રાક્ટર પ્રત્યે કુણૂ વલણ કેમ દાખવવામાં આવ્યું તે સવાલ છે. લોકો તો એવી માંગ કરી રહ્યા છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારી બંન્નેના નંબર લખવામાં આવે તો કામ કરનારને પણ જવાબદેહીનો ભય રહે. ખૈર મનપાના મેયરે મિડીયા સમક્ષ કરેલી મોટી વાતો એ માત્ર હવે સરકારી તખ્તી બની ગઇ હોય તેવું લાગી રહ્યું છે.
Published On - 9:07 pm, Tue, 22 September 26