RAJKOT : સરધાર સ્વામિનારાયણ મંદિરે 10 ડિસેમ્બરથી ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ, આઠ દિવસીય મહોત્સવમાં અનેકવિધ કાર્યક્રમો યોજાશે
આ કાર્યક્રમમાં આઠ દિવસ સુધી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 1009 કુંડી શ્રીહરિ મહાયજ્ઞનું આયોજન,225 પોથી સંહિતા પારાયનું વાંચન,સંપ્રદાયના મુખ્યગ્રંથ શ્રીમદ્દ સત્સંગીજીવનની નવ દિવસની કથાનું આયોજન છે
રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલા વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સરધાર સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન થવા જઇ રહ્યું છે.10 ડિસેમ્બરથી 18 ડિસેમ્બર સુધી આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જેમાં 10મી ડિસેમ્બરે ઉદ્દધાટન કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહેશે. જ્યારે 11મી ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે.
અમિત શાહની ઉપસ્થિતિમાં મંદિર ટ્રસ્ટ દ્વારા કોલેજના બે હજાર વિધાર્થીઓ માટે રહેવા અને જમવાની નિ શુલ્ક વ્યવસ્થાવાળા છાત્રાલયનું ખાતમુર્હત કરવામાં આવશે. મંદિર ટ્રસ્ટ દ્વારા મહોત્સવને લઇને તમામ તૈયારીઓ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં વડતાલ લક્ષ્મીનારાયણ દેવના ગાદિપતિ રાકેશપ્રસાદ મહારાજ પણ ઉપસ્થિત રહેશે. 13મી ડિસેમ્બરે રાકેશપ્રસાદ મહારાજની ઉપસ્થિતિમાં ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.
પાંચ શિખર, 81 ફુટ ઉંચાઇનું તૈયાર કરાયું મંદિર, સોનાના સિંહાસન પર બિરાજશે ઠાકોરજી
સરધાર ધામ સૌરાષ્ટ્રના સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્યતીર્થધામ પૈકીનું એક છે. ભગવાન સ્વામિનારાયણ આ તીર્થધામમાં અનેક વખત પધારી ચૂક્યા છે. અને એકીસાથે ચાર મહિનાનું રોકાણ પણ કર્યું છે. હવે આ નિત્યસ્વરૂપદાસજી સ્વામી દ્વારા સત્સંગીઓના સહયોગથી ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું છે. જેમાં 70 હજાર બંસીપહાડના પથ્થરોથી 81 ફુટ ઉંચાઇનું મંદિર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં પાંચ શિખર પર છે. મંદિર પરિસરમાં કષ્ટભંજન દેવ અને ગણેશજીની પ્રતિમા પણ બિરાજશે. સાથે સાથે ઠાકોરજીની ભવ્ય મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે.આ માટે મંદિરના ગર્ભગૃહમાં અંદાજિત 100 કિલો સોના ચાંદીનો ઉપયોગ કરીને ભવ્ય સિંહાસન તૈયાર કરવામાં આવ્યું છે.
આઠ દિવસ સુધી અનેકવિધ કાર્યક્રમો
આ કાર્યક્રમમાં આઠ દિવસ સુધી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 1009 કુંડી શ્રીહરિ મહાયજ્ઞનું આયોજન,225 પોથી સંહિતા પારાયનું વાંચન,સંપ્રદાયના મુખ્યગ્રંથ શ્રીમદ્દ સત્સંગીજીવનની નવ દિવસની કથાનું આયોજન,ભગવાન સ્વામિનારાયણના જીવનચરિત્ર પર આધારીત ભવ્ય પ્રદર્શન,ઐતિહાસિક દરબારગઢમાં મ્યુઝિયમ તથા દરરોજ રાત્રે વ્યસનમુક્તિ સહિતના સામાજિક સંદેશાઓ આપતા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાખો લોકો ઉપસ્થિત રહેશે.આ ઉપરાંત સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.નવ દિવસ સુધી સરઘાર ગામના તમામ લોકો માટે પ્રસાદની વ્યવસ્થા.
મંદિર દ્વારા ઉભી કરવામાં આવેલી વ્યવસ્થા
એક લાખ લોકો બેસી શકે તેવો વિશાળ સભાગૃહ તૈયાર કરાયો. ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે 100 ફુટ પહોળાઇનો પાંચ કિલોમીટરનો રસ્તો તૈયાર કરાયો. સત્સંગીઓને ત્રણ ટાઇમ પ્રસાદની વ્યવસ્થા માટે ભવ્ય રસોડું તૈયાર કરવામાં આવ્યું. સત્સંગીઓ માટે ગરમ પાણીની ન્હાવા માટે વ્યવસ્થા, રહેવા માટે ટેન્ટની વ્યવસ્થા કરાઇ. જિલ્લા પ્રમાણે હરિભક્તો માટે રહેવા જમવાની અલગ વ્યવસ્થા કરાઇ છે. મહોત્સવની વ્યવસ્થા માટે હજારો હરિભક્તો ખડેપગે રહેશે.