
રાજકોટના ધોરાજી પંથકમાં ડુંગળીની ખેતી કરતા ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે. વાત એમ છે કે, પ્રતિકૂળ વાતાવરણની ડુંગળીના પાક પર ગંભીર અસર જોવા મળી રહી છે. તાપમાનમાં વધારો જોવા મળતા ડુંગળીના પાકમાં ‘પીળીયો’ નામનો રોગ જોવા મળી રહ્યો છે.
વધારે ગરમીને કારણે ડુંગળીના છોડમાં ગાંઠ બંધાતી નથી, જેથી આ વર્ષે ડુંગળીનું પૂરતું અને ઓછું ઉત્પાદન થાય તેવી સંભાવના છે. ખેડૂતો ડુંગળીના પાક માટે અત્યાર સુધીમાં વીઘા દીઠ 25 હજાર રૂપિયાનો ખર્ચ કરી ચૂક્યા છે પરંતુ પાકમાં રોગ આવી જતા આ ખર્ચો માથે પડે અને પાક નિષ્ફળ જાય તેવી ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.
બીજી તરફ, ધોરાજી માર્કેટ યાર્ડમાં તૈયાર થયેલી ડુંગળી લઈને ગયેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ડુંગળીના બમણા ભાવ મળી રહ્યા છે.
હાલ પ્રતિ મણ ડુંગળીના 600 થી 750 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે. એવામાં જે ખેડૂતોની ડુંગળી પાકી ગઈ છે, તેમનામાં ખુશી જોવા મળી રહી છે. એટલું જ નહીં, વેપારીઓ પણ આગામી સમયમાં વધુ ભાવ બોલાય તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.
જો કે, યાર્ડમાં વધેલા ભાવ છતાં ઓછા ઉત્પાદનને કારણે ખેતી પાછળ કરાયેલો ખર્ચ સરભર કરવો પણ ખેડૂતો માટે મુશ્કેલ બન્યો છે. હવે આગામી દિવસોમાં વાતાવરણ સારું રહે અને બજારમાં ભાવ પણ સારા મળે તેવી આશા ખેડૂતો સેવી રહ્યા છે.