
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી આજે, ગુરુવારે ભાજપનો ગઢ ગણાતા ગુજરાતની મુલાકાત લેવેના હતા. રાહુલ જૂનાગઢમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ (DCC) પ્રમુખો માટે તાલીમ શિબિરમાં ભાગ લેવાના હતા. આજે આ 10 દિવસીય શિબિરનો છેલ્લો દિવસ છે. જો કે રાહુલ ગાંધીએ છેલ્લી ઘડીએ તેમનો ગુજરાત પ્રવાસ રદ કર્યો છે. ખરાબ હવામાનને કારણે દિલ્હીથી તેમનુ વિમાન ગુજરાત માટે ટેકઓફ ના થઈ શક્યું. જેના કારણે તેમને આજની એક દિવસીય મુલાકાતને રદ કરવાની ફરજ પડી છે. છેલ્લા છ મહિનામાં રાહુલ ગાંધીની ગુજરાતની છ વાર મુલાકાત લીધી છે. ગુજરાતની આ બધી મુલાકાતો, રાહુલ ગાંધીના ગુજરાત પર ધ્યાન કેન્દ્રીય કર્યા હોવાની વાતને પ્રતિબિંબિત કરે છે.
ગુજરાત 1995થી ભાજપનો અજેય કિલ્લો રહ્યો છે. રાહુલ ગાંધી ભાજપના આ કિલ્લાને ભેદીને ગુજરાતમાં પ્રવેશ કરવા માંગે છે. આગામી મહિનાઓમાં, વિપક્ષના નેતા, ગુજરાતની જમીની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ગુજરાતના તમામે તમામ 182 વિધાનસભા મતવિસ્તારોની મુલાકાત લેવાની યોજના બનાવી રહ્યા છે. આ વર્ષે એપ્રિલમાં ગુજરાતની મુલાકાત દરમિયાન, રાહુલ ગાંધીએ પક્ષના કાર્યકરોને સંદેશ આપ્યો: “રાષ્ટ્રીય સ્તરે ભાજપને હરાવવાનો માર્ગ ગુજરાતમાંથી પસાર થાય છે.”
ગુજરાતમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2027 માં યોજાવાની છે, જેમાં બે વર્ષથી પણ ઓછો સમય બાકી છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પાસે આ રાજ્ય માટે સ્પષ્ટ વિઝન છે. તેમનું માનવું છે કે જો ભાજપ ગુજરાતમાં હારી જાય છે, તો તેઓ પીએમ મોદી અને અમિત શાહ માટે હાર હશે, બંને ભાજપના દિગ્ગજ નેતાઓ ગુજરાતના છે. આથી રાહુલ ગાંધી યેનકેન ભોગે ગુજરાતનો કિલ્લો અંકે કરવા માંગે છે.
રાહુલ ગાંધીએ તો એમ પણ કહ્યું છે કે તેઓ 2027 ની ચૂંટણીમાં ભાજપને હરાવી દેશે. ગુજરાતમાં રાહુલના વિશ્વાસનું એક કારણ એ છે કે, 2017 ની વિધાનસભા ચૂંટણીમાં, કોંગ્રેસ ભાજપ સામે બરાબરની ટક્કર આપી હતી. રાહુલ તે સમયે કોંગ્રેસ પ્રમુખ હતા. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 77 બેઠકો જીતી હતી અને ભાજપને 99 બેઠકો સુધી મર્યાદિત કરી દીધી હતી. ઘણા કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું છે કે ગુજરાતમાં જીતવાથી દેશભરમાં એક સંકેત જશે અને 2029 ની લોકસભાની ચૂંટણીમાં અખિલ ભારતીય ગઠબંધનની જીત માટે બળ મળશે.
ગુજરાતમાં નવા જિલ્લા પ્રમુખો હાલમાં તાલીમ શિબિરોમાં હાજરી આપી રહ્યા છે, જ્યાં તેમને પાર્ટીની વિચારધારા, નીતિઓ, રાજ્ય સરકારનો સામનો કેવી રીતે કરવો અને રાજકીય ઝુંબેશનું આયોજન કેવી રીતે કરવું તે અંગે માહિતી આપવામાં આવી રહી છે.
2022 ની વિધાનસભા ચૂંટણીમાં, કોંગ્રેસે ફક્ત 17 બેઠકો જીતી હતી, અને તેનો મત હિસ્સો 40 ટકાથી ઘટીને 28 ટકા થયો હતો. આમ આદમી પાર્ટી (AAP) ના આગમનથી કોંગ્રેસને ભારે ફટકો પડ્યો છે. આમ આદમી પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીમાં 5 બેઠકો અને 13 ટકા મત મેળવ્યા હતા. જે કોંગ્રેસને મોટો ફટકા સમાન ગણાય છે. ભાજપે તેનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ભાજપે 156 બેઠકો અને 52 ટકા મત મેળવ્યા છે. ગુજરાતના રાજકારણમાં અત્યાર સુધીમાં 149 બેઠકો જીતવાનું બહુમાન કોંગ્રેસ પાસે હતું. માધવસિંહ સોલંકીની આગેવાનીમાં લડાયેલ ચૂંટણીમાં કોંગ્રેસને 149 બેઠકો મળી હતી. રાહુલ ગાંધી સંગઠનને મજબૂત કરવા માટે નિયમિતપણે ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. જોકે, તેમના પ્રયાસોની સફળતા 2027 ની ચૂંટણીમાં જાણી શકાશે.
કોંગ્રેસ પક્ષ એ દેશનો સૌથી મોટો અને જૂનો રાજકીય પક્ષ છે. કોંગ્રેસે ભારતમાં વર્ષો સુધી રાજ કર્યું છે. કોંગ્રેસને લગતા તમામ નાના મોટા મહત્વના સમાચાર જાણવા માટે તમે અહીં ક્લિક કરો.
Published On - 2:50 pm, Thu, 18 September 25