અમદાવાદ (Ahmedabad) શહેર ધીરે ધીરે જાણે ભૂવા નગરી બનતુ જઇ રહ્યુ છે. અમદાવાદમાં ભૂવા (Pothole) કે ગાબડા પડવા જાણે હવે કોઇ નવાઇની વાત નથી રહી. જો કે નવાઇની વાત તો એ છે કે હજુ તો ઊનાળો પણ શરુ નથી થયો, ત્યાં તો ચોમાસામાં ભૂવા પડતા હોય તેવા ઘાટ અમદાવાદમાં જોવા મળી રહ્યા છે. વટવા (Vatva)વિસ્તારમાં રસ્તો બન્યાના ત્રીજા દિવસે જ ભૂવો પડ્યો છે. જે રસ્તા બનાવવાની કામગીરી પર સવાલો ઊભા કરી રહ્યુ છે.
અમદાવાદમાં વટવા વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા જ નવો રોડ બનાવવામાં આવ્યો હતો, તે જ સ્થળ પર ભૂવો પડ્યો છે. જેને કારણે નવો બનાવેલો રોડ ગણતરીના કલાકોમાં જ બિસ્માર થઈ ગયો. રસ્તો બન્યાના ત્રણ દિવસમાં જ ભૂવો પડતા આસપાસના લોકો આશ્ચર્યમાં મુકાયા છે. આ ભૂવો મહાનગરપાલિકાના રોડ બનાવતા કોન્ટ્રાક્ટર્સની કામગીરીની પોલ ખોલી રહ્યો છે. જે રસ્તા પર સૌથી વધુ વાહનોની અવરજવર હોય છે તેવા ચાર રસ્તા પર જ આ ભૂવો પડવાને કારણે વાહનચાલકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.
જો કે પોતાની પોલ ખુલી જશે તેવા ડરથી ભૂવો પડતા રસ્તો બનાવનારુ તંત્ર તાત્કાલિક દોડતુ થઇ ગયુ હતુ અને મહાનગરપાલિકા તરફથી સમારકામની કામગીરી તાત્કાલિક શરૂ કરી દેવાઇ હતી. જો કે હવે મહાનગરપાલિકાની આ કામગીરી કેટલા દિવસ યોગ્ય રહે છે તે જોવુ રહ્યુ.
આ પણ વાંચો-
આ પણ વાંચો-