Porbandar : નગરપાલિકા દ્વારા ત્રણ દિવસના પાણી વિતરણની જાહેરાત, પાલિકાનું રાજકારણ ગરમાયું
પોરબંદર જિલ્લામાં પીવાનું પાણી પુરૂ પાડતા ખમભાડા.ફોદાડા ડેમોમાં ચોમાસુ નબળું હોવાથી પાણીની ઘટ સર્જાય છે. જેથી હવે ત્રીજા દિવસે પાણી વિતરણ કરવાનું આયોજન કર્યુ છે.
Porbandar : પોરબંદર-છાયા સયુંકત નગરપાલિકા હવે બીજા દિવસના બદલે ત્રીજા દિવસે પાણી વિતરણ કરશે. જે મુદ્દે ભાજપ અને કોંગ્રેસ આમને સામને આક્ષેપ લગાવી રહ્યા છે. તો આ મુદ્દે કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
પોરબંદર જિલ્લામાં પીવાનું પાણી પુરૂ પાડતા ખમભાડા,ફોદાડા ડેમોમાં ચોમાસુ નબળું હોવાથી પાણીની ઘટ સર્જાય છે. જેથી હવે ત્રીજા દિવસે પાણી વિતરણ કરવાનું આયોજન કર્યુ છે.
ગત વર્ષે સારું ચોમાસું હોવાથી ડેમોમાં પાણીનો સંગ્રહ વધુ હતો. અને હજુ પણ બે માસ ચાલે તેટલું પાણી છે. પરંતુ વરસાદ ખેંચાઈ તો પાણીની તંગી સર્જાય તેવા એંધાણ છે.
એક તરફ બે દિવસે પાણી વિતરણ થતું. ત્યારે પણ લોકોની ફરિયાદો હતી કે પાલિકા પીવાની પાણી આપતી નથી. અને જે પાણી આવે છે તે દુર્ગંધવાળું પાણી આવે છે. કેટલાક વિસ્તારોમાં તો બે દિવસે પણ પાણી મળતું ના હતું તો ત્રણ દિવસે કેવી રીતે પાણી મળશે.
આ મામલે નગરપાલિકાના એન્જિનિયર એચ.બી. ગોરસિયાએ જણાવ્યું હતું કે પાલિકાના હોદ્દેદારો અને કર્મચારીઓએ બેઠક કરી હતી. જેમાં ડેમોમાં પાણી ઓછું છે અને નર્મદાની લાઈન વારંવાર લીકેજ થતા ફૂલ ફોર્સથી પાણી નહીં મળતું હોવાથી આ નિર્ણય લેવાયો છે. અને વધુ આગામી દિવસોમાં ફોર્સથી પાણી મળે તેના પાણી પુરવઠા બોર્ડ દ્વારા નવી લાઈનનું ધારાસભ્યના હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું છે. સરકારમાં પણ વધુ પાણી મળે તેની રજુઆત કરી હોવાનું પણ ગોરસિયાએ ઉમેર્યું છે.
જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ મોઢવાડીયાએ જણાવ્યું કે ” નગરપાલિકા દ્વારા બે દિવસના બદલે ત્રણ દિવસે પાણી વિતરણની જાહેરાત કરી છે. કારણ કે ચોમાસું પાછળ ગયું છે. ડેમોમાં પાણીની ઘટ છે.જેથી લોકોને પાણી મળી રહે અને વિલંબ ના થાય તેથી પાલિકાએ સુચારું આયોજન કર્યું છે. નવી લાઈન ટુંક સમયમાં ફિટ થયેલી રાબેતા મુજબ પાણી વિતરણ થશે. કોંગ્રેસ પાસે કોઈ આયોજન નથી. વિકાસનું વિઝન નથી માત્ર વાહિયાત વાતો કરે છે”
પોરબંદર નગરપાલિકાના કોંગ્રેસના સદસ્ય જીવનભાઇ જુગીએ કહ્યું કે ” પાલિકા પાણીના વેરા ધાકધમકી આપી ઉઘરાવે છે આયોજનનો અભાવ છે. અણઆવડતવાળા લોકો સત્તા પર બેસી ગયા છે. જેના કારણે પ્રજાજની પાણી વગર મુશ્કેલીમાં મુકાયા ગયા છે. આગામી દિવસોમાં વ્યવસ્થિત આયોજન કરી લોકો સુધી પાણી નહિં પહોંચે તો કોંગ્રેશ આક્રમક બની જિલ્લાભરમાં આંદોલન કરશે અને સરકાર સુધી વાત પહોંચાડશે”
હાલ તો વરસાદ નથી અને ડેમોમાં પાણીની ઘટ છે. ત્યારે હજુ વરસાદ આવશે કે કેમ તે એક સવાલ છે. જો વરસાદ નહિ આવે તો પાલિકા એ જનઆંદોલનનો સામનો કરવાની તૈયારીઓ રાખવી પડશે તે નક્કી વાત છે.