વિવાદ વધતા તપાસ થઇ તેજ: ભચાઉમાં નેર ગામમાં દલિતો પર હુમલાની ઘટનામાં અન્ય 10 આરોપીઓની ધરપકડ
ભચાઉમાં નેર ગામમાં દલિતો પર હુમલાની ઘટનામાં વિવાદ વધતા તપાસ તેજ થઇ છે. પોલીસે અગાઉ 5 આરોપી ઝડપ્યા હતા. બાદમાં હવે અન્ય 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
કચ્છના ભચાઉ તાલુકાના નેર ગામે અનુસૂચિત જાતિના વ્યક્તિઓ પર હુમલાની ઘટનાને લઈને પોલીસે તપાસ વધુ તેજ કરી છે. આ ઘટનામાં પોલીસે વધુ 10 આરોપીઓની ધરપકડ કરી છે. આ પહેલા પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં 15 લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓને ઝડપી પાડવા માટે પૂર્વ કચ્છ પોલીસે 12 ટીમો બનાવી હતી. મહત્વનું છે કે મંદિરમાં દર્શન કરવા બાબતે દલિત પર હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે વિવાદ વધતા હવે પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે કચ્છમાં દલિત અત્યાચાર મામલે રાજકારણ પણ ગરમાયું હતું. કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીએ આંદોલનની જાહેરાત કરી હતી. કહ્યું હતું કે, કચ્છ જિલ્લાના રાપર તાલુકાના વરણું ગામે દલિત સમાજની મંડળીની જમીનમાં મંદિર ઉભુ કરવામાં આવ્યું છે. એ મંદિરમાં દલીત સમાજના લોકો 1 તારીખે પ્રવેશ કરશે. સરકાર પર ગંભીર આક્ષેપ કરતા જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, સરકારે રાજ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે તકેદારી લેવી જોઈએ પરંતુ સરકાર આ મુદ્દે મૌન છે.
તો અનુસૂચિત જાતિના લોકો થયેલા અત્યાચારની ઘટનામાં રાજ્ય સરકારે ભોગ બનનાર 6 વ્યક્તિઓ 21 લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી. બીજી તરફ આ ઘટનાને લઈને પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: LPG Cylinder New Prices: મોંઘવારીએ વધુ એક ફટકો માર્યો, દિવાળી પહેલા LPG Cylinder 268 રૂપિયા મોંઘો થયો