હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. યુનિવર્સિટીએ ગયા એક જ વર્ષમાં 156 કોલેજોનું યુનિવર્સિટી સાથે જોડાણ કરી નાખ્યું અને આમાંથી 92 કોલેજોમાં માત્ર 13 જ પ્રાધ્યાપકોની નિમણુંક કરાઈ છે.
ઉત્તરવહી કૌંભાંડ બાદ આ એક મોટું કૌભાંડ બહાર આવ્યું છે. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી (Hemchandracharya University) એ 156 નવી કોલેજો (colleges) ની મંજૂરી આપી દીધી છે. કોલેજોને યુજીસીના ગાઈડલાઈન પ્રમાણે જોડાણની મંજુરી આપવામાં આવે છે પણ અહીં એક સાથે આટલી મોટી સંખ્યામાં મંજૂરી અપાતાં અને માત્ર 13 પ્રાધ્યાપકોની નીમણૂક કરતાં યુનિવર્સિટીના સત્તાધીશો અને LIC ટીમ પર કૌંભાડની આશંકા સાથેના સવાલ ઊભા થયા છે.
યુનિવર્સિટીએ UGCના નિયમો વિરુદ્ધ મંજૂરી આપી હતી જેમાં ડિપ્લોમાં ફાયર એન્ડ સેફ્ટી અને સેનેટરી ઇન્સ્પેક્ટરની કોલેજોમાં ચોંકીવનારી માહિતી સામે આવી છે. 25 જેટલી ફાયર સેફ્ટીની ગંભીર પ્રકારના અભ્યાસક્રમની કોલેજોમાં માત્ર 1 પ્રાધ્યાપક અને સેનેટરી ઇન્સપેક્ટરની 67 કોલેજોમાં 12 જ પ્રાધ્યાપકોની નીમણૂક કરવામાં આવી છે. સમગ્ર માહિતી આરટીઆઈમાં બહાર આવી.
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ 2017-18માં યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા ડબલ ભાવમાં ઉત્તરવહી ખરીદી કરીને કરોડો રૂપિયાની ઉચાપત કરી હોવાના ગંભીર આક્ષેપ મામલે તેઓની સામે કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવે તે માટે અરજદાર દ્વારા હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી. જે પીટીશન ને ધ્યાનમાં રાખીને મંગળવારના રોજ હાઈકોર્ટે રાજ્ય સરકાર દ્વારા એ.સી.બીને ફરિયાદ નોંધી તપાસ કરવા મંજૂરી આપવા આદેશ કરવામાં આવતા ફરીથી ઉતરવહી ખરીદી કૌભાંડનો આ મામલો ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે.