
ગુજરાત ભાજપમાં બધુ સમુસુતરુ નથી એવા સમાચાર અવારનવાર માધ્યમોમાં ચમકતા રહે છે. આવા સમયે વધુ એક સમાચાર મોરબીથી સામે આવ્યા છે. મોરબી ભાજપમાં વરવી જૂથબંધી સામે આવી છે. પ્રસંગ હતો કેન્સરની સારવાર લઈને સાજા સમા પાછા આવેલ, પ્રધાન કાંતિ અમૃતિયાના સન્માન સમારોહનો. આ કાર્યક્રમમાં કાંતિ અમૃતિયાની વાહ વાહ કરવાની સાથે સાથે તેમના વિરોધીઓને વાકબાણથી રહેંસી નાખવામાં આવ્યા હતા. કાર્યક્રમને નામ અપાયું હતું સ્વાગત સમારોહનુ. પરંતુ મંચ ઉપરથી એક જ કામ થયું, અમૃતિયાના વિરોધીઓને ટોણા મારવા અને તેમની ઠેકડી ઉડાડવી
ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારના પ્રધાન કાંતિ અમૃતિયાને કેન્સરનો રોગ થયો છે. કાંતિ અમૃતિયા કેન્સરની સારવાર લઈને સાજા થયા છે. તેઓ મોરબી પરત ફર્યા ત્યારે તેમના સન્માનમાં, સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. સ્વાગત સમારોહમાં, મોરબી ભાજપના જિલ્લા પ્રમુખ સહિત મોટાભાગના મંડળોના પ્રમુખ ગેરહાજર રહ્યાં હતા. આ કાર્યક્રમમાં, મંચ પરથી વક્તાઓએ, દાખલા દ્રષ્ટાંતો આપીને કાંતિ અમૃતિયાની વાહવાહ કરી હતી. જ્યારે તેમના વિરોધીઓને શબ્દબાણ મારીને વક્તાઓએ ઘાયલ કર્યાં હતા. સ્વાગત સમારોહમાં, મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ વિરોધીઓને આડે હાથે લેતા કહ્યું કે, “આ તપ વાળી જગ્યા છે અહીંયા દુર્જનો ના બેસી શકે સજ્જનો જ બેસી શકે. “પ્રજાલક્ષી વિચાર સરણી હોય તો બેસી શકે પ્રજાને લૂંટવાની વિચાર સરણી હોય તો અહીંયા ન બેસી શકે”.
વાંકાનેર ધારાસભ્ય જીતુ સોમાણીએ, કાંતિલાલ અમૃતિયા વાહવાહી કરતા વિરોધીઓેને ટાયડા ઘોડા સાથે સરખાતા કહ્યું કે, “ટાયડા ઘોડા શરૂઆતમાં જ ઝડપી દોડી શકે, પાછળથી થાકી જાય. મારે એવા ટાયડા ઘોડાને કહેવું છે કે શાંતિ રાખો ભાઈ. સાથે જ શાયરાના અંદાજમાં કહ્યું “હમસે હૈ ઝમાના ઝમાને સે હમ નહીં, કહેવત છે ને મર્દ માણસની મૈયતમાં જવાય હીજડાની જાન માં ન જવાય…, વિરોધી જૂથના કાર્યકરોને ટોણો મારતા કહ્યું “હંમેશા ક્યાંય ઊભું રહેવું હોય તો મર્દ માણસ પડખે ઊભું રહેવાય બાકી તો હાથ પકડીને ક્યારે ડૂબાડી દે એનું નક્કી નહીં આવા ય કેટલાય છે મોરબીમાં”.
આ સ્વાગત કાર્યક્રમમાં મંચ ઉપરથી વકતાઓએ કાંતિ અમૃતિયાની વાહવાહી કરાવાની સાથે સાથે કોણ વિરોધીઓને સૌથી વધુ ચાબખા મારે છે તેની સ્પર્ધા રાખવામાં આવી હોય તેવો માહોલ થયો સર્જાયો હતો. કાર્યક્રમ બાદ કાંતિ અમૃતિયાએ, રાજકીયભાષામાં પોતાના ઘોર વિરોધીને સંકેત પણ આપ્યો હતો કે, 97માં અડી ગયા હતા. વાર પણ નહોતી લાગી. હવે તો હવા વિનાના ટાયર બજારમાં આવ્યા છે.