
શું કળિયુગમાં માનવતા નામની કોઈ ચીજ જ નથી રહી? પૈસા કમાવાની આંધળી દોડમાં લોકો આટલી હદે નિર્દયી અને સ્વાર્થી કેવી રીતે બની શકે? હોસ્પિટલો અને મેડિકલોમાં લાચાર દર્દીઓને મોંઘીદાટ અને નકલી દવાઓ પધરાવવાના કિસ્સા તો રોજબરોજ સામે આવતા જ હતા, પરંતુ સુરતમાં જે બન્યું તેણે તો ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી છે. માણસો અને તેમાં પણ ખાસ કરીને માસૂમ બાળકોના જીવ સાથે આવું જઘન્ય કૃત્ય કરતા લોકોનો આત્મા કેમ નહીં કંપ્યો હોય?
સુરતના અઠવા વિસ્તારમાં આવેલા એક મેડિકલ સ્ટોરમાં પશુઓ માટેની દવાનું રિફિલિંગ કરી, તેના પર નકલી સ્ટીકરો ચોંટાડીને નાના બાળકોની દવા તરીકે ઊંચા ભાવે વેચવાનો કાળો કારોબાર પકડાયો છે. સુરત SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ) અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંયુક્ત દરોડો પાડીને ₹31,000 થી વધુના મુદ્દામાલ સાથે મેડિકલ સંચાલકને રંગેહાથ ઝડપી લીધો છે.
આજે સમાજમાં ચોતરફ નજર કરો તો ક્યાંય શુદ્ધતા બચી નથી. ક્યારેક ખાવા-પીવાની ચીજવસ્તુઓમાં જીવલેણ કેમિકલ્સની ભેળસેળ પકડાય છે, તો ક્યારેક રોજિંદા જીવનની જરૂરિયાતોમાં નકલી માલ ઘૂસાડી દેવાય છે અને હવે તો હદ થઈ ગઈ જ્યારે જીવન બચાવવા માટે વપરાતી દવાઓમાં પણ પશુઓની દવા ભેળવીને વેચાઈ રહી છે! આખરે આ લોકો પૈસા ભેગા કરવા માટે ક્યાં સુધી નીચે પડશે? શું આવા નફાખોરોને એ વાતનો જરાય અહેસાસ નથી કે ઉપરવાળો બધું જ જોઈ રહ્યો છે? શું તેમને ભગવાન કે કાયદાનો સહેજ પણ ડર નથી રહ્યો?
જ્યારે સમાજનો રક્ષક ગણાતો વેપારી જ માત્ર થોડા રૂપિયા માટે નિર્દોષ ભૂલકાંઓના સ્વાસ્થ્ય અને ભવિષ્ય સાથે આવો ખતરનાક ખેલ ખેલે, ત્યારે સમગ્ર વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થાય છે. લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને આવી નીચ હરકત કરનારા તત્વો સામે દાખલારૂપ અને આકરી સજા ફટકારવામાં આવે તેવી ઉગ્ર માંગ ઊઠી છે.