
નવસારીમાં લોકસભા ચૂંટણીના મતદાન દરમિયાન એક તરફ રાજકીય હિંસાનો બનાવ નોંધાયો છે, તો બીજી તરફ ગરમીના પ્રકોપના કારણે મતદાનમાં નિરસતા જોવા મળી રહી છે. નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13માં કોંગ્રેસના ઉમેદવાર પ્રમોદભાઈને થપ્પડ મારવાની ઘટના સામે આવી છે, જેના પર તેમણે ભાજપના કાર્યકર સુરેશ શેઠ સામે આક્ષેપ કર્યા છે.
પ્રમોદભાઈના જણાવ્યા અનુસાર, મતદાન મથક પર તેમની પુત્રી સાથે એક વ્યક્તિએ ગેરવર્તન કર્યું હતું. તે વ્યક્તિ નશામાં હતો અને વિસ્તારનો મતદાર ન હોવા છતાં ખરાબ ભાષાનો ઉપયોગ કરી રહ્યો હતો. પ્રમોદભાઈએ જ્યારે તેને પૂછ્યું ત્યારે તેણે વધુ ઉગ્ર ભાષા વાપરી હતી, જેના કારણે પ્રમોદભાઈએ તેને “એકાદ બે થપ્પડ મારી દીધી હોવાનુ તેમણે જણાવ્યું. આ ઘટના સમાધાન થઈ ગઈ હતી.
જોકે, થોડા સમય પછી નીલેશ નામનો વ્યક્તિ બૂથ નંબર એકમાં ઘૂસી ગયો અને પોલીસ સ્ટાફ સાથે બબાલ કરી. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને બોલાવી દેવામાં આવ્યા. પ્રમોદભાઈના મતે, આ મામલાની કોઈ જાણકારી ન હોવા છતાં, સુરેશ શેઠે તેમને ડાયરેક્ટ થપ્પડ મારી દીધી. આ ઘટના બાદ પ્રમોદભાઈએ સાંજે કાયદેસરની કાર્યવાહી માટે ફરિયાદ આપવાની વાત કરી છે.
આ રાજકીય ગરમાવા વચ્ચે, નવસારી અને વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં મતદાનનો ટ્રેન્ડ ગરમીના કારણે નોંધપાત્ર રીતે ધીમો પડ્યો છે. નવસારીમાં બપોરે 3 વાગ્યા સુધીમાં આશરે 45% જેટલું મતદાન નોંધાયું છે. સામાન્ય રીતે આ બૂથ અને વોર્ડમાં સૌથી વધુ મતદાન થતું હોય છે, પરંતુ આ વખતે 38 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાનને કારણે મતદારો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. પોલિંગ સ્ટાફ પણ મતદારોની રાહ જોતો જોવા મળી રહ્યો છે.
વડોદરાની સ્થિતિ પણ કંઈ અલગ નથી. સવારે 7 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધીમાં અંદાજિત 31% મતદાન નોંધાયું હતું. વડોદરામાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, જેના કારણે મતદાન મથકો પર એકલદોકલ મતદારો જ જોવા મળી રહ્યા છે. લોકશાહીના આ પર્વમાં સવારે વહેલા મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી, પરંતુ બપોર થતાં જ માહોલ મંદ પડી ગયો હતો. મતદાન પ્રક્રિયા સાંજે 6 વાગ્યા સુધી ચાલવાની હોવા છતાં, બપોરના સમયે ભારે ગરમીના કારણે મતદાનની ગતિ ધીમી પડી છે. જોકે, એવી શક્યતાઓ સેવાઈ રહી છે કે સાંજે 4 વાગ્યા પછી ગરમી ઘટતાં મતદારો ફરી એકવાર પોતાની ફરજ બજાવવા માટે મતદાન કરવા આવી શકે છે.
શહેરી વિસ્તારોમાં જોવા મળી રહેલું નિરસ મતદાન રાજકીય પક્ષો માટે ચિંતાનો વિષય બન્યું છે. ઓછું મતદાન કયા પક્ષને ફળશે અને કોને નુકસાન પહોંચાડશે તે અંગે અટકળો શરૂ થઈ છે. નવસારી જિલ્લામાં તાલુકા પંચાયતનું મતદાન 50% સુધી પહોંચ્યું છે, જ્યારે મહાનગરપાલિકામાં મતદાન ઓછું જોવા મળી રહ્યું છે, જે શહેરી મતદારોની ગરમી પ્રત્યેની અનિચ્છાને દર્શાવે છે.
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
Published On - 5:48 pm, Sun, 26 April 26